Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ઇઝરાયલ - ઇરાને એકબીજા ઉપર મિસાઇલો ઝીંકી

ઇરાનના રાડાર સ્ટેશન ઉપર હુમલોઃ સીરીયામાં ઇરાનની એરડીફેન્સ પોઝીશન - હથિયારોના ગોડાઉનો ઉપર હુમલો : ઇરાનનો વળતો ઘાઃ ઇઝરાયલના ગોલાન હાઇટ્સમાં સૈનીક સ્થળો ઉપર એકીસાથે ૨૦ રોકેટો છોડયાઃ ઇઝરાયલે ક્રુઝ મિસાઇલ ઝીંકી

જેરૂસાલેમ તા. ૧૦ : વર્ષોથી તનાવ અને સંઘર્ષનો સામનો કરી રહેલા મધ્યપૂર્વીય દેશ સીરિયામાં આજે પણ યુદ્ઘ અટકવાનું નામ નથી લઇ રહ્યું. ગઇકાલે બુધવારે ઇઝરાયલે ઇરાનના સૈનિકો પર મિસાઇલ હુમલો કર્યા બાદ પહેલીવાર ઇરાને ઇઝરાયલ આર્મી પર પલટવાર કરી મિસાઇલો લોન્ચ કરી છે. ઇઝરાયલના સૈનિકોએ આરોપ લગાવ્યો છે કે, ઇરાને ગોલાન હાઇટ્સ વિસ્તારમાં એકસાથે ૨૦ મિસાઇલ સ્ટ્રાઇક કરી છે. જેનો જવાબ ઇઝરાયલી સૈન્યએ ક્રૂઝ મિસાઇલથી આપ્યો છે. ઇઝરાયલ સેનાએ દાવો કર્યો કે, તેઓએ સીરિયામાં

અંદાજિત ડઝન સ્થળે ઇરાનના સૈનિકો પર હુમલો કર્યો છે. સીરિયામાં અનેક વર્ષોના તનાવ બાદ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે આ સૌથી મોટો ટકરાવ જોવા મળી રહ્યો છે.

ઇઝરાયલ એર ડિફેન્સ (આઇડીએફ)ના સ્પોકસપર્સને કહ્યું કે, જયુઇશ સ્ટેટના ડિફેન્સ લાઇન એરિયામાં ઇરાનિયન કવોડ્સ ફોર્સે અંદાજિત ૨૦ જેટલાં રોકેટ્સ છોડ્યા છે. સૈન્ય હુમલામાં અનેક સૈનિકોને ગંભીર ઇજાઓ થઇ છે.  બાદમાં ડિફેન્સ સ્પોકસપર્સને પોતાનું નિવેદન બદલ્યું હતું અને આ એરસ્ટ્રાઇકમાં કોઇ પણ સૈનિકોને ઇજા નથી પહોંચી તેવું કહ્યું હતું.  સેનાના સ્પોકસપર્સને જણાવ્યું કે, મિસાઇલ્સથી કોઇ નુકસાન થયું નથી કારણ કે, એન્ટી-મિસાઇલ સિસ્ટમ્સે આ રોકેટ્સને અધવચ્ચે જ નષ્ટ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ઇરાન સાથે ન્યૂકિલયર ડીલમાંથી અમેરિકાને હટાવ્યા બાદ ઇઝરાયલે બુધવારે ઇરાનના ૯ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઇઝરાયલે દમાસ્કસ નજીક એરસ્ટ્રાઇક કરી હતી. જેમાં ૯ સૈનિકોનાં મોત થયા હતા.

એર ડિફેન્સે કહ્યું કે, ઇઝરાયલી ફોર્સે પણ એકસાથે ૨૦ રોકેટ્સના હુમલાના જવાબ ક્રૂઝ મિસાઇલથી આપ્યો હતો. અમે વળતો જવાબ માટે તૈયાર છીએ. ઇરાનની અલ-કુદ્સ બ્રિગેડના સૈનિકોએ ગોલાનમાં ઇઝરાયલ સેનાના ઠેકાણાંઓને અડધી રાત્રે નિશાન બનાવ્યા. દમાસ્કસથી આવેલા સમાચાર અનુસાર, સીરિયાની એન્ટિ એરક્રાફટ સિસ્ટમ્સે ગુરૂવારે સવારે ઇઝાયલ તરફથી સીરિયા ઉપર કરવામાં આવેલા મિસાઇલ્સ હુમલાને નષ્ટ કરી દીધા છે.

રિપોર્ટ્સ અનુસાર, હાલના વર્ષોમાં ઇરાનના સૈન્ય ઠેકાણાંઓ વિરૂદ્ઘ ઇઝરાયલ સેનાનું આ સૌથી મોટું અભિયાન છે. જો કે, સેના સ્પોકસપર્સને એ વાત ઉપર પણ ભાર મુકયો છે કે, ઇઝરાયલ તનાવ વધારવા નથી ઇચ્છતું.

(3:08 pm IST)