Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

૧૦ મહિનામાં જ મહારાષ્ટ્રમાં ૧૩ હજારથી વધુ બાળકોના મોત

આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતી સંદર્ભે જાહેર આરોગ્ય વિભાગે આપી માહિતી : ૧૩,૫૪૧ બાળકો એપ્રિલ ૨૦૧૭ થી ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન મોતને ભેટ્યા

મુંબઈ, તા. ૧૦ : જન્મતાની સાથે જ બાળકોના તુરંત મૃત્યુના કિસ્સા મહારાષ્ટ્રમાં વધી ગયા છે. રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ હેઠળ માગવામાં આવેલી માહિતી સંદર્ભે જે આંકડાઓ સપાટી પર આવ્યા છે તે ચોંકાવનારા છે. માત્ર ૧૦ મહિનાના ગાળામાં જ ૧૩,૫૪૧ બાળકોના મૃત્યુ નોંધાયા છે.  આ પૈકી ૬૫% નવજાત શિશુ છે. ૨૮ દિવસથી ઓછી વયના આવા બાળકોના મૃત્યુ થયા છે. ચેતન કોઠારી નામના આરટીઆઈ એકટીવિસ્ટે માહિતી માગી હતી.

આ અંતર્ગત ૧૧,૫૩૨ મૃત્યુના કિસ્સા છેલ્લા એક વર્ષ દરમિયાન ચકાસવામાં આવ્યા હતા. આ પૈકી ૫૪% મૃત્યુ છોકરાના અને ૪૬% મૃત્યુ છોકરીઓના થયા હતા. જયારે ૬૫% બાળમૃત્યુ નવજાત શિશુના જે ૨૮ દિવસથી ઓછી ઉંમરના હોય તેવા નોંધાયા હતા. આવા બાળકોનું વજન અયોગ્ય સમયે જન્મ થવાથી ઓછુ હોવાનું તારણ નીકળ્યુ છે. ૨૧% બાળકો ૧ વર્ષથી ઓછી વયના જયારે ૧૪% બાળકો ૧ વર્ષથી વધુ ઉંમરના મૃત્યુ પામ્યા હતા. ૨૨% કિસ્સાઓમાં અયોગ્ય સમયે જન્મ થવાથી વજન ઓછુ હોવાના કારણે બાળકનું મૃત્યુ થયુ હતું. જયારે ૧૨% મૃત્યુના કિસ્સામાં ટ્રોમા ડિસીઝના કારણે મૃત્યુ થયા હતા. ૧૦% મૃત્યુ જન્મજાત ખોડખાપણ કે વિકૃતિઓના લીધે થયા હતા. ૭% મૃત્યુ ન્યુમોનિયાના કારણે અને ૦.૩૨% મોત ડાયરીયાના કારણે થયા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં ચાઈલ્ડ કેર યુનિટ વધારવા અમો જઈ રહ્યા છીએ તેવુ નેશનલ હેલ્થ મિશનના જોઈન્ટ ડાયરેકટર ડો.સતીષ પવારે જણાવ્યુ હતું.

(12:52 pm IST)