Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પ્રતિ બેરલની સપાટી ૭૭ ડોલરને ક્રોસ કરી ૭૭.૫૨ ડોલરે પહોંચ્યા

કર્ણાટકની ચૂંટણી પૂરી થાય એટલે પેટ્રોલ - ડીઝલમાં ૫ રૂ. સુધીનો ભાવ વધારો તોળાય છે

અમદાવાદ તા. ૧૦ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે પરમાણું સમજૂતી તોડી નાંખતા વૈશ્વિક ક્રૂડના ભાવમાં તોફાની તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધુ ૦.૬૬ ટકાનો ઉછાળો નોંધાઇ ૭૭ ડોલર પ્રતિ બેરલની સપાટી ક્રોસ કરી ૭૭.૫૨ ડોલરની સપાટીએ ભાવ પહોંચી ગયા છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે પરમાણું સમજૂતી તૂટતાં ક્રૂડ ઓઇલ સપ્લાય પર નકારાત્મક અસર પડવાની આશંકા સેવાઇ રહી છે, જેના પગલે વૈશ્વિક બજારમાં ક્રૂડ સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. આમ, અમેરિકા અને ઇરાન વચ્ચે ક્રૂડ પરમાણુ સંધિ તૂટતાં ક્રૂડ ચાલુ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયેલું જોવા મળ્યું છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ભાવમાં જે રીતે ઝડપથી મૂવમેન્ટ જોવા મળી રહી છે. આ જોતાં ભાવમાં તેજી જોવા મળી શકે છે. ક્રૂડ ૮૦ ડોલર સુધી જઇ શકે છે. ક્રૂડનો સપ્લાય એક બાજુ ઘટી રહ્યો છે તો બીજી બાજુ અમેરિકી ડેટા અનુસાર ક્રૂડના સ્ટોકમાં ઘટાડો નોંધાયો છે. એ જ પ્રમાણે ઓપેક અને રશિયામાંથી ક્રૂડની સપ્લાય વધવાની આશા ખૂબ જ ઓછી છે અને તેના પગલે ક્રૂડના ભાવ ઊકળ્યા છે. દરમિયાન નાયમેકસ ક્રૂડના ૦.૭૭ ટકાના સુધારે ૭૧.૬૯ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

(12:44 pm IST)