Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

રાહુલ ગાંધી જ PM ના ઉમેદવાર : અહેમદભાઇ પટેલ

કોંગ્રેસને યુવા નેતૃત્વ મળ્યુ છે તેનાથી અનેરો ઉત્સાહઃ ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસ ફતેહ મેળવશે : ખેડૂતો, ગાયોનો ઘાસચારો, બુલેટ ટ્રેન, બેરોજગારી વિગેરે રાજ્યની સળગતી સમસ્યા : રાજ્યપાલને આવેદન

ગાંધીનગર તા. ૧૦ : રાજયની ભાજપ સરકારની ખેડૂત-કૃષિ વિરોધી નીતિ અને પંચાયતોના અધિકારો છીનવી લેવાના બિનલોકશાહી વલણના વિરોધમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદભાઈ પટેલના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજયપાલ ઓ.પી.કોહલીને આવેદન સુપરત કર્યું હતું. કોંગ્રેસે રાજયના ખેડૂતો, આદિવાસીઓ અને દલિતોના અધિકાર છીનવી લેતા કાયદાનો અમલ અટકાવવા રાજયપાલને દરમિયાનગીરી કરવા અપીલ કરી છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનના કેન્દ્રીય કાયદાથી ઉપરવટ જઈને રાજય સરકાર ખેડૂતો પાસેથી પાણીના ભાવે જમીન પ઼ડાવી લે છે જયારે સરકારના ઈશારે બિનલોકશાહી રીતે કોંગ્રેસ શાસિત ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોના પ્રમુખોની સત્ત્।ા આંચકી લેવામાં આવી છે.

કોંગ્રસના વરિષ્ઠ નેતા અહેમદભાઈએ આવેદન સુપરત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જમીન સંપાદનમાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના કાયદાને હળવો બનાવીને ખેડૂતોને પુરતું વળતર ન મળે તેવો સુધારો કર્યો છે. જે અંગે તેમણે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો, પરંતુ તેનો જવાબ મળ્યો નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ વિકાસ વિરોધી નથી, પરંતુ ખેડૂતોના ભોગે ઉદ્યોગોને ખટાવવાની ભાજપની નીતિનો વિરોધ કરે છે. ધોલેરા-SIRનો મુદ્દો અદાલત સમક્ષ પડતર છે, તેથી આ મેટર સબજયુડિસ હોવાછતાં સ્માર્ટસિટી અને ડીએમઆઈસી પ્રોજેકટના નામે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે.

રાજયના ખેડૂતો, દલિતો અને આદિવાસીઓને પુરતું વળતર અને તેમના પુનર્વસનના કાયદાનો અમલ ન કરીને આ લોકોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. સરકારના ઈશારે બિનલોકશાહી પદ્ઘતિ અપનાવીને પંચાયતોના ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓની સત્તા આંચકી લેવામાં આવે છે. ખાસ કરીને કોંગ્રેસ શાસિત ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોના પ્રમુખ સહિતની ચૂંટાયેલી બોડીને ડીડીઓ સહિતના અધિકારીઓ વિશ્વાસમાં લેતા નથી અને તમામ સત્તા વિકાસ કમિશનરને આપીને પંચાયતી રાજને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

(3:56 pm IST)