Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કોર્ટમાં સંસદીય સમિતિના રિપોર્ટ પર આધાર રાખી શકાયઃ સવાલ ઉઠાવી શકાય નહિઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી તા. ૧૦ : સર્વોચ્ચ અદાલતે બુધવારે જણાવ્યું હતું કે અદાલતોમાં કાનૂની જોગવાઇના અર્થઘટન માટે સંસદીય સમિતિના અહેવાલ પર આધાર રાખી શકાય. તેણે જણાવ્યું હતું કે સંસદીય સમિતિના અહેવાલની સામે અદાલતમાં સવાલ ઉઠાવી ન શકાય અને તેને પડકારી પણ ન શકાય.

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે અદાલતો સંસદની સ્થાયી સમિતિના અહેવાલની નોંધ લઇ શકે છે અને તે પુરાવા ધારા (એવિડન્સ એકટ) હેઠળ માન્ય છે. બેન્ચે જણાવ્યું હતું કે અદાલતમાં જયારે પણ જરૂર પડે ત્યારે કાનૂની જોગવાઇના અર્થઘટન માટે સંસદીય સ્થાયી સમિતિના અહેવાલનો આધાર લઇ શકાય છે. અદાલત પુરાવા ધારાની કલમ ૫૭ (૪) હેઠળ સંસદની સ્થાયી સમિતિના અહેવાલની નોંધ લઇ શકે છે અને તેને આ ધારાની કલમ ૭૪ હેઠળ પુરાવા તરીકે ગણી શકે છે.

દીપક મિશ્રા ઉપરાંત ન્યાયમૂર્તિ એ. કે. સિક્રી, ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવિલકર, ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણનો સમાવેશ કરતી આ બેન્ચે જણાવ્યું હતું કે અદાલત બંધારણની કલમ ૩૨ કે કલમ ૧૩૬ હેઠળ કરાયેલા કેસમાં સંસદની સ્થાયી સમિતિના અહેવાલની નોંધ લઇ શકે છે. આમ છતાં, આ અહેવાલને અદાલતમાં પડકારી ન શકાય અને તેની સામે સવાલ પણ ઉઠાવી ન શકાય.

આંધ્ર પ્રદેશમાં ૨૦૦૮માં ગર્ભના કેન્સરની રસી આપવાથી અમુક છોકરીના થયેલા કહેવાતા મૃત્યુ બદલ વળતર માગતી કરાયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં બંધારણીય બેન્ચે આપેલા ૩૩૮ પાનાંના ચુકાદામાં આ ટિપ્પણી કરી હતી.(૨૧.૯)

(12:03 pm IST)