Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અરનબ ગોસ્વામી સામેની FIRમાં પોલીસે શું પગલા લીધા? : કોંગ્રેસ

રિપબ્લીક ટીવીના ચીફ એડીટર અરનબ સામે અન્વય નાયક અને તેની માતાને આપઘાત માટે મજબૂર કરવાનો મામલો પોલીસમાં નોંધાયો છે

મુંબઈ, તા. ૧૦ : બુધવારે કોંગ્રેસે પૂછ્યુ કે રીપ્બ્લીક ટીવીના એડીટર ઈન ચીફ અરનબ ગોસ્વામી સામે થયેલી એફઆઈઆરમાં પોલીસે શું પગલા લીધા છે? ત્રણ લોકો સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો મામલો અગાઉ પોલીસમાં નોંધાયો છે. ઈન્ટીરીયર ડિઝાઈનર અને મુંબઈ નજીકના અલીબાગમાં રહેતી વ્યકિતના મોતના મામલે આ એફઆઈઆર નોંધાયેલી છે. અક્ષતા અન્વય નાયક દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ કહ્યું કે આ એફઆઈઆર સંદર્ભે પોલીસે શું પગલા લીધા છે? પોતાની સ્યુસાઈડ નોટમાં અન્વય નાયકે અરનબ ગોસ્વામી અને અન્યો સામે પોતાના બાકી નીકળતા નાણા નહિં ચૂકવવાનો આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ અગ્રણીએ જણાવ્યુ કે સ્યુસાઈડ નોટ મહત્વની છે અને મરણોન્મુખ નિવેદન સમી છે. 'શું અન્વય નાયક ભારતીય નાગરીક નથી...?, મોદીના રાજમાં કાયદો બધા માટે સમાન નથી? અરનબ ગોસ્વામીએ શા માટે આગોતરા જામીન લીધા નથી?, તેને આટલો સમય કેમ આપવામાં આવે છે?'

નાયકની પત્નિ અક્ષતાએ પોતાના પતિની આત્મહત્યા બાદ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે રીપબ્લીક ટીવીએ પોતાના પતિને તેના લેણા નીકળતા નાણા ચૂકવ્યા નથી. પોતાના અલીબાગ સ્થિત બંગલોમાં અન્વય નાયકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને તેના માતા કુમુદબેનનો બાજુના રૂમમાંથી મૃતદેહ મળ્યો હતો. આપઘાત માટે મજબૂર કરવાનો કેસ પોલીસમાં નોંધાયો છે.

રીપબ્લીક ટીવીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે, વિરોધીઓનું એક ગ્રુપ આવા ખોટા સમાચાર ફેલાવી ચેનલ વિરૂદ્ધમાં અપપ્રચાર કરી રહી છે. નાયકના કમનસીબ મૃત્યુનો આ લોકો ઉપયોગ કરી રહ્યા છે. રિપબ્લીક ટીવી કડક કાયદાકીય પગલા આવા લોકો સામે લેશે. ડિસેમ્બર ૨૦૧૬માં રિપબ્લીક ટીવીએ કોનકોર્ડ ડિઝાઈન્સ પ્રા. લી.ની સેવાઓ લીધી હતી. કોન્ટ્રાકટ મુજબના તમામ નાણા ચૂકવી અપાયા છે. ચેક નંબર, ચૂકવણાની તારીખ સહિતના તમામ પુરાવાઓ તપાસનીશ એજન્સીઓને પૂરા પાડવામાં આવશે. અમારા વિચારો અને પ્રાર્થના નાયકના પરીવાર સાથે જોડાયેલા છે. (૩૭.૬)

(11:56 am IST)