Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

લશ્કરી વડા જનરલ બિપીન રાવતની સિંહ ગર્જના : હત્યાઓથી હું ચોક્કસ વિચલીત છું

પણ કાશ્મીરી યુવાનો જાણી લ્યે, આઝાદી શકય નથીઃ ગેરમાર્ગે દોરવાશો નહિઃ તમે લશ્કર સામે લડી શકશો નહિ

શ્રીનગર તા. ૧૦ : કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલી રહેલા આતંકીઓના એનકાઉન્ટર બાદ ભડકેલ હિંસામાં પથ્થરમારાના હુમલામાં એક પર્યટકનું મોત થતા રાજયની સ્થિતિ પર બોલતા લશ્કરી વડા જનરલ બિપિન રાવતે કહ્યું કે કાશ્મીરી યુવાઓએ એક વાત સમજી લેવાની જરૂર છે. તમે કોઇ 'આઝાદી'ની કલ્પાન કરી રહ્યા છો તે આઝાદી શકય જ નથી. એવું કંઇ થવાનું નથી કારણ કે તમે અમારી સેના સામે લડી શકશો નહીં. તમને આઝાદીના નામ પર ભરમાવી રહ્યાં છે. હું કાશ્મીરના યુવાનોને કહેવા માંગું છું કે એવા લોકો તમને ભડકાવી રહ્યા છે, જેનાથી તમને કંઇ મળવાનું નથી.

ઘાટીમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસર આતંકી બન્યા અને એનકાઉન્ટરમાં આતંકીઓના ઠાર જેવી ઘટનાઓ પર ચિંતા વ્યકત કરતાં જનરલ બિપિન રાવતે અગ્રણી મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે ચિંતાની વાત તો એ છે કે કાશ્મીરી યુવાનો બંદૂક ઉઠાવી રહ્યાં છે.અને જે લોકો તેમને કહી રહ્યાં છે કે આ રસ્તો આઝાદીની તરફ લઇ જાય છે.તો હકીકતમાં તેમને ભ્રમિત કરી રહ્યાં છે. તેની સાથ જ જનરલ રાવતે કહ્યું કે હું કાશ્મીરી યુવાનોને કહેવા માંગું છું કે આઝાદી શકય નથી. આવું કયારેય થશે નહીં.તમે બંદૂક શું કામ ઉઠાવી રહ્યા છો? અમે હંમેશા એ લોકોથી લડતા રહીશું જે આઝાદીના ખ્વાહિશમંદ અને પૃથકતાવાદી છે. આઝાદી જેવું કયારેય કંઇ હોવાનું નથી.

જનરલ રાવતે કહ્યું કે તેઓ એ વાતને બહુ ખાસ મહત્વ આપતા નથી કે સેનાની સાથે એન્કાઉન્ટરમાં કેટલાં આતંકીના ઠાર થયા છે. તેમના મતે આ સંખ્યા એટલા માટે અગત્યની નથી કારણ કે આ ચક્ર સતત ચાલતું રહેશે. નવા આતંકીઓની ભરતી કરાશે. હું ભારપૂર્વક માત્ર એટલું જ કહેવા માંગું છું કે આ બધા દ્વારા કંઇ જ પ્રાપ્ત થવાનું નથી. તમે સેના સામે લડી શકશો નહીં.

જનરલ રાવતે કહ્યું કે તેઓ પણ હત્યાઓથી વ્યથિત થાય છે. તેમણે કહ્યું કે અમને આમાં કોઇ ખુશી મળતી નથી. પરંતુ જો તમે અમારી સાથે લડવા માંગો છો તો બદલામાં અમે તમારી સામે પૂરી તાકાતથી લડીશું. કાશ્મીરીઓએ એ વાત સમજી લેવી જોઇએ કે સુરક્ષાબળ એટલા ક્રૂર નથી. તેના માટે તમે સીરિયા અને પાકિસ્તાનને જુઓ. તેઓ આ પ્રકારની સ્થિતિમાં ટેન્ક અને વાયુ શકિતનો ઉપયોગ કરી રહ્યાં છે.

આપણી સેનાને ઉશ્કેરવા છતાંય શકય હોય ત્યાં સુધી પ્રયાસ કરે છે કે કોઇપણ નાગરિકને બિલકુલ હાનિ પહોંચે નહીં. તેની સાથે જ તેમણે કહ્યું કે મને ખબર છે કે તેઓ નારાજ છે પરંતુ સુરક્ષાબળો પર પ્રહારો કરવા અને પથ્થર ફેંકવા આ કોઇ રીત નથી.જનરલ રાવે એમ પણ કહ્યું કે હાલના હિંસાના દોરમાં શાંતિ બનાવી રાખવી એક પડકાર છે. મને એ સમજાતું નથી કે લોકો મોટી સંખ્યામાં અમારા ઓપરેશનમાં અડચણ ઉભી કરવા માટે કેમ પહોંચી જાય છે? આના માટે તેમને કોણ ઉશ્કેરે છે? જો તેઓ ઇચ્છે છે કે આતંકીઓને મારવામાં આવે નહીં તો તેના માટે તેમણે તેમની પાસે જઇ કહેવું જોઇએ કે તેઓ આત્મસમર્પણ કરી દે જેથી કરીને કોઇ પણ મરે નહીં. કોઇ એમ કેમ નથી કહેતું કે હું તેમને લઇને આવું છું. અમે અમારું ઓપરેશન રોકી દઇશું. અમે લોકોને અમારું ઓપરેશન રોકીને આતકીઓને ભાગવાની મંજૂરી આપી શકીએ નહીં. આ બધાથી વિપરીત સુરક્ષા બળો પર જ પથ્થરમારો કરીને લોકો એક રીતે સુરક્ષાબળોને વધુ આક્રમક થવા માટે ઉશ્કેરે છે.(૨૧.૧૪)

 

(11:52 am IST)