Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ

શાહ - રાહુલ - યોગી સહિત તમામ દિગ્ગજો બાંયો ચઢાવી મેદાનમાં

બેંગલુરૂ તા. ૧૦ : કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ગુરૂવારના રોજ તમામ પાર્ટીના દિગ્ગજ નેતા તાબડતોડ પ્રચાર કરશે અને વોટરોને આકર્ષવાની કોશિષ કરશે. કોંગ્રેસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પોત-પોતાની પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવારની સાથે પ્રચારનો મોર્ચો સંભાળશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નમો એપ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુરૂવારના રોજ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી.એસ.યેદિયુરપ્પાની સાથે બદામીમાં પ્રચાર કરશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ઘારમૈયા બદામીથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં અમિત શાહ સવારે ૧૧.૫૦ વાગ્યે બદામીમાં રોડ શો કરશે. ૪ વાગ્યે બેંગલુરૂમાં મીડિયા સાથે વાતચીત કરશે.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરૂવારના રોજ મુખ્યમંત્રી સિદ્ઘારમૈયા સાથે બેંગલુરૂમાં પત્રકાર પરિષદ કરશે. રાહુલ છેલ્લાં કેટલાંક દિવસથી કર્ણાટકમાં જ છે અને સતત પાર્ટી માટે પ્રચાર કરી રહ્યાં છે. આ દરમ્યાન રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોઇ રેલી તો સંબોધિત કરશે નહીં પરંતુ નમો એપ દ્વારા SC/ST/OBC અને સ્લમ મોર્ચાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. વડાપ્રધાન આની પહેલાં નમો એપ દ્વારા ખેડૂત કાર્યકર્તા, મહિલા કાર્યકર્તા, ભાજપ ઉમેદવારોની સાથે સંવાદ કરી ચૂકયા છે.

છેલ્લાં દેવિસે માત્રે પાર્ટી અધ્યક્ષ અને વડાપ્રધાન જ નહીં પરંતુ કેટલાંય કેન્દ્રીય મંત્રી અને રાજયના મુખ્યમંત્રી પણ પ્રચાર કરશે. ગુરૂવારના રોજ ૩૮ કેન્દ્રીય મંત્રી રેલી અને રોડ શોર કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક આદિત્યનાથ પણ ગુરૂવારના રોજ રેલીને સંબોધિત કરશે. આજે બે રેલીઓ અને એક રોડ શો કરશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપની વચ્ચે કાંટાની ટક્કરનો મુકાબલો છે. રાજયની ૨૨૪ વિધાનસભા સીટોમાંથી ૨૨૩ પર ૧૨મી મેના રોજ મતદાન થશે અને ચૂંટણી પરિણામ ૧૫મી મેના રોજ આવશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ૨૦૧૯મી લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ માનવામાં આવી રહી છે. એવામાં કૉંગ્રેસ ભાજપ બંને કોઇપણ પ્રકારની તક ગુમાવા માંગતા નથી.

તાજેતરમાં આવેલા કેટલાંય ઓપિનિયન પોલને ત્રિશંકુ વિધાનસભા થવાની સંભાવના વ્યકત કરી છે. ઓપિનિયન પોલમાં દેવગૌડાની પાર્ટી જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં નજર આવી રહી છે.(૨૧.૭)

(11:01 am IST)