Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ધો. ૧૨ સાયન્સનું ૭૨.૯૯% પરિણામઃ રાજકોટ ગુજરાત ફર્સ્ટ

ગુજરાતી માધ્યમનું ૭૨.૯૯% - અંગ્રેજી માધ્યમનું ૭૫.૫૮% ૪૨ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા ગત વર્ષ કરતા ૮% નીચુ પરિણામ રાજકોટ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૮૫.૦૩ ટકા સાથે ટોપર ગુજકેટનું પરિણામ પણ જાહેર

રાજકોટ, તા. ૧૦ :. ગુજરાત રાજ્યના સવા લાખ વિદ્યાર્થીઓના ભાવિની દિશા બતાવતુ પરિણામ આજે શિક્ષણ બોર્ડે જાહેર કર્યુ છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૨ સાયન્સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર થયુ છે.

શિક્ષણનગરી તરીકે ઉપસતો રાજકોટ જિલ્લો ફરી એક વખત શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લો સર્વશ્રેષ્ઠ પરિણામ આપનાર પુરવાર થયો છે. ગુજરાત રાજયમાં ૮૫.૦૩ ટકા સાથે ટોપર રાજકોટ જિલ્લો રહ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સવારે ૯ કલાકે પરિણામ જાહેર કર્યુ છે.

ધો. ૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૪ ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ ૭૪.૯૧ ટકા આવ્યુ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં વધુ પરિણામ મેળવતુ કેન્દ્ર જામનગર જિલ્લાનું ધ્રોલ કેન્દ્રનું ૯૫.૬૫ ટકા આવ્યુ છે. જ્યારે સૌથી ઓછું પરિણામ બોડેલી કેન્દ્રનું ૨૭.૬૧ ટકા આવ્યુ છે. તેવી જ રીતે રાજકોટ જિલ્લાનું પરિણામ સૌથી વધુ ૮૫.૦૩ ટકા અને છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ ૩૫.૬૪ ટકા આવ્યુ છે. ગુજરાતની ૨૬ શાળાનું પરિણામ ૧૦ ટકાથી પણ ઓછું આવ્યુ છે.

ધો. ૧૨ સાયન્સમાં એ-વન ગ્રેડ સાથે કુલ ૧૩૬ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.

વિદ્યાર્થીની કારકિર્દી ઘડતરમાં જાહેર પરીક્ષાઓ અગત્યનો ભાગ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવાયેલ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયા છે.

ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ ૨૦૧૮ વિજ્ઞાન પ્રવાહના રાજ્યમાં કુલ ૧૪૦ કેન્દ્રો-પેટા કેન્દ્રો ઉપર ૧,૩૪,૪૩૯ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી ૧,૩૪,૩૫૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી ૯૮૦૬૭ પરીક્ષાર્થીઓ 'પ્રમાણપત્ર મેળવવાને પાત્ર' થયેલ છે. રાજ્યમાં ધો. ૧૨ના વિજ્ઞાન પ્રવાહનું સમગ્ર પરિણામ ૭૨.૯૯ ટકા આવેલ છે.

સીસીટીવી કેમેરા અને ટેબ્લેટ દ્વારા પરીક્ષા ખંડમાં રેકોર્ડ થયેલ સીડીના ફુટેજ જિલ્લા મથકે બનાવેલ વર્ગ એકના અધિકારીઓની ટીમે જોતા જે પરીક્ષાર્થીઓ ગેરરીતિ આચરતા જણાયા છે. તેવા ૯૦ વિદ્યાર્થીઓના પરિણામો આ ટીમોના અહેવાલના આધારે તેમજ પરીક્ષા ખંડમાં ગેરરીતિ આચરતા જેમની પર જે તે સમયે (બ્લોકમાં) કોપી કેસ થયેલ છે. તેવા ૩૦ ઉમેદવારો મળીને કુલ ૧૨૦ વિદ્યાર્થીઓના પરિણામ રીઝર્વ રાખેલ છે. આવા પરીક્ષાર્થીઓની બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂમાં સુનાવણી કરી જરૂરી તપાસને અંતે ગુણદોષને આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ચાલુ સાલે સીસીટીવી કેમેરા અને ટેબ્લેટના ફુટેજ જોતા જે સુપરવાઈઝર (શિક્ષકો) સુપરવિઝનની કામગીરીમં નિષ્ક્રીય કે ઉદાસીન રહ્યા છે. તેઓને પણ નોટીસ આપી તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આવા દોષિત શિક્ષકોની શાળાઓના સંચાલક મંડળને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ-૧૨ સાયન્સ ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૯૯ ટકા અને અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૫૮ ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત રાજ્યની ૪૨ શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. સમગ્ર રાજયમાં રાજકોટ જિલ્લો ૮૫.૦૩ ટકા સાથે પ્રથમ ક્રમે ઝળકીને આગવી ઓળખ ઉભી કરી છે.ઙ્ગ

બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજયમાંથી ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા આપી હતી. જેમાં એ ગ્રુપના ૫૭,૭૬૪ અને બી ગ્રુપના ૭૬,૮૮૮ અને એબી ગ્રુપના ૧૯ વિદ્યાર્થીઓ નોધાયા હતા. ગુજસેટની પરીક્ષામાં રાજયમાંથી ૧.૩૬ લાખ વિદ્યાર્થી નોધાયા હતા.

ગત વર્ષે બોર્ડ દ્વારા ૧૧ મેના રોજ ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરાયું હતું. ગત વર્ષે સાયન્સનું પરિણામ ૮૧.૮૯ ટકા રહ્યું હતું. આ વર્ષ ૮% નીચુ પરિણામ આવ્યું છે. ગુજકેટમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પરિણામ પહેલા જ ચાર માર્કની અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને બે માર્કની લ્હાણી થઈ ચુકી છે.ઙ્ગ બોર્ડ દ્વારા સવારે પરિણામ જાહેર કરાયા બાદ બપોરે વિતરણ કેન્દ્રો પરથી સ્કૂલોને પરિણામ મોકલી આપવાનું આયોજન કરાયું છે.

ધો. ૧૨ સાયન્સનું ગ્રેડીંગ પરિણામ

 

માર્કસ રેન્જ

ગ્રેડ

 

૯૧-૧૦૦

એ-વન

 

૮૧-૯૦

એ-ટુ

 

૭૧-૮૦

બી-વન

 

૬૧-૭૦

બી-ટુ

 

૫૧-૬૦

સી-વન

 

૪૧-૫૦

સી-ટુ

 

૩૩-૪૦

ડી

 

૨૧-૩૨

ઈ-વન

 

૨૦ થી ઓછા

ઈ-ટુ

 

ધો. ૧૨ સાયન્સની પરિણામની ટકાવારી

વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીનીઓ

સરેરાશ

૭૧.૮૪

૭૪.૯૧

૭૨.૯૯ ટકા

૬૪૪૦૪ ઉતિર્ણ

૩૭૬૬૩ ઉતિર્ણ

-

(3:09 pm IST)