Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપથી લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ

ભૂકંપની તીવ્રતા ૬.૨ આંકવામાં આવતા ચિંતા :અફઘાનની સરહદની નજીક તઝાકિસ્તાનમાં બપોરે પ્રચંડ આંચકો આવ્યા બાદ ભારત, પાકિસ્તાનમાં અસર નોંધાઈ

નવી દિલ્હી,તા. ૯ :દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતના અનેક વિસ્તારો આજે પ્રચંડ ભૂકંપથી હચમચી ઉઠ્યા હતા. આની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૨ જેટલી આંકવામાં આવી હતી. અફઘાનિસ્તાન સરહદ નજીક તઝાકિસ્તાનમાં બપોરે પ્રચંડ આંચકો આવ્યા બાદ તેની સીધી અસર પાકિસ્તાન અને ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં જોવા મળી હતી.

ભારતના વિવિધ ભાગોમાં આંચકો અનુભવાયો હતો જેમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં આંચકો ૪.૧૫ વાગે અનુભવાયો હતો. હવમાન વિભાગે કહ્યું છેકે, આ આંચકાની અસર ઉત્તરભારતમાં જોવા મળી હતી પરંતુ કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી. હવામાનમાં પણ બદલો આવ્યો છે. અમેરિકાના ભૂકંપ સંબંધિત વિભાગે કહ્યું છે કે, વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તઝાકિસ્તાનના ઇસકાસિમથી ૩૬ કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં અને ૧૧૧.૯ કિમી જમીનમાં સ્થિત હતું. હિમાચલના કુલ્લુ, સિમલામાં પણ આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીરના લોકોમાં પણ દહેશત ફેલાઈ હતી. અફઘાનિસ્તાનના પાટનગરમાં પણ લોકોએ આંચકો અનુભવ્યો હતો. પાકિસ્તાનના ઇસ્લામાબાદ સહિત અનેક વિસ્તારોમાં આંચકાની અસર જોવા મળી હતી. બીજી બાજુ દિલ્લીના કેટલાક વિસ્તારોમાં ધૂળભરેલી આંધી ચાલી હતી. હળવો વરસાદ પણ થયો હતો. આશરે ૧૬ કરોડ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ કર્યો હતો. ભૂકંપથી કોઇપણ જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી. હરિયાણાના ભુવાની સહિત ઘણા વિસ્તારોમાં વરસાદની સાથે સાથે કરા પડ્યા હતા. દિલ્હીના ઘણા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. દિલ્હી અને એનસીઆરના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

(12:00 am IST)