Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભાજપ તેમજ સંઘ બંધારણને હાથ લગાવીને બતાવે : રાહુલ

રાહુલ ગાંધીએ બેંગ્લોરમાં રેલી અને સભા કરી: ચૂંટણી પ્રચારના અંતના એક દિવસ પહેલા આક્ષેપબાજી

બેંગ્લોર, તા.૯, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આજે બેંગ્લોરમાં રેલી અને રોડ શો યોજીને પાર્ટીની તરફેણમાં માહોલ સર્જવાના પ્રયાસ કર્યા હતા. એક રેલીને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો બંધારણ સાથે ચેડા કરવાની સ્થિતિમાં નથી. રાહુલે કહ્યું હતું કે, સંઘ અને ભાજપમાં જો તાકાત છે તો બંધારણને સ્પર્શ કરીને બતાવે. તેમણે પોતાના આક્ષેપોનું પુનરાવર્તન કરતા કહ્યું હતું કે, મોદીએ તમામ એકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી પરંતુ પાંચ રૂપિયા પણ મુકાયા નથી. આના બદલે સામાન્ય લોકોના ખિસ્સામાંથી પૈસા ઉપાડીને નિરવ મોદી અને મેહુલ ચોક્સીના ખિસ્સામાં નાંખી દીધા છે. તેમણે કહ્યું હતું કે, મોદી ભ્રષ્ટાચારની વાત કરે છે પરંતુ જેલ જઇ આવેલા યેદીયુરપ્પાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે છે. રેડ્ડી બંધુઓની સાથે ઉભા રહે છે. તેમણે કહ્યું હતું કે, રેડ્ડી બંધુઓએ એટલી રકમની લૂંટ ચલાવી છે જેટલી રકમથી મનરેગા જેવી મોટી સ્કીમમાં તમામને રોજગારી મળી જાય છે. રાહુલે કહ્યું હતું કે, મોદી એ રીતે વાત કરી રહ્યા છે જેવી રીતે તમામ કામ તેમના દ્વારા જ કરવામાં આવ્યા છે. રાહુલે કહ્યું હતું કે, રાફેલ સોદાબાજીમાં ભ્રષ્ટાચાર સ્થિતિ રહેલી છે. તેમણે કહ્યું હતું કે, ૭૦ વર્ષથી કામ કરી રહેલી એચએએલ પાસેથી કામ આંચકી લઇને મોદીએ પોતાના મિત્રને રાફેલ બનાવવાની જવાબદારી સોંપી દીધી છે. તેમના ઉપર દેવું થયેલું છે. મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે રાહુલે કહ્યું હતુ કે, મોદી સિદ્ધારમૈયા, ખડગે અંગે કોઇપણ નિવેદન કરી શકે છે. આને લઇને ફાયદો થશે તેમ મોદીને લાગે છે પરંતુ આનાથી માત્ર વડાપ્રધાનપદનું અપમાન થતું નથી. લોકોની પણ અપમાન થયા છે. અમે મોદી સામે લડીશું પરંતુ વડાપ્રધાન પદ પર કોઇ વ્યક્તિગત પ્રહાર કરીશું નહીં.

(12:00 am IST)