Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

મહારાષ્ટ્રમાં એક સપ્તાહનું લોકડાઉન લાગવાની શકયતા : ઉદ્ધવ ઠાકરે આપ્યા સંકેત : કાલે એક્સપર્ટ્સ સાથે બેઠક

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, દરેક સંક્રમિત 25 લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેનાથી પુરી હેલ્થ સિસ્ટમ ગડબડાઇ ગઇ

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના તમામ રાજકીય દળો સાથે કોરોના સંક્રમણ અને લૉકડાઉન મુદ્દે ચર્ચા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ તમામ પક્ષ સાથે અઢી કલાક બેઠક કરી હતી. જેમાં ઉદ્ધવે આ વાત પર ભાર મુક્યો કે વાયરસનું સંક્રમણ ચક્ર તોડવા માટે ઓછામાં ઓછા 8 દિવસનું લૉકડાઉન જરૂરી છે ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, દરેક સંક્રમિત 25 લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેનાથી પુરી હેલ્થ સિસ્ટમ ગડબડાઇ ગઇ છે. હવે છૂટ સાથે લૉકડાઉનથી સ્થિતિ સુધરવાની નથી. હવે આપણે કડક પાલન કરવુ જ પડશે.

બેઠકમાં હાજર રહેલા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, સરકાર લૉકડાઉન લગાવવા જઇ રહી છે તો તેના પરિણામોની પુરી પ્લાનિંગ હોવી જોઇએ. દરરોજ મજૂરી કરતા લોકો માટે તેમણે રાહતની માંગ કરી છે. જેની પર ઉદ્ધવે કોઇ યોગ્ય યોજના સાથે આવવાની વાત કહી છે. ઉદ્ધવ ઠાકરેએ આ મામલે રવિવારે એક્સપર્ટ્સ સાથે બેઠક કરશે અને લૉકડાઉન પર નિર્ણય બે દિવસની અંદર લેવામાં આવશે.

 

મહત્વપૂર્ણ છે કે દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને કોવિડ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્રની સ્થિતિ ઘણી ચિંતાજનક છે, જ્યા રોજના કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કોરોનાથી થતા મોતના આંકડામાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં 10 એપ્રિલે કોરોનાના 1.45 લાખ નવા કેસ સામે આવ્યા છે. 10 એપ્રિલે મુંબઇમાં પણ કોરોનાના 9 હજારથી વધુ કેસ સામે આવ્યા છે

 

કોરોનાના વધતા કેસને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની પરેશાની વધારી દીધી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સહિત કેટલાક રાજ્યના કેટલાક જિલ્લામાં લૉકડાઉન અને નાઇટ કરર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યુ છે, સાથે જ કોરોના સંક્રમણને ફેલાતા રોકવા માટે કડક નિયમ લાગુ કરવામાં આવ્યા છે.

કેટલાક રાજ્યમાં બીજા રાજ્યમાંથી આવતા મુસાફરોની કોરોના તપાસ જરૂરી કરી દેવામાં આવી છે. રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેશન પર કોવિડ-19ને લઇને નિયમ કડક કરી દેવામાં આવ્યા છે.

(9:50 pm IST)