Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ભારતે ઈરાનમાં ચાબહાર બંદરનું કાર્ય તેજ કરી દીધું

અમેરિકન સંસદમાં રજૂ અહેવાલમાં માહિતી અપાઈ : ટ્રમ્પ પ્રશાસને ઈરાન પરના આકરા પ્રતિબંધોથી ભારતની અફઘાનિસ્તાન પુનર્નિર્માણ યોજનાને છૂટ આપી હતી

નવી દિલ્હી, તા.૧૦ : ભારતે થોડા સમયના વિરામ બાદ વર્ષની શરૂઆતથી ઈરાનમાં ચાબહાર બંદરનું કામ તેજ કરી દીધું છે. આગામી મે મહિનાથી વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વના એવા  બંદરનું સંચાલન પણ શરૂ કરી દેવામાં આવશે. અમેરિકી સંસદમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી હતી. ૨૦૧૫માં ભારતે ઈરાનમાં ચાબહાર બંદર અને રેલવે લાઈન ફેલાવવાના કામમાં મદદની સહમતી આપી હતી. તેનાથી ભારતને પાકિસ્તાનમાંથી પસાર થયા વગર અફઘાનિસ્તાન સાથે બેરોકટોક વેપાર કરવાની મદદ મળશે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં ઈરાનની મુલાકાત લીધી હતી અને બંદર સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા ૫૦ કરોડ ડોલરનું રોકાણ કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રંપ પ્રશાસને ઈરાન પરના પોતાના આકરા પ્રતિબંધોથી ભારતની 'અફઘાનિસ્તાન પુનર્નિર્માણ' યોજનાને છૂટ આપી રાખી હતી પરંતુ ૨૦૨૦ના અંતમાં ભારતે પરિયોજનાનું કામ રોકી દીધું હતું. ૨૦૨૧ની શરૂઆતમાં કામને ફરીથી વેગ આપવામાં આવ્યો હતો અને મે ૨૦૨૧ સુધીમાં તેનું સંચાલન શરૂ થઈ જશે તેવી શક્યતા છે. રિપોર્ટને નિષ્ણાંતોએ તૈયાર કર્યો છે અને તે યુએસ કોંગ્રેસનો સત્તાવાર રિપોર્ટ નથી.

(7:57 pm IST)