Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ચૂંટણીનો બહિષ્કાર કરનારા નક્સલી જૂઠા : પૂર્વ નક્સલી નેતા બિનૉય કુમાર દાસ

નક્સલવાદીઓ સામાન્ય પ્રવાહમાં ભળી રહ્યા છે : પૂર્વ નક્સલી નેતા બિનૉય કુમાર દાસ ઉત્તર દિનાજપુરમાં રાયગંજના કરણદીધી બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે

કોલકાતા/નવી દિલ્હી, તા.૧૦ : દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાનો હંમેશાથી વિરોધ કરનારા નક્સલીઓ મોટી સંખ્યામાં મુખ્યધારાની રાજનીતિમાં જોડાઈ રહ્યા છે. આવા એક પૂર્વ નક્સલી નેતા છે બિનૉય કુમાર દાસ. બિનોય પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર દિનાજપુરમાં રાયગંજના કરણદીધી વિધાનસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે.

બિનૉય જણાવે છે કે, ચૂંટણીનો બહિષ્કાર કરનારા નક્સલી જૂઠા અને પૂંજીવાદીઓના ગુલામ છે. બધા કમિશન લઈને પોતાના ખિસ્સાં ભરે છે. અમારા સહયોગી નવભારત ટાઈમ્સ સાથેની વાતચીતમાં બિનોયે વાત જણાવી હતી. નકસલી હુમલા બાબતે બિનોયે જણાવ્યું કે, જે લોકો આજે લોકોને મારી રહ્યા છે તે કેમ નથી વિચારતા કે સૈનિક પણ આપણા પરિવારે તૈયાર કર્યા છે. મને દુખ છે કે તે લોકો આવી પ્રવૃત્તિઓ કરે છે, આખરે તે ભારતના નાગરિકના છે, ભારતીય ધ્વજ હેઠળ કામ કરે છે, પછી પોતાના દેશના નાગરિકોને કેમ મારી રહ્યા છે.

અર્બન નક્સલ વિષે બિનોયે જણાવ્યું કે, લોકો નક્સલવાદી ક્રાંતિને સમજતા નથી. લોકોને સ્થાનિક પ્રશાસન, રાજ્ય સરકાર અને રાજનૈતિક પક્ષો દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. અર્બન નક્સલી ૧૯૬૯ના સમયમાં હોતા હતા. તે સમયે મુખ્યધારાના લોકો પણ નક્સલ ક્રાંતિનું સમર્થન કરતા હતા. તેમાં મિથુન ચક્રવર્તી સહિત અનેક લોકો શામેલ હતા. બિનોય જણાવે છે કે, જો જનતા મને તક આપશે તો સૌથી પહેલા રોટલી, કપડા અને મકાનની ઉપલબ્ધતા પર કામ કરશે. આટલા વર્ષોમાં લોકોને પાયાની વસ્તુઓ પણ નથી મળી રહી.

કર્ણજોરાના કાલીબાડી વિસ્તારમાં રહેતા બિનોયની પૈતૃક સંપત્તિની કિંમત ૬૫૦ કરોડ ૮૨ લાખ ૫૭ હજાર રુપિયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર તેમની પાસે ૧૦૦ એકરથી વધારે જમીન, રાયગંજ, માલદા, જલપાઈગુડી, હરિયાણા, વારાણસી સહિત અને સ્થળોએ ૧૪ પૈતૃક નિવાસ છે. છતાં તે ભાડાના ઘરમાં રહે છે. તેઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અને ૨૦૧૮માં રાયગંજ જિલ્લા પરિષદની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે.

(7:54 pm IST)