Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના ફરી વખત મોદી સરકાર ઉપર પ્રહારોઃ ભારતીય લોકતંત્ર ખરાબ હાલતમાં-સુધારવા માટે સરકારે કોઇ પગલા ન ભર્યા

નવી દિલ્હી: ભાજપથી રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સતત મોદી સરકારની ટીકા કરતા રહે છે. કોરોના વાઈરસની સ્થિતિ અને વૅક્સિન પર સરકારની આલોચના કરી ચૂકેલા સ્વામીએ શુક્રવારે લોકતંત્રની કથળતી જતી સ્થિતિને લઈને ટ્વીટ કર્યું છે. જેમાં સ્વામીએ જણાવ્યું છે કે, ભારતમાં લોકતંત્ર ખરાબ હાલતમાં છે, સુધારવા માટે આપણે ખાસ કશું નથી કર્યું.

સુબ્રમણ્યમ સ્વામીએ એક તસવીર શેર કરી છે. જેમાં લખ્યું છે કે, મોદી સરકારે આપણા દેશની સરહદો, લોકતંત્ર અને અર્થ વ્યવસ્થા સાથે સોદો કર્યો છે. તસવીરમાં સૌથી ઉપર લખ્યું છે કે, લોકતંત્રના 4 સ્તંભ. એવું મીડિયા જે ડર્યા વિના સરકારને સવાલ કરી શકે. એવું ન્યાયતંત્ર જે બંધારણને બચાવીને રાખે. સાંસદો અને ધારાસભ્યો મતદાતાઓ પ્રત્યે જવાબદાર હોય. લોકોના એજન્ડા પર કામ કરીને તેને સરકાર દ્વારા લાગૂ કરવા.

જેની નીચે લખ્યું છે કે, આપણા લોકતંત્રની વર્તમાન સ્થિતિ. ભારતીય મીડિયા સ્વતંત્રતાના નામ પર 142/180 રેન્ક પર છે. ભારતના ન્યાયતંત્રની સ્વતંત્રતા 69/128 રેન્ક પર છે. ભાજપે સમગ્ર વિશ્વમાં અન્ય પાર્ટીઓ કરતાં વધુ ધારાસભ્યો ખરીદી લીધા છે. આવકમાં 142/180 અને ભુખમરામાં 94/107 રેન્ક પર છે. સરકારના આંકડા મુજબ, 45 વર્ષમાં દેશમાં સૌથી વધુ બેરોજગારી છે.

આગળ લખવામાં આવ્યું છે કે, રૂપિયો નબળો પડતો જઈ રહ્યો છે. પેટ્રોલ પર ટેક્સ સતત વધી રહ્યો છે અને સરહદો પર પણ દેશ સતત નબળો પુરવાર થઈ રહ્યો છે મોદી સરકારે આપણા લોકતંત્ર, અર્થ વ્યવસ્થા અને સરહદો સાથે સમજૂતિ કરી દીધી છે.

સ્વામીના ટ્વીટ પર યુઝર્સ તરફથી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝર્સે લખ્યું છે કે, જો આટલી તકલીફ છે અને સરકાર યોગ્ય રીતે કામ નથી કરી રહી, તો તમે રાજ્યસભામાંથી રાજીનામું કેમ નથી આપી દેતા? એક યુઝર્સે સુબ્રમણ્યમ સ્વામીને નાણાં મંત્રી બનાવવાથી બધુ ઠીક થઈ જશે તેમ જણાવ્યું છે. જ્યારે એક યુઝર્સે લખ્યું છે કે, સ્વામીજી તમારો સમય આવી ગયો છે માર્ગદર્શક મંડળમાં જવાનો…”

(5:20 pm IST)