Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

વેપાર-ધંધા નથીઃ સ્વૈચ્છિક બંધ કેમ પોસાય ? ચેમ્બરના એલાનનો ફિયાસ્કો

કોરોનાની ચેઈન તોડવા રાજકોટ ચેમ્બરે આપેલુ શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન ફલોપઃ શહેરની તમામ બજારો-દુકાનો ખુલ્લી રહીઃ ચેમ્બરનો આશય સારો હતો પરંતુ 'ઈરાદા' ઉપર વેપારીઓને શંકા : બધા એસો.ના બંધમાં જોડાવાના એલાનો છતા બજારો-દુકાનો કેમ ખુલ્લી રહી ? ચેમ્બર વિવિધ એસો. વચ્ચે સંકલન સાધવામાં નિષ્ફળ રહ્યું: એસો.ના હોદેદારો બંધની તરફેણમાં હતા પણ બહુમતિ સભ્યોની ના છતાં ઉતાવળે એલાન ઠોકી બેસાડાયાનો ગણગણાટઃ સ્વૈચ્છિક બંધનું એલાન કોને ખુશ કરવા અપાયું ? જબરી ચર્ચા

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટમાં કાળમુખા કોરોના વાયરસે બિહામણુ સ્વરૂપ ધારણ કરતા શહેરમાં દિવસેને દિવસે સ્થિતિ ચિંતાજનક બની રહી છે અને રાજ્ય સરકારના અથાગ પ્રયાસો છતા આ વાયરસ શાંત થવાનું નામ લેતો નથી તેવા ટાંકણે રાજકોટના મહાજનોની સંસ્થા એટલે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રી શ્રી રૂપાણીના આગમન વખતે વાયરસની ચેઈન તોડવાનું બીડુ ઝડપી શહેરના તમામ વેપાર-ધંધા બે દિવસ સ્વૈચ્છિક-સ્વયંભુ બંધ રાખે તેવુ એલાન આપ્યુ હતું. પરંતુ આજે બે દિવસના એલાનના પ્રથમ દિવસે બંધને ઘોર નિરાશા સાંપડી છે અને સમગ્ર શહેરની બજારો અને દુકાનો રાબેતા મુજબ ચાલુ રહી છે અને વેપાર-ધંધા રાબેતા મુજબના ધમધમી રહ્યા છે ત્યારે કહી શકાય કે સ્વૈચ્છિક બંધના એલાનનું સૂરસૂરીયુ થયુ છે અથવા તો ચેમ્બરનો ફલોપ શો સાબિત થયો છે. આજે જ્યારે મંદીના વાતાવરણમાં તથા કોરોના વાયરસના ગાળામાં શહેરમાં વેપાર-ધંધા ઠપ્પ છે ત્યારે સ્વૈચ્છિક બંધ પણ કેમ પોસાય ? તેવુ મન બનાવીને વેપારીઓએ ચેમ્બરના એલાનને વધાવ્યુ નથી જે ચેમ્બર માટે આંખ ઉઘાડવા જેવી બાબત કહેવાય. રાજકોટ ચેમ્બરનો આશય સારો હતો પરંતુ 'ઈરાદા' ઉપર પણ વેપારીઓને શંકા ગઈ હતી. એટલુ જ નહિ મોટાભાગના વેપારીઓનું કહેવુ હતુ કે અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. માત્ર એસો.ના એક-બે હોદેદારોને જ પૂછવામાં આવ્યુ હતુ અને તેઓએ મનસ્વી રીતે નિર્ણય લઈ ચેમ્બરની હામાં હા નો સૂર પુરાવ્યો હતો. આજે વિવિધ વેપારીઓએ એવુ પણ જણાવ્યુ હતુ કે કોઈપણ પ્રકારના સંકલન વગર કોઈ વ્યકિત કે પક્ષને રાજી કરવા આવા એલાન અપાય તો તે કેટલા અંશે વ્યાજબી છે ?

રાજકોટના હજારો વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિવાર અને રવિવારે વેપારીઓને સ્વૈચ્છિક બંધ પાળવા એલાન આપવામાં આવ્યુ હતુ. ચેમ્બરનું કહેવુ હતુ કે જો લોકડાઉન અમલી બનાવવામાં આવે તો જ કોરોનાની ચેઈન તૂટે તેમ છે. લોકડાઉન કેવુ બિહામણુ છે તેનો અનુભવ ગયા વર્ષે લોકોએ કરી લીધો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ લોકડાઉન માટે તૈયાર થતી નથી ત્યારે ચેમ્બરે બીડુ ઝડપી ઉતાવળે વિચાર્યા વગર બે દિવસના લોકડાઉનનુ એલાન આપ્યુ હોવાનુ વેપારીઓમાં ખુલ્લેઆમ ચર્ચાય રહ્યુ છે. ચેમ્બરે એવો દાવો કર્યો હતો કે રાજકોટના તમામ વેપારી સંગઠનોએ બંધમા જોડાવા હા પાડી છે છતાં આજે તમામ એસો.નો સાથે સંકળાયેલી તમામ બજારો અને દુકાનો ચાલુ રહી છે ત્યારે આ દાવા સામે પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થોડા દિવસ પહેલા વેબીનાર યોજાયો હતો અને તેમા તમામ વેપારી સંગઠનો પાસે સ્વૈચ્છિક બંધ માટેનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ વેબીનારમાં જ એક-બે સભ્યોને બાદ કરતા મોટાભાગના હોદેદારોએ લોકડાઉનથી દૂર રહેવા જણાવ્યુ હોવા છતા પણ ચેમ્બરે શા માટે ઉતાવળે સ્વૈચ્છિક બંધના એલાનની જાહેરાત કરી તેવુ પણ વેપારીઓ પૂછી રહ્યા છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું સ્વૈચ્છિક બંધનું એલાન તમામ વેપારીઓ ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેર અને પરાની તમામ દુકાનો-બજારો વગેરે રાબેતા મુજબ જ ચાલુ છે. ચેમ્બરના એલાનને કોઈએ ધ્યાને ન લીધા હોવાનંુ જણાય છે જે ચેમ્બર માટે ચિંતાની બાબત કહેવાય.

આજે અમુક વેપારીઓએ જણાવ્યુ હતુ કે અમોએ સ્વૈચ્છિક બંધની બાબત અખબારો થકી જાણી અમને કોઈએ વિશ્વાસમાં લીધા નથી કે અમને કોઈએ બંધમાં જોડાવા કહ્યુ નથી. વેપારીઓના કહેવા મુજબ એસો.ના હોદેદારોએ ચેમ્બરની હામાં હા ભણી હતી પરંતુ અમને કોઈએ ફોન કરીને કોઈ સૂચના આપી નથી કે અમે બંધ રાખીએ. વધુમાં વેપારીઓનુ કહેવુ છે કે મંદીના સમયમાં એક પણ દિવસનું લોકડાઉન પોસાય તેમ નથી.

અમુક વેપારીઓએ તો એવુ જણાવ્યુ હતુ કે બંધનું એલાન આપવા પાછળ રાજકીય ઈરાદાની ગંધ આવતી હતી. ચેમ્બર દ્વારા કોને ખુશ કરવા બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ ? તે વિચારવાનો સમય છે. કોઈ એક વ્યકિત કે કોઈ એક પક્ષ તરફ ઢળવાને બદલે ચેમ્બરે તટસ્થ રહી વેપારીઓને સ્પર્શતા પ્રશ્નોને વાચા આપી તેનો નિકાલ કરવા તરફ ધ્યાને કેન્દ્રીત કરવુ જોઈએ. સ્વૈચ્છિક બંધથી વેપારીઓને આર્થિક નુકશાન જાય તો તેના માટે જવાબદાર કોણ ? તેવોે સવાલ પણ વેપારીઓએ ઉઠાવ્યો હતો.

આજના ફલોપ શો બાદ હવે ચેમ્બરે પણ થોડુ આત્મનિરીક્ષણ કરી આપણે કયાં થાપ ખાધી ? તે બાબતે વિચારવાની જરૂર હોવાનું વેપારીઓનું કહેવુ છે. વેપારીઓના કહેવા મુજબ કોઈનો હાથો બનવાના બદલે ચેમ્બરે તટસ્થ વલણ અપનાવવુ જોઈએ. જે સંસ્થાના ૨૫૦૦થી વધુ સભ્યો હોય અને તે વિવિધ વેપાર અને સંગઠનનું પ્રતિનિધિત્વ કરતી હોય તો તેના એલાનનું કેમ સૂરસૂરીયુ થઈ ગયુ ? તે પણ ગહન વિચાર માગતો પ્રશ્ન છે. ચેમ્બરની ગાડી આડા પાટા ચડી જાય તે પહેલા તેને આ ઘટનાથી બોધપાઠ પણ લેવો જોઈએ એવુ પણ વેપારીઓનંુ કહેવુ છે.

વેપારીઓની એક જ વાત...અમને વિશ્વાસમાં શા માટે ન લીધા ? જો કોઈના ફોન આવ્યા હોત તો અમે જરૂર બંધમાં જોડાત

રાજકોટઃ આજે રાજકોટના વિવિધ વેપારીઓ સાથે વાત કરતા વેપારીઓએ અકિલાને એવુ જણાવ્યુ હતુ કે, બંધના એલાનની અમોને અખબાર અને ટીવી થકી જાણ થઈ. અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. એટલુ જ નહિ અમારા એસોસીએશનના કોઈ હોદેદારે અમોને બંધ રાખવા કહ્યુ નથી તો અમે બંધમાં શા માટે જોડાઈએ ? વેપારીઓના કહેવા મુજબ એકહથ્થુ અને મનસ્વી રીતે બંધનું એલાન આપી દેવાયુ હતું. વેપારીઓના કહેવા મુજબ તાજેતરમાં યોજાયેલ વેબીનારમાં પણ મોટાભાગના એસો.ના હોદેદારોની લોકડાઉન માટે ના હોવા છતા બે દિવસના સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યુ હતું.

(2:54 pm IST)