Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોરોનાના કાળા કહેર સામે સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લા-તાલુકા મથકો-ગ્રામ્ય વિસ્તારો, ધર્મસ્થાનોમાં સ્વયંભુ 'લોકડાઉન'

દરરોજ કેસમાં વધારો થતા લોકોમાં ભારે ગભરાટઃ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝ સહિતના નિયમોનું પાલન કરવા અપીલ

પ્રથમ તસ્વીરમાં ખીરસરા બંધ, બીજી તસ્વીરમાં ધોરાજી બંધ, ત્રીજી-ચોથી તસ્વીરમાં ધોરાજીમાં મિટીંગ, પાંચમી તસ્વીરમાં જસદણના જુના પીપળીયામાં મીટીંગ, છઠ્ઠી તસ્વીરમાં કેશોદમાં લોકોની ભીડ, સાતમી તસ્વીરમાં કોડીનારમાં મીટીંગ મળી હતી. તે નજરે પડે છે. (તસ્વીરઃ ભીખુપરી ગોસાઇ (ખીરસરા), ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી), કરશન બામટા (આટકોટ), કિશોરભાઇ દેવાણી (કેશોદ), અશોક પાઠક (કોડીનાર)

રાજકોટ, તા., ૧૦: કોરોનાએ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળો કહેર મચાવ્યો છે અને દરરોજ મોટા પ્રમાણમાં પોઝીટીવ  કેસોની સાથોસાથ મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહયો છે તેની સામે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ સ્વયંભુ લોકડાઉનનો આજથી અમલ શરૂ થયો છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લા મથકો, તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં શનીવાર અને રવીવાર ઉપરાંત આગામી દિવસોમાં પણ લોકડાઉનનો નિર્ણય જાહેર કરાયો છે.

આ ઉપરાંત વિરપુર શ્રી જલારામ મંદિર, શ્રી ખોડલધામ મંદિર, સતાધાર સહીત અનેક ધર્મસ્થાનો પણ ભાવીકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જામકંડોરણા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણાઃ જામકંડોરણામાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે જામકંડોરણા શહેરના વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરેલ છે. આ અંગે મામલતદાર કચેરીએ શહેરના વેપારીઓની એક મીટીંગ મળી હતી. જેમાં શહેરના વેપારી મંડળના હોદેદારો તેમજ વેપારીઓએ હાજર રહી આજે તા.૧૦ થી આવતી ૧૮ તારીખ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રાખી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

દેરડી (કુંભાજી)

(અશોક પટેલ દ્વારા) મોવીયાઃ ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામમાં વેપારીઓએ સ્વયંભુ લોકડાઉનની કરી જાહેરાત શનિ-રવિ બે દિવસ સ્વયંભુ સજ્જડ બંધ રહેશે. આજે શનિવારે ગામ સજ્જડ બંધ રહયું છે અને લોકોએ પુરો સહકાર આપેલ છે. બજારો સુમસાન જોવા મળી હતી.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવેલ છે. ત્યારે ધોરાજીમાં પણ વેપારીઓ દ્વારા ર દિવસ લોકડાઉનની જાહેરાત કરાતા ધોરાજીના જુદા જુદા રોડ સ્ટેશન રોડ, સોનીબજાર, અવેડા ચોક, જમનાવડ રોડ, સરદાર પટેલ ચોક સહીતના વિસ્તારો સંપુર્ણ બંધ રાખીને કોરોનાને મહાત આપશે.

ધોરાજી રેવન્યુ બાર એસોસીએશને બંધમાં ટેકો આપ્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી રેવન્યુ બાર એસોસિએશન ના રાજુભાઈ બાલધા એડવોકેટ એ જણાવેલ કે ધોરાજી રેવન્યુ બાર એસોસિએશન પાંચ દિવસ સુધી પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે.

કારોબારી સભ્યો દ્વારા સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે કે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધોરાજી વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા શનિવાર તથા રવિવારના બે દિવસના બંધમાં જોડાવાનું નક્કી કરેલ છે તે ઉપરાંત તારીખ ૧૦-૪-૨૦૨૧ થી ૧૪-૪-૨૦૨૧ પાંચ દિવસ સુધી રેવન્યુ બાર એસોસિયેશનના તમામ વકીલોએ તેમની ઓફિસો સંપૂર્ણ પણે બંધ રાખશે તેવું રેવન્યુ બાર એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવેલ છે તેથી ધોરાજી રેવન્યુ બાર એસોસિયેશનના તમામ વકીલ સભ્યશ્રીઓએ આ પાંચ દિવસ દરમિયાન સ્વયંભૂ બંધ રાખવાનું જણાવવામાં આવે છે. રેવન્યુ બાર એસોસિએશન ધોરાજી વતી રાજુ બાલધા એડવોકેટે યાદીમાં જણાવ્યું હતું.

આટકોટ

(કરશન બામટા દ્વારા) ભાડલા ગામમાં, ગ્રામ પંચાયત અને વેપારી વર્ગો દ્વારા સ્વયંભૂ લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું હતું ભાડલા ગામ માં કોરોના ના કેસો પણ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવધાની અને સાવચેતી રાખવા માટે ગામલોકોએ ગ્રામ પંચાયત અને વેપારી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બપોરે ૧૧ વાગ્યા પછી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે સંપૂર્ણ ગામમાં રહેવા પામ્યું હતું ત્યારે ભાડલા ગામના લોકોએ સંપૂર્ણ બંધ પાળ્યું છે.

ઓખા

કોરોના મહામારીને ધ્યાનમાં લઇ દ્વારકા તાલુકા ના વેપારીઓ નું આવતીકાલ તા. ૧૦ થી ૧૬ સુધી સાંજે ૬ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન રહેશે.

દ્વારકા પ્રાંતઅધિકારી તથા પોલીસ અધિકારી સાથે દ્વારકા, તાલુકા ના વેપારી આગેવાનો ની મીટીંગ બાદ ચર્ચા વિચારણા અંતે સ્વચ્છીક નિર્ણય લેવામાં આવ્યો.

આ નિર્ણયમાં જેમનો ધંધો સાંજે (૪થી૫ વાગે)ચાલુ થાય તેવા ખાણી પીણી લોજ તથા નાસ્તાની રેકડી લારીઓના ધંધાર્થી એ તેમના ધંધા રોજગાર (૪ વાગ્યાથી ૯) વાગ્યા સુધી સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા તથા વધારેમા વધારે પાર્સલ સુવિધા આપી પોતાના ધંધા રોજગાર ૯ વાગે બંધ કરવા તેવું સર્વાનુમતે નકકી કરવા આવેલ છે.

હળવદ - ચરાડવા

(દીપક જાની દ્વારા) હળવદ : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કોરોનાના કેસ ને લઇ ગ્રામ્ય વિસ્તારની પંચાયતો દ્વારા સંક્રમણ અટકે તે માટે થઈને જરૂરી તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના સૌથી મોટા ગામ ગણાતા ચરાડવા ગામે ગ્રામ પંચાયત દ્વારા દસ દિવસનુ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે.

ચરાડવા ગામમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઇ ગ્રામ પંચાયત દ્વારા ૧૧ એપ્રિલ થી ૨૦ એપ્રિલ સુધી ગામમાં બપોરે ૨ વાગ્યા બાદ તમામ રોજગાર ધંધા બંધ રાખવામાં આવશે સાથે જ ગ્રામ પંચાયત દ્વારા કોરોના ગાઈડલાઈન પણ જાહેર કરી છે જેમાં જણાવ્યું છે કે ગામમાં બપોરે ૨ વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ રહેશે, શાકભાજી વાળા એ પણ બપોરે ૨ વાગ્યા સુધી જ માર્કેટમાં શાકભાજી વેચી શકશે તેમજ દૂધ અનાજ દળવાની ઘંટી તથા દવાની દુકાનો દિવસ દરમિયાન ખુલ્લી રહેશે આંશિક લોકડાઉન માટે ગ્રામ પંચાયત દ્વારા એક કમિટી પણ બનાવવામાં આવી છે સાથે જ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને અપીલ પણ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સહકાર આપે.

તુલશીશ્યામ મંદિર

રાજુલા - અમરેલી : તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ તરફથી જણાવ્યું છે કે, તા. ૯ થી તા. ૩૦ તુલસીશ્યામ મંદિર સંપૂર્ણપણે દર્શનાર્થીઓ માટે બંધ રાખેલ છે

તમામ શ્યામ સેવકોને વિનમ્રપણે જણાવવાનું કે કોરોનાની મહામારી દિવસે અને દિવસે ખુબજ ભયંકર રીતે વધી રહી છે.આ સંજોગોમાં પૂનમ ભરતા અને અમાસ ભરતા તેમજ દર્શનાર્થે આવતા તેમજ માનતા રાખતા કોઈપણ વ્યકિતઓએ ઘરેથીજ શ્યામબાપાના દર્શન કરી લેવા વિનંતી. છતાં પણ જે કોઈ આવશે તો પ્રવેશ કરવા દેવામાં નહીં આવે જેથી કરીને પૂરતો સાથ સહકાર આપવા પ્રતાપભાઈ એસ વરૂ તથા તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટએ જણાવ્યું છે.

લાલપુર - જામનગર

જામનગર - લાલપુર : લાલપુરમાં રવિવાર અને સોમવારે સંપૂર્ણ બંધ રહેશે.  કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાને લઇને લાલપુરમાં નિર્ણય લેવાયો છે. દર અઠવાડીયાના બે દિવસે ગામ સજ્જડ બંધ રાખવા નિર્ણય કરાયો છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ : ગોંડલમાં સ્વૈચ્છીક લોકડાઉન એક અઠવાડિયા સુધી આવતીકાલથી અમલ સાંજના ૭ થી સવારના ૭ સુધી બંધનો નિર્ણય લેવાયો.

ખીરસરા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા : લોધીકા તાલુકાના ખીરસરા ગામે સવારના ૧૦થી સાંજના ૫ સુધી તમામ દુકાનો બંધ રહેશે. સ્વૈચ્છાએ ગામ લોકો દ્વારા બંધ્ પાળવામાં આવે છે રાત્રે ૮ વાગ્યે સ્વયંભુ બંધ પળાશે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં કોરોનાએ માઝા મૂકી છે શહેરની હોસ્પિટલો પેક થઈ ગઈ છે લોકોમાં ભય ફેલાઈ ગયો છે અને કોરોના નું કોઈ પણ જાતનું સંક્રમણ ઘટતું નથી જેથી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) શુક્રવારે તાત્કાલિક અસરથી બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં તાત્કાલિક અસરથી કોરોનાની સાંકળ તોડવા બાબતે ધોરાજી બે દિવસ સંપૂર્ણ બંધ રહે તે બાબતે સર્વાનુમતે ઠરાવ કર્યો હતો બાદ આજરોજ ધોરાજી સંપૂર્ણપણે બંધ રહ્યું છે અને આ સમયે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ)ના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ રમેશ શિરોયા કરસનભાઈ માવાણી જયંતિભાઈ પાનસુરીયા ચેતનભાઇ ગાંધી ચુનીભાઇ સંભવાણી પ્રવીણ ભાઈ બાબરીયા બીપીનભાઈ મકવાણા મનીષભાઈ સોલંકી જસ્મીનભાઈ પટેલ સહિતના વેપારી એસોસિએશનના આગેવાનો પ્રમુખો હોદ્દેદારો એ ધોરાજીની જનતાને અપીલ કરતા જણાવેલ કે આજરોજ સ્વયંભૂ ધોરાજી બંધ રહ્યું છે. આ સાથે ધોરાજીના પ્રશાસનમાં ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી વિગેરે અધિકારીઓએ પણ આજરોજ સ્વેચ્છિક લોકડાઉન મા પ્રશાસન એ પણ ટેકો આપ્યો હતો

પીપળીયા

(કરશન બામટા દ્વારા) આટકોટ  : જસદણના જુના પીપળીયા ગામમાં, ગ્રામ પંચાયત અને ગ્રામ લોકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો તમામ દુકાનો સવારે ૬ થી ૮ બપોરે પાંચથી આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે ગ્રામમાં કોરોના ના કેસો વધી રહ્યા છે લોકોને સાવચેતી અને સાવધાની રાખવા જણાવવામાં આવ્યું હતું હાલમાં વધી રહેલા કોરોનાનો કહેર તાવ શરદી ઉધરસ હોય તો તાત્કાલિક સરકારી દવાખાને સારવાર લેવી પીપળીયા ગ્રામ પંચાયતમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગ ગામલોકો પોલીસના સહિતના ગામ આગેવાનો હાજરી આપી હતી અને આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

કેશોદ

(કિશોરભાઈ દેવાણી - કમલેશ જોષી દ્વારા) કેશોદ : શહેરમાં કોરોના મહામારીને લઈને વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને ગઈકાલે કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સ, વેપારી મહામંડળ તથા કેશોદ વેપારી એસોસીએશનના પ્રમુખો, રાજકીય અને સામજિક આગેવાનો તેમજ તમામ એન.જી.ઓ તથા દરેક સમાજના પ્રમુખોની હાજરીમાં રણછોડ રાયજી મંદિરે મળેલ બેઠકમાં આવતીકાલે એટલેકે આજથી શનિવાર અને રવિવાર બે દિવસ કેશોદમાં ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી સ્વૈચ્છીક લોકડાઉનનો સર્વાનુમતે નિર્ણય કરેલછે.જેથી બે દિવસ તમામ બજાર બંધ રહેશે. આ બેઠકમાં આ બે દિવસના લોકડાઉન દરમ્યાન વેપારી દુકાન ખોલેતો રૂપિયા પાંચસો દંડ લેવાનું પણ નકકી કરવામાં આવેલ હતુ.

કેશોદમાં બે દિવસીય લોક ડાઉન જાહેર થતાં બે દિવસ બજારો બંધ રહેવાના કારણે શુક્રવારે લોકોમોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડતા કેશોદની બજારમાંખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળતા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવાનું પણ લોકો ભાન ભુલ્યા હતા.

કેશોદમાં વેપારી મંડળ અને સામાજીક સંસ્થાઓ દ્વારા મહામારીમાં શનિ રવિ બે દિવસ લોકડાઉનોનો આવકાર દાયક નિર્ણય કરતા શહેરની બજારમાં સોમવારથી રાબેતા મુજબ ધંધા-રોજગાર ચાલુ થઈ જશે.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનાર : કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત વધતું જતું કોરોના સંક્રમણ ને ધ્યાને રાખી કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને શહેર ના તમામ આગેવાનો એ બજારો સાંજે ૬ વાગેથી બંધ કરવા સ્વૈચ્છિક નિર્ણય લીધો હતો.આજે મોડી સાંજે કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ અને શહેરના અગ્રણી આગેવાનોની બેઠક યોજાઇ હતી,જેમાં શહેર ને કોરોના મહામારી થી સુરક્ષિત રાખવા અનેક નિર્ણયો લેવાયા હતા. જેમાં મુખ્યત્વે તા.૧૦/૩ શનિવારથી શહેરના તમામ વેપાર ધંધા સાંજે ૬ કલાકે થી બંધ કરવા અને આવશ્યક સેવાઓ જેવી કે મેડિકલ, દૂધ, હોટલ રેસ્ટોરન્ટ અને ખાણી પીણીના વ્યવસાયો રાત્રી ના ૧૦ વાગ્યા સુધીમાં બંધ કરવા નિર્ણય લેવાયો હતો,તેમજ દરેક વેપારી ઓએ તેમની દુકાન માં માસ્ક ફરજીયાત પહેરવા અને સેનીટાઇઝની વ્યવસ્થા, સોશ્યલ ડિસ્ટનસ નું કડકાઈ થી પાલન કરવા અને વેકસીન કાર્યક્રમને સફળ બનાવવા અને જરૂરી કામકાજ સિવાય ઘરની બહાર ન નીકળવા નિર્ણયો કરવામાં આવ્યા હતા.

(11:29 am IST)