Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોવિડ-૧૯ના નિયમભંગ બદલ નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગ ને દંડ

પરિવારના ૧૩ લોકો સાથે વડાપ્રધાને પાર્ટી કરી હતી : ૧.૭૫ લાખનો દંડ કરાયો : દેશમાં ૧૦થી વધુ લોકોને ઈવેન્ટમાં આમંત્રણ આપવા પર પ્રતિબંધ લગાવાયેલો છે

ઓસ્લો, તા. ૯ : નોર્વેની પોલીસે શુક્રવારે જણાવ્યું કે, વડાપ્રધાન એર્ના સોલબર્ગને કોવિડ-૧૯ના નિયમ તોડવા માટે દંડ કરવામાં આવ્યો છે. તેમણે ફેબ્રુઆરીમાં પોતાનો જન્મદિવસ ઉજવવા માટે પરિવારના ૧૩ લોકોની સાથે પાર્ટી કરી હતી, જ્યારે કે માત્ર ૧૦ લોકોની જ મંજૂરી છે. નોર્વેમાં અત્યાર સુધીમાં ૧,૦૧,૯૬૦ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.

સોલબર્ગને ૨૦ હજાર નોર્વે ક્રાઉન્સ એટલે કે લગભગ ૧,૭૫,૬૪૮ રૂપિયાનો દંડ કરાયો છે. પોલીસે એક ન્યૂઝ કોન્ફ્રન્સમાં આ વાતની જાણકારી આપી. પીએમએ એક માઉન્ટેન રિસોર્ટ પર પાર્ટી આયોજિત કરવા માટે માફીપણ પણ માગી હતી. દેશમાં ૧૦થી વધુ લોકોને ઈવેન્ટમાં આમંત્રણ આપવા પર પ્રતિબંધ લગાવાયેલો છે. પોલીસે જણાવ્યું કે, સામાન્ય રીતે આવા મામલામાં દંડ નથી કરાતો, પરંતુ પ્રતિબંધ લગાવવામાં પીએમ સરકારમાં સૌથી પ્રમુખ છે.

પોલીસ ચીફે કહ્યું કે, જોકે કાયદો બધા માટે એક છે, પરંતુ કાયદા સામે બધા સમાન નથી. તેમના કહેવા મુજબ, 'લોકોમાં સામાજિક પ્રતિબંધો પ્રત્યે વિશ્વાસ ઊભો કરવા માટે આ પ્રકારનો દંડ કરવો યોગ્ય છે.' પોલીસે કહ્યું કે, સોલબર્ગ અને તેમના પતિ સિન્ડ્રે ફાઈન્સે મળીને પાર્ટીનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું અને રેસ્ટોરન્ટને પસંદ કરી હતી. બધી વ્યવસ્થા ફાઈન્સ પોતે જોઈ રહ્યા હતા. આ મામલે ફાઈન્સ અને એ રેસ્ટોરન્ટે પણ કોરોના નિયમોને નજરઅંદાજ કર્યા હતા, પરંતુ એ બંનેને દંડ ન કરવા અંગે પોલીસ અધિકારીઓએ કહ્યું કે, 'સોલબર્ગ દેશના નેતા છે અને વાયરસ સંક્રમણને રોકવા માટે લગાવાયેલા પ્રતિબંધોની તેઓ આગેવાની કરી રહ્યા છે.' તો, પીએમએ તેના માટે માફી માંગી છે અને દંડ ભરવા માટે પણ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નોર્વે યુરોપના એ દેશોમાં સામેલ છે, જેને કોવિડ-૧૯ સામેની લડાઈમાં ઘણો સફળ માનવામાં આવે છે. એર્ના સોલબર્ગ ત્યાંના એક લોકપ્રિય વડાપ્રધાન છે અને આ વર્ષે સપ્ટેમ્બરમાં તેમને ત્યાની સંસદીય ચૂંટણીનો પણ સામનો કરવાનો છે.

(12:00 am IST)