Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

રસી બાદ ૧૮૦એ જીવ ગુમાવ્યા, ૭૫ ટકાના રસીના ૩ દિ'માં મોત

જાન્યુઆરીથી દેશમાં કોરોનાનું રસીકરણ થયું હતું : કમિટિ દ્વારા રસી બાદ મોતની માહિતી રોજ જાહેર કરવી જરુરી, હજુસુધી ૧૦ લોકોના મોત થયાની માહિતી જાહેર

નવી દિલ્હી, તા. ૯ : દેશભરમાં જાન્યુઆરીના મધ્યથી કોરોનાની રસી આપવાનું શરુ કરાયું હતું. ઘણા લોકોને રસી લીધા બાદ સામાન્ય તાવથી લઈને અશક્તિ જેવી આડઅસરો જોવા મળે છે. જોકે, દેશમાં ગંભીર આડઅસર દેખાઈ હોવાના પણ કેસ સામે આવ્યા છે. જેમાં ૩૧ માર્ચ સુધીના ડેટા અનુસાર, રસી લીધા બાદ ૧૮૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાંથી ૭૫ ટકા મૃતકો તો રસી લીધાના ત્રણ જ દિવસમાં મોતને ભેટ્યાં હતાં.

એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (એઈએફઆઈ) કમિટિ દ્વારા રસી લીધા બાદ જો કોઈનું મોત થાય તો તેની માહિતી રોજેરોજ જાહેર કરવાની હોય છે. જોકે, અત્યારસુધી તેના દ્વારા ૧૦ જ લોકોના મોત થયા હોવાની માહિતી જાહેર કરાઈ છે. ભારતમાં રસી લીધા બાદ અત્યારસુધી થયેલા મૃત્યુ યુરોપની પેટર્નને ખાસ્સા મળતા આવે છે.

યુરોપિયન યુનિયન અને યુકે દ્વારા આ બાબતને ધ્યાનમાં રાખીને હેલ્થકેર પ્રોફેશનલ્સ તેમજ રસી લેનારા લોકોને રસી લીધા બાદ લોહી ગંઠાઈ જવા સહિતની સંભવીત ગંભીર આડઅસર અંગે ચેતવણી અપાય છે. અત્યારસુધી જોવામાં આવ્યું છે કે, વેક્સિન લીધાના ૧૪ દિવસમાં કેટલાક લોકોને લોહી ગંઠાઈ જવાની સમસ્યા થાય છે.

કોરોનાની રસીની કેવા પ્રકારની આડઅસર થઈ રહી છે તેના પર પબ્લિક હેલ્થ સાથે સંકળાયેલા કેટલાક એક્ટિવિસ્ટ પણ નજર રખી રહ્યા છે. જોકે, તેઓ આ મામલે વધુ પારદર્શકતાની માગ કરી રહ્યા છે. વેક્સિન લીધા બાદ જો કોઈનું મોત થાય તો તેનું ઝડપથી અસેસમેન્ટ કરી તેની માહિતી વેક્સિનેશન પોલિસીને વધુ બહેતર બનાવવા તુરંત જાહેર કરવામાં આવે તેવી પણ તેમની માગ છે.

શરુઆતમાં સ્પષ્ટ ઈનકાર કર્યા બાદ યુરોપિયન યુનિયન અને યુકેના મેડિસિન રેગ્યુલેટર્સે વિગતવાર અભ્યાસબાદ સ્વીકાર્યું છે કે બ્લડ ક્લોટિંગના કેટલાક કેસનું સીધું કનેક્શન લૉ પ્લેટલેટ્સ અને ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સિન સાથે હોઈ શકે છે. જેના કારણે આ વેક્સિન લેવાથી થતી સંભવિત આડઅસરની પણ માહિતી આપવામાં આવી રહી છે. વેક્સિનના નુક્સાનની સરખામણીએ ફાયદા અનેકગળા વધારે હોવાથી તેનો વપરાશ પણ ચાલુ જ રખાયો છે.

૩૧ માર્ચના રોજ નેશનલ એઈએફઆઈ કમિટિ સમક્ષ અપાયેલા પ્રેઝન્ટેશનમાં બતાવાયું હતું કે રસીની આડઅસર બાદ જે દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા તેમનો આંકડો ૩૦૫ હતો. જેમાંથી ૧૨૪ લોકોના મોત થયા હતા. ૧૨૪ મૃતકોમાંથી ૯૩ના મોત વેક્સિન લીધાના ત્રણ જ દિવસમાં થયા હતા.

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ૧૬ જાન્યુઆરીથી દેશમાં રસીકરણ શરુ કરાયું છે. જેમાં ૨૭ જાન્યુઆરી સુધીમાં વેક્સિનેશન બાદ ૯, ૨૬ ફેબ્રુઆરી સુધીમાં ૪૬ અને ૧૬ માર્ચ સુધીમાં ૮૯ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. રસીનો પ્રસાર વધારાતા અને લાભાર્થીઓની સંખ્યામાં પણ મોટો વધારો થતાં રસી લીધા બાદ થયેલા મોતનો આંકડો પણ વધ્યો છે. એઈએફઆઈના આંકડા પર નજર રાખતા સિદ્ધાર્થ દાસનું કહેવું છે કે, ૧૬થી ૨૯ માર્ચ દરમિયાન રસી લીધા બાદ ૯૧ લોકોના મોત થયા છે. તેમનું એમ પણ કહેવું છે કે, રસી લીધા બાદ મોત થવાની સંખ્યા વધી રહી છે ત્યારે કમિટિએ પણ મોતનું ખરું કારણ જાણવા માટે પોતાનું કામકાજ ઝડપી બનાવવાની ખાસ જરુર છે.

(12:00 am IST)