Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ટ્રેન બંધની અફવા, રૂટ ટૂંકાવવા કે બંધ કરવા રેલવેનો ઈનકાર

દેશભરમાં બેફામ કોરોના સંક્રમણથી પ્રવાસી મજૂરોની ચિંતા વધી : ભારે ભીડ એકત્રિત થતાં અફવા ઉડી : ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ વગેરે જગ્યા પર કેસમાં વધારો થતાં ફરીવાર પ્રવાસી મજૂરોની વતનની વાટ

નવી દિલ્હી, તા. ૯ : ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ વગેરે જગ્યા પર કોરોનાના કેસમાં વધારો થતાં ફરી એકવાર પ્રવાસી મજૂરો ચિંતામાં મૂકાયા છે. કોરોનાના વધતા કેસને જોતા અને કેટલાક રાજ્યમાં કોરોના પર કાબૂ મેળવવા માટે લાગુ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્યૂ અને લોકડાઉનના નિર્ણયને લઈને પણ ચિંતિત થયા છે અને પોતાના વતન પરત ફરી રહ્યા છે. કોરોનાના વધતા પ્રકોપ અને નિયંત્રણોને જોતા પ્રવાસી કામદારોને ફરી ફસાઈ જવાની બીક લાગી રહી છે. આ બીકના કારણે મુંબઈ અને સુરતથી જતી ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આવામાં રેલવે સ્ટેશન પર વધતી સંખ્યાના લીધે વાયરસનો ફેલાવો થવાનો ડર પણ વધી રહ્યો છે.

રેલવે સ્ટેશન પર વધતી સ્પીડ અને ટ્રેન બંધ કરવાની અફવાઓ અંગે રેલવે બોર્ડ દ્વારા ચોખવટ કરવામાં આવી છે. રેલવે બોર્ડના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટ્રેન રોકવાનો કે તેનો રૂટ ટૂંકાવવા અંગે કોઈ પ્લાન નથી, જરુર પ્રમાણે ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે. વધુમાં શુક્રવારે રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુસાફરોને આશ્વસ્ત કરવામાં આવે છે કે, પ્રવાસી મજૂરો ખોટી માહિતી પર વિશ્વાસ ના કરે, ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે. રિપોર્ટ્સ મળી રહ્યા છે કે પ્રવાસી મજૂરો પોતાના વતન જવા માટે ઉતાવળ કરી રહ્યા છે. બોર્ડે મુસાફરીમાટે કોરોના નેગેટિવ સર્ટિફિકેટની જરુર હોવાની વાત ફગાવી દીધી છે.

જે રીતે ફરી ખોટી અફવાથી દોરાઈને પરપ્રાંતી કામદારો પોતાના વતન પરત જવા માટે ઉતાવળ કરી રહ્યા છે તેના કારણે પાછલા વર્ષે લોકડાઉન બાદ સર્જાયેલી સ્થિતિનું ચિત્ર ખડું થઈ રહ્યું છે. બીજી તરફ પોતાના વતન જવા માટે ઉતાવળા થઈ રહેલા કામદારોને રેલવે બોર્ડ દ્વારા આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે ટ્રેન અટકાવવાનો કોઈ નિર્ણય લેવાયો નથી.

મહત્વનું છે કે, પાછલા વર્ષે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયા બાદ પ્રવાસી મજૂરો અટવાઈ પડ્યા હતા, તેઓ દિવાળી પહેલા સ્થિતિ કાબૂમાં આવતા ફરી અમદાવાદ, સુરત, મુંબઈ, બેંગ્લોર જેવા મોટા શહેરોમાં કામ કરવા માટે પરત ફર્યા છે. પરંતુ કોરોનાની બીજી લહેર તેમને ડરાવી રહી છે અને અફવાઓના કારણે તેઓ પોતાના વતન પરત જવા માટે ઉતાવળ કરી રહ્યા છે.

એક રિપોર્ટ્સ મુજબ, પોતાના વતન કર્ણાટકામાં મતદાન માટે ગયેલા કામદારોને હવે પરત પોતાના કામના સ્થળો પર જવામાં ખચકાટ થઈ રહ્યો છે, કારણ કે ઘણાં કામના શહેરોમાં નાઈટ કર્ફ્યૂ ટૂંકા લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. ગોંવિદ કુમાર કે જે ઝારખંડના ગીરીધી જિલ્લામાંથી મુંબઈમાં કામની શોધમાં આવ્યા હતા અને અહીં તેઓ પાંચ વર્ષથી એક કોફી શોપમાં નોકરી કરે છે. ગોવિંદે પોતાના પગારમાંથી મોટો ખર્ચો ફ્લાઈટની ટિકિટ ખરીદવા માટે કર્યો. મુંબઈથી રાંચીના મુંડા એરપોર્ટ પર પહોંચેલા ગોવિંદે જણાવ્યું છે કે, ૩૦ એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, મારા સાહેબે મને ઘરે પરત જવા માટે કહ્યું છે. તેમણે જણાવ્યું છે કે સ્થિતિ પાછી સારી બનશે એટલે તેઓ મને બોલાવશે. બેંગ્લુરુમાં કામ કરતા અને રાંચી એરપોર્ટ પહોંચેલા અનિલ કુમાર માથો જણાવે છે કે, તેમને પણ તેમના સાહેબે સ્થિતિ સારી ના હોવાના કારણે હમણાં ઘરે જવા માટે જણાવ્યું હતું. અનિલ જણાવે છે કે, લાંબા સમય સુધી ઘરે બેસી રહ્યા પછી દિવાળી પહેલા કામના સ્થળે પરત ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે મારી નોકરી ફરી અસ્થિર બની ગઈ છે. સુરતમાં રહેલા ઓડિયા વેલફેર એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ ભગીરથ ભેરા જણાવે છે કે, ચાર લોકોના મોત બાદ સુરતમાં રહેતા ઓડિયા લોકો ચિંતિત છે. બીજુ લોકડાઉન આવશે તેવા ડરમાં તેઓ પરત પોતાના વતન જવાનું મન બનાવીને બેઠા છે. જે લોકો સુરત છોડીને તાજેતરમાં ચાલ્યા ગયા છે તેમણે અગાઉથી જ પોતાની ટિકિટો બૂક કરાવી રાખી હતી. ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યોમાંથી ઓડિશાના ગંજમ જિલ્લામાં પરત ફરી રહેલા પ્રવાસી કામદારોની તપાસ કરાઈ રહી છે.

(12:00 am IST)