Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દરરોજ સરેરાશ ૨૫ લાખ સિલિન્ડરની ડિલીવરી જારી

કોરોનાના કહેર વચ્ચે ગ્રાહકોને સેવા જારી : કોરોનાના સંક્રમણથી બચાવવા કંપની દ્વારા શક્ય હોય તે સ્થળો પર સેનિટાઈઝર અને માસ્કનું ઉત્પાદન શરૂ કરાયું

અમદાવાદ,તા.૧૦ : કોરોનાના કહેર વચ્ચે પણ ગ્રાહકોને અવિરત અને ઝડપી સેવા પૂરી પાડવા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. દ્વારા મહત્વની કટિબધ્ધતા સાથે અસરકારક કામગીરી અદા કરવામાં આવી રહી છે. જેમાં કોરોનાના કહેરને લઇ બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે ઈન્ડિયન ઓઈલ વિડીયો કોન્ફરન્સિંગ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. કંપની સોશિયલ મીડિયા હેન્ડલના માધ્યમથી મહત્વની માહિતીઓ પ્રસારિત કરે છે. તો, પેટ્રોલ પંપ સહિતના તમામ સ્થળોએ ઈન્ડિયન ઓઈલે કામ, આરોગ્ય તથા સોશિયલ ડિસ્ટન્સિંગના ચોક્કસ નિયમો અમલી બનાવ્યાં છે. કંપની દ્વારા શક્ય હોય તે સ્થળોએ આંતરિક સ્તરે હેન્ડ સેનિટાઈઝર અને માસ્કનું ઉત્પાદન શરૂ કરાયું છે. ઈન્ડિયન ઓઈલ છેલ્લાં કેટલાંક દિવસોથી દરરોજ તેના ગ્રાહકોને સરેરાશ ૨૫ લાખ સિલિન્ડર્સની ડિલિવરી કરે છે.

       ખાલી સિલિન્ડર લઈને બોટલિંગ પ્લાન્ટમાં આવતી ટ્રકોને પણ સ્પ્રેયિંગ અને ફ્યુમિગેશન દ્વારા સેનિટાઈઝ કરાય છે. કંપની તેના ગ્રાહકોના આરોગ્ય અને સલામતી માટે પ્રતિબદ્ધ છે એમ કોવિડ-૧૯ને લગતી તમામ બાબતોના સમાધાન માટે એચઆર વિભાગના અધ્યક્ષ શ્રી રંજન કુમાર મોહાપાત્રાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સહિત વિશ્વભરમાં ફેલાયેલી કોવિડ-૧૯ની મહામારી સામે ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ તથા રાજ્ય વહીવટી તંત્રના લડવૈયાઓ સતત પોતાની ફરજ બજાવી રહ્યાં છે ત્યારે આઇઓસીએ પણ દેશના દરેક ઘરમાં રાંધણ ગેસનો પુરવઠો કોઈ પણ અવરોધ વગર ઉપલબ્ધ બની રહે તે બીડુ ઝડપ્યુ છે. આ ઉમદા કાર્ય કરનારા લોકોમાં એલપીજીની ડિલવરી કરનારા લોકો, પેટ્રોલ પંપના એટેન્ડન્ટ, ટેન્ક-ટ્રક ડ્રાઈવર્સ વગેરે ઉપરાંત ઈન્ડિયન ઓઈલ પરિવારના રિફાઈનરી તથા સપ્લાય/ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે.

        બિનમહત્વના સ્થળોએ કામ કરતા કર્મચારીઓ માટે ડિજિટલ કનેક્ટિવિટીના માધ્યમથી વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરાઈ છે. પીઓએલ પ્રોડક્ટ્સના પુરવઠાની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે રિફાઈનરીસ, પાઈપલાઈન્સ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ, ટર્મિનલ્સ, ડેપોસ તથા એવિએશન ફ્યુઅલિંગ સ્ટેશન્સ સહિતના સપ્લાય લોકેશન્સની કામગીરી ન્યૂનત્તમ કર્મચારીઓની મદદથી ચાલુ રખાઈ છે. ઈંધણના પુરવઠાની કોઈ અછત નથી તે અંગે પ્રસાર માધ્યમો અને લોક જાહેરાતોના માધ્યમથી લાખો ગ્રાહકોને ખાતરી આપવા ઉપરાંત ચેરમેન શ્રી સંજીવ સિંઘ અને અન્ય ડિરેક્ટર્સ નિયમિતપણે વીડિયો અને લેખિત સંદેશાઓ દ્વારા કર્મચારીઓ સાથે સંવાદ કરી રહ્યાં છે. કોવિડ-૧૯ને લગતી તમામ બાબતોના સમાધાન માટે એચઆર વિભાગના અધ્યક્ષ શ્રી રંજન કુમાર મોહાપાત્રાની અધ્યક્ષતા હેઠળ એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાઇ છે.

        મોહાપાત્રાએ વધુમાં ઉમેર્યું કે, કંપનીએ તેના તમામ ચેનલ પાર્ટનર્સ, તેના કર્મચારીઓ, સર્વિસ પૂરી પાડનારાઓ, કરાર આધારિત કર્મચારીઓ, પેટ્રોલ પંપ ડિલર્સ તથા ગ્રાહકને સેવા પૂરી પાડતા કર્મચારીઓ, એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ તથા ડિલિવરી બોય્ઝ વગેરેના આરોગ્ય અને સલામતી પર વિશેષ ભાર મુકી સાવચેતીના વિવિધ આગોતરાં પગલાં લીધાં છે અને તમામ ટચ પોઈન્ટ્સ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે છે. અમારા એલપીજી શોરૂમ સ્ટાફ, ડિલિવરી બોય્ઝ, ગોડાઉન કીપર્સ, એલપીજી મિકેનિક્સ, ફ્યુઅલ સ્ટેશનના કસ્ટમર એટેન્ડન્ટ્સ તથા જીવના જોખમે બલ્ક અને પેક્ડ પ્રોડક્ટ્સની ડિલિવરી કરતાં ટ્રક ડ્રાઈવર્સની અમૂલ્ય સેવા બદલ અમે સદભાવના સંકેતરૂપે રહેમ રાહે રૂ. ૫ લાખની સહાય જાહેર કરી છે.

        આ ઉપરાંત તેમને મેડિકલ વીમા હેઠળ આવરી લેવામાં આવશે જેમાં કોવિડ-૧૯ સંબંધિત બીમારીને પણ આવરી લેવાશે. ઘરેથી કામ કરતાં કર્મચારીઓની હાજરી નોંધવા માટે એક વિશેષ પોર્ટલ વિકસવાયું છે. પ્રોઢ કર્મચારીઓ, ગર્ભવતી મહિલાઓ તથા બિમારી ધરાવતાં કર્મચારીઓની તકેદારી માટે પણ વિશેષ પગલાં લેવાયા છે. કંપની દ્વારા સ્વાધ્યાય નામનું ઈ-ર્લનિંગ પોર્ટલ લોન્ચ કરાયું છે, જેમાં રિફાઈનિંગ, માર્કેટિંગ તથા પાઈપલાઈન ટ્રાન્સપોર્ટેશન સહિતના વિષયોના ૪૦૦ જેટલાં ઈ ર્લનિંગ મોડ્યુલ્સ આવરી લેવાયા છે.

(9:23 pm IST)