Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉન ન કર્યું હોત તો ભારતમાં ૮ લાખથી વધારે કેસ નોંધાયા હોત

ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન માટે નિર્ણય લઇને દેશને ઇટાલી બનતા રોકવામાં ભૂમિકા ભજવી છે : વિરોધ પક્ષના વિરોધ વચ્ચે જારી રિપોર્ટમાં મોટો ખુલાસો

નવીદિલ્હી, તા. ૧૦ : દેશમાં કોરોના વાયરસના આતંક વચ્ચે ભારતમાં લાગૂ કરવામાં આવેલા ૨૧ દિવસના લોકડાઉનના ગાળાને લઇને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે. એકબાજુ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ સરકારના આ નિર્ણયને ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણય તરીકે ગણાવી રહ્યા છે. બીજી બાજુ તાજેતરમાં જ ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના રિપોર્ટમાં દેશમાં લોકડાઉનને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના રિપોર્ટમાં દેશમાં લાગૂ લોકડાઉનને લઇને ખુસાલો કરતા જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉન કરવાના કારણે ભારત ઇટાલી બનતા રહી ગયું છે. જો લોકડાઉન કરવામાં આવ્યું ન હોત તો આજે ભારતની સ્થિતિ ઇટાલી જેવી થઇ હોત અને ૮.૨૦ લાખ લોકો ઇન્ફેક્શનગ્રસ્ત થયા હોત. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉન ખુબ જ આદર્શ અને યોગ્ય પગલું છે. લોકડાઉન નહીં કરવાની સ્થિતિમાં ભારતમાં ઇટાલી કરતા પણ ખરાબ હાલત થઇ હોત.

              રિપોર્ટ મુજબ આવી સ્થિતિમાં દેશમાં ૧૫મી એપ્રિલ સુધી ૮ લાખ ૨૦ હજાર જેટલા લોકો અસરગ્રસ્ત થયા હોત જ્યારે દેશમાં મૃતકોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો હોત. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું છે કે, ભારતે યોગ્ય સમયે યોગ્ય પગલા લઇને મોટી આફતને સહેજમાં ટાળવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. અમેરિકા અને ઇટાલી જેવા દેશોના ઉદાસીન વલણના કારણે આજે આ દેશમાં સ્થિતિ બેકાબૂ થઇ ચુકી છે. આઈસીએમઆરના અંદાજમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં દરેક અસરગ્રસ્ત વ્યક્તિ એક મહિનામાં ૪૦૬ લોકોમાં વાયરસ ફેલાવી શક્યો હોત જ્યારે લોકડાઉન બાદથી એક અસરગ્રસ્ત વ્યક્તિ માત્ર ૨.૫ લોકોને જ અસરગ્રસ્ત કરી રહ્યો છે. આ રિપોર્ટના આંકડા વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) વિકાસ સ્વરુપે વિદેશી પત્રકારોની સમક્ષ રજૂ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં લોકડાઉન બાદથી ઇન્ફેક્શન ફેલાવવાની ગતિ ઓછી રહી છે. લંડન ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સ્ટ્રેટેજી ઇન્ડેક્સમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતે કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે સૌથી મોટા પગલા લીધા છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશો આ કામ કરી શક્યા નથી.

(7:32 pm IST)