Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જીએસટી રિફંડ લેવુ હશે તો હવે એચએસએન કોડ ફરજિયાત

એચએસએન કોડ વગર અપાતા રિફંડમાં બોગસ રિફંડના કેસ વધતા લેવાયો નિર્ણય

મુંબઈ, તા. ૧૦ :. જીએસટી રિફંડ લેનારા વેપારીઓને હવે જીએસટી રિફંડ લેવુ હશે તો ફરજિયાતપણે એચએસએન કોડ બતાવવાનો રહેશે. અત્યાર સુધી જીએસટી રિફંડ લેવા માટે એચએસએન કોડ વગર જ રિફંડ અપાતુ હતું, પરંતુ તેના કારણે બોગસ રિફંડના કેસોમાં વધારો થયેલો જોતા જીએસટી વિભાગે આ નિર્ણય હવે ફરજિયાત બનાવ્યો છે.

જીએસટી કાઉન્સિલ દ્વારા આ નિર્ણય જાહેર કરાયો છે. જાહેર થયેલી કેટલીક હકીકત મુજબ કેટલાક વેપારીઓ મશીનરી ખરીદ કરીને તેમા અન્ય માલ બનાવતા હોવા છતા મશીનરી ખરીદવા માટે ચુકવવામાં આવેલા જીએસટી પણ રિફંડ પેટે પરત લેતા હતા એટલુ જ નહિ પરંતુ ઓફિસ માટે ખરીદેલા ટીવી, રેફ્રીજરેટર અને એ.સી. સહિતની ચીજવસ્તુઓ પેટે ચૂકવેલો જીએસટી પણ રિફંડ પેટે પરત લેતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ કારણ કે રિફંડ લેવા માટે અત્યાર સુધી એચએસએન કોડ ફરજિયાત નહોતો.

હવેથી વેપારી રિફંડ લેવાની કાર્યવાહી કરે ત્યારે તેને એનેક્ષર બીમાં એચએસએન કોડ લખવો પડશે. જેના કારણે કયાં માલનું રિફંડ લેવા માટે વેપારીએ અરજી કરી છે તેની ચોક્કસ વિગતો વિભાગને મળશે.

આ ઉપરાંત એચએસએન કોડના આધારે રિફંડની કાર્યવાહી કરનાર અધિકારીને તાત્કાલીક જ રિફંડ લેનાર વેપારીએ ખોટી રીતે રિફંડ લીધુ છે કે કેમ કે યોગ્ય રીતે આ બાબતની જાણકારી મળી રહેશે. આમ હવે નવા નિયમ મુજબ વેપારીએ જીએસટી રિફંડ લેવુ હશે તો એચએસએન કોડ ફરજીયાત લખવો પડશે.

(3:46 pm IST)