Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીને રજા ઉપર ઉતારી દીધા

યસ બેન્ક કૌભાંડના આરોપીને સપરિવાર લોકડાઉનમાં મહાબળેશ્વર જવાની પરવાનગી આપવા બદલ ગુપ્તા સામે આકરા પગલા લેતા ઉદ્વવજીઃ ફડણવીસે ટ્વીટ કરી જાણ કરેલ

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજયના મુખ્ય સચિવ અમિતાભ ગુપ્તાને તાત્કાલીક અસરથી રજા ઉતારી દીધા છે. દેશમુખે જણાવેલ કે લોકડાઉન ભંગના મામલા બદલ આ પગલું લેવાયું છે. ગુપ્તાએ લોકડાઉન દરમિયાન વધાવન પરિવારના ૨૨ લોકોને મહાબળેશ્વર જવાનો પરવાનગી પત્ર આપ્યો હતો. તેમના વિરૂધ્ધ ઈન્કવાયરી શરૂ કરવામાં આવી છે, જયાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુપ્તા રજા ઉપર જ રહેશે તેમ દેશમુખે જણાવેલ.

ગુપ્તા ઉપર આરોપ છે કે સીબીઆઈ દ્વારા યસ બેન્ક કૌંભાંડમાં આરોપી બનાવાયેલ અને જેને સીબીઆઈ પણ ગોતી રહી છે તે કપીલ વધાવનને પારિવારીક ઈમરજન્સી હેઠળ ખંડાલાથી મહાબળેશ્વર જવાની વિશેષ પરવાનગી આપી હતી.

આ ઘટના અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે પણ અનિલ દેશમુખને ટ્વીટ કરી જવાબ માંગ્યો હતો. મામલો મિડીયામાં આવતા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

(11:36 am IST)