Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બજારમાં લોટ, દાળ, બિસ્કીટ, નુડલ્સ, પેકેજડ ફુડની ભારે અછત

લોકડાઉનને કારણે કંપનીઓને કામ કરતા શ્રમીકો નથી મળતાઃ પરીવહન સુવિધા ન હોવાના કારણે ગોદામોમાં ફસાયો છે કાચો અને તૈયાર માલ : સ્ટોક બહાર કાઢવો મુશ્કેલઃ પારલે, બ્રિટાનીયા, પેપ્સી, આઇટીસી વગેરે કંપનીઓમાં માત્ર ર૦ થી ૩૦ ટકા ઉત્પાદનઃ મ.પ્રદેશ, રાજસ્થાનમાં દાળની મિલોમાં પણ કામકાજ ઠપ્પ

નવી દિલ્હી, તા., ૧૦: લોકડાઉન લાગુ થયાના પખવાડીયાની અંદર જ બજાર ઉપર તેની અસર જોવા મળી રહી છે. ખાદ્યપદાર્થોના  ઉત્પાદન અને શ્રમીકોની અછતને કારણે રીટેલ અને કરીયાણાના સ્ટોર્સમાં બીસ્કીટ, ઇન્સ્ટન્ટ નુડલ્સ અને અન્ય નાસ્તાની વસ્તુઓ જેવા ખાદ્યપદાર્થોની અછત જોવા મળી રહી છે. કારખાનાઓ અને ફેકટરીઓમાં ઉત્પાદન ઓછુ થવાના કારણે અને ટ્રાન્સપોટેશનની સુવિધા ન હોવાના કારણે અછત જોવા મળી રહી છે. આ વસ્તુઓની ડીમાન્ડ વધી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે લોટની સપ્લાયની ઓછી થઇ ગઇ છે. આ સિવાય નુડલ્સ અને બીસ્કીટ જેવા પેકીંગના સામાન પણ ઓછા મળી રહયા છે. એફએમસીજી કંપનીઓ ઉત્પાદીત વસ્તુઓની કમી અને વસ્તુઓની સપ્લાય ચેઇન ખોરવાઇ ગયાની સમસ્યાનો સામનો કરી રહી છે.

મ.પ્રદેશ અને રાજસ્થાન જેવા દાળના ઉત્પાદક રાજયોમાં ૭પ ટકા મિલોમાં દાળની અછત અત્યારથી જ થઇ ગઇ છે. લોકડાઉનના કારણે સપ્લાય બંધ થઇ ગઇ છે. ટ્રાન્સપોર્ટ થતુ નથી.

બ્રિટાનીયા, આઇટીસી, પારલે અને પેપ્સીકો જેવી કંપનીઓ પણ આવી સમસ્યાનો સામનો કરે છે. જયારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી એફએમસીજી કંપનીઓ ફકત ર૦ થી ૩૦ ટકા માણસોથી કામ ચલાવે છે. કારણ કે મોટા ભાગના મજુરો વતનમાં ચાલ્યા ગયા છે.

કેટલાક રાજયોમાં ચીપ્સ અને તૈયાર પેકેટની અછત જોવા મળી રહી છે. પ.બંગાળમાં પેપ્સીકોના પ્લાન્ટ બંધ છે. કંપની પાસે સ્ટોક ખાલી થવા લાગ્યો છે. જેથી પેકેજ ફુડ પેકેટ મળતા બંધ થશે.

બ્રિટાનીયાના વડા કહે છે કે અમે ક્ષમતાથી ર૦ થી ૩૦ ટકા જ સેવા આપી શકીએ છીએ. પારલે રપ ટકા સેવા આપવા સક્ષમ છે. મજુરોને કારણે ઉત્પાદન ધીમુ થઇ રહયું છે. પારલે બિસ્કીટનું કહેવું છે કે કોઇ વિતરક નિયમીત રીતે ખરીદી કરતો નથી.

(11:26 am IST)