Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકો ઘરમાં રહેએ માટે યુક્રેનની સરકારે સેંકડો કબર ખોદી કાઢી

યુક્રેનના નિપ્રો શહેરમાં કોરોના વાઇરસના હજી સુધી માત્ર ૧૩ કેસ નોંધાયા છે અને એમાં કોઈનું મૃત્યુ થયું નથી. જોકે લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું મહત્વ સમજે અને ઘરમાં જ રહે એ માટે લગભગ ૧૦ લાખની વસ્તી ધરાવતા નિપ્રોના મેયરે આત્યંતિક પગલું ભરતાં ફેસબુક પરની પોસ્ટમાં લખ્યું છે કે સ્થાનિક અધિકારીઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે અને કોરોના વાઇરસના રોગના ચેપથી અંદાજે મૃત્યુઆંકની ગણતરીએ અગાઉથી જ શહેરમાં લગભગ ૬૦૦ જેટલી કબર ખોદી રાખી છે. મેયરના પ્રવકતાએ પણ આ સમાચારનું સમર્થન કરતાં કહ્યું કે આ મહામારીની તૈયારીના ભાગરૂપે ૬૧૫ કબર તૈયાર કરવામાં આવી છે

તેમ જ ૨૦૦૦ જેટલી ડેડ બોડી બેગ પણ તૈયાર રાખવામાં આવી છે.  મેડિકલ સેકટરના કાર્યકરોને કોરોના વાઇરસના ઇન્ફેકશનથી મરનાર લોકોની ઓટોપ્સી કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે લોકોને ડરાવવા માટે આટલું પૂરતું ન હોય એમ મેયરે ફેસબુક પર તાજી ખોદેલી કબરના ફોટો પણ અપલોડ કર્યા છે. મેયરના આ પગલાનો લોકોએ મિશ્ર પતિસાદ આપ્યો છે. કેટલાક લોકોએ તેમના પર કોરોના વાઇરસના પ્રસારથી ડરેલા લોકોને વધુ ડરાવીને માનસિક રીતે નબળા પાડવાનો આક્ષેપ મૂકયો છે જયારે કેટલાકે લોકોની માનસિકતા સમજીને તેમને દ્યરમાં રહીને આ મહામારીનો સામનો કરવા તૈયાર કરવા યોગ્ય અભિગમ વાપરવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી. જોકે પોતાના જ વલણ વિશે મેયર અસ્પષ્ટ હોય એવું લાગે છે, કેમ કે તેમનું કહેવું છે કે આ કબર માત્ર ભય પ્રસરાવવા માટે નથી, પરંતુ જો રોગચાળો ફેલાશે તો શકય છે કે અમને કબર અને બોડી-બેગની જરૂર પડી શકે.

(10:38 am IST)