Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મોદી સરકારનો મોટો નિર્ણયઃ જરૂરી સ્વાસ્થ્ય ઉપકરણો ઉપરથી કસ્ટમ ડયુટી અને હેલ્થ સેસ હટાવી દીધી

છૂટની સીમા ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશેઃ કંપનીઓ-ગ્રાહકોને રાહત

નવી દિલ્હી, તા. ૧૦ :. મોદી સરકારે કોરોના મહામારીને જોતા જરૂરી સ્વાસ્થ્ય ઉપકરણો સસ્તા કરવાનો માર્ગ મોકળો કર્યો છે. સરકારે તમામ ઉપકરણોની આયાત ઉપરની બેઝીક કસ્ટમ ડયુટી અને હેલ્થ સેસ હટાવી લીધી છે.

નાણા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વેન્ટીલેટર, ફેસ માસ્ક, સર્જીકલ માસ્ક, પીપીઈ કીટ, કોરોના ટેસ્ટીંગ કીટ અને આ બધાના મેન્યુફેકચરીંગ માટે ઉપયોગમાં આવતી આઈટમનો પર ટેકસ હટાવી લીધો છે.

આનાથી લોકોને રાહત મળશે અને આર્થિક બોજો ઓછો થશે. સરકાર કોરોના વાયરસને રોકવા હરસંભવ પ્રયાસ કરી રહી છે. સરકાર ઈચ્છે છે કે બધી વસ્તુઓની ઉપલબ્ધતા યોગ્ય પ્રમાણમા રહે કે જેથી વાયરસને રોકી શકાય.

આ સિવાય સરકારે કહ્યુ છે કે આ ઉપકરણો બનાવવામાં ઉપયોગમાં આવતી ચીજો પર કસ્ટમ ડયુટી અને હેલ્થ સેસ નહિ લાગે. આ વસ્તુઓ પર આ છુટ ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

દેશમાં કોઈ કંપની વેન્ટીલેટર બનાવે છે કે કોઈ માસ્ક બનાવે છે. સરકારના આ પગલાથી આ કંપનીઓને પણ રાહત મળશે.

(10:33 am IST)