Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ચિંતાજનક ખુલાસોઃ માત્ર ૬ ટકા દર્દીઓમાં જ દેખાય છે કોરોનાના લક્ષણોઃ ૯૪ ટકા મામલાઓની હજુ ઓળખ નથી

ભારતમાં અત્યાર સુધીમાં માત્ર ૧.૬૮ ટકા દર્દીઓની ઓળખ થઈ છે

નવી દિલ્હી, તા. ૧૦ :. વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૫ લાખની પાર થઈ ગઈ છે, પરંતુ નવો અભ્યાસ એવો સંકેત આપે છે કે અત્યાર સુધી ફકત ૬ ટકા જ દર્દીઓની ઓળખ થઈ છે અને ૯૪ ટકા દર્દીઓ ચિકિત્સા તંત્રથી દૂર છે. ભારતના સંદર્ભમાં આ અભ્યાસના તારણો વધુ ચિંતાજનક છે કારણ કે દેશમાં અત્યાર સુધીમા માત્ર ૧.૬૮ ટકા દર્દીઓની જ ઓળખ થવાની વાત તેમા જણાવવામાં આવી છે.

આ અભ્યાસ જર્મનીના ઈકોનોમિકસ વિભાગે કર્યો છે. જેમાં કોરોનાથી પ્રભાવિત ૪૦ દેશોમાં દર્દીઓના આંકડાના આધારે ૩૧ માર્ચ સુધીની સ્થિતિ અનુસાર વિશ્વમાં સંભવિત દર્દીઓનું વિશ્લેષણ થયુ છે. અભ્યાસ અનુસાર એક માત્ર દ. કોરીયા છે જે ૪૯.૪૭ ટકા દર્દીઓની ઓળખ કરવામાં સફળ રહ્યુ છે. આના કારણે અહીં બિમારીને કાબુમાં લઈ શકાય છે.

સંશોધન અનુસાર ૩૧ માર્ચ સુધી ભારતમા કુલ દર્દીઓની સંખ્યા ૧૩૯૭ હતી જ્યારે આ ગાળા સુધીમાં દેશમાં અનુમાનિત દર્દીઓની સંખ્યા ૮૩૨૫૦ પહોંચી ચુકી હતી, પરંતુ તપાસ સીમીત હોવાથી માત્ર ૧.૬૮ ટકા જ દર્દીઓની ઓળખ થઈ ચૂકી છે.

ઈટાલીમાં મૃત્યુદર ઉંચો છે પરંતુ ત્યાં ૩.૫ ટકા દર્દીઓની ઓળખ થઈ શકી છે. સ્પેનમાં ૧.૧૭, અમેરિકામાં ૧.૬, ફ્રાન્સમાં ૨.૬૨, ઈરાનમાં ૨.૪૦ અને બ્રિટનમાં ૧.૨ ટકા દર્દીઓની તપાસ થઈ છે. અભ્યાસમાં દાવો થયો છે કે આ દેશોમાં સમયસર દર્દીઓની ઓળખ થઈ જાત તો મૃત્યુદર ઓછો રહેત.

ભારતમાં પહેલા સંક્રમિત દેશોથી આવેલા લોકો અને તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થઈ રહી છે. લોકડાઉન જરૂરી છે પરંતુ સંક્રમિત થઈ ચૂકેલ દર્દીઓની ઓળખ સુનિશ્ચિત કરવી પડશે.(૨-૩)

(10:33 am IST)