Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો વધ્યો

ઈન્ડીયન કાઉન્સીલ ફોર મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર)નો ચોંકાવનારો ખુલાસોઃ એવા દર્દીઓ મળ્યા જેમણે કદી વિદેશ યાત્રા નથી કરી કે ન તો તેઓનો સંબંધ કોઈપણ વિદેશી યાત્રી સાથે રહ્યો છેઃ ૧૫ રાજ્યોના ૩૬ જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણ જોવા મળ્યા જેમની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નહોતીઃ જ્યાં વધુ દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યાં વધુ સતર્ક રહેવાની જરૂરઃ અગાઉ આ સંસ્થાએ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય નથી તેવો રીપોર્ટ આપ્યો હતો

નવી દિલ્હી, તા. ૧૦ :. ચીનથી વિશ્વભરમા ફેલાયેલા કોરોના વાયરસે અત્યાર સુધીમાં ૨૩૨ લોકોના જીવ લીધા છે અને દર્દીઓની સંખ્યા ૬૪૦૦થી ઉપર થઈ ગઈ છે. આ દરમિયાન ઈન્ડીયન કાઉન્સીલ પર મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર)એ દેશને ભયાનક ખતરાના સંકેતો આપ્યા છે. હાલના કેટલાક સપ્તાહોમાં આ સંસ્થા તરફથી દેશભરના અલગ અલગ જિલ્લાઓમાંથી લેવામા આવેલા કોરોના વાયરસના દર્દીઓના નમૂના અને તેઓની કેસ હીસ્ટ્રીની જે માહિતીમાં આંકડા સામે આવ્યા છે તેનાથી દેશમાં કોમ્યુનીટી ટ્રાન્સમિશનનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. આ સંસ્થાએ થોડા દિવસ પહેલા જ કહ્યુ હતુ કે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો નહિ બરાબર છે.

ઈન્ડીયન કાઉન્સીલ ફોર મેડીકલની ટીમે ૧૫ ફેબ્રુઆરી  અને ૨ એપ્રિલ વચ્ચે કોરોનાથી સંક્રમિત ૫૯૧૧ દર્દીઓની તપાસ કરી હતી. આમાથી ૧૦૪ દર્દીઓ કોરોના પોઝીટીવ જણાયા હતા. આ બધા દર્દીઓ ૨૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૫૨ જિલ્લાઓના હતા. તપાસમાં આ પોઝીટીવ દર્દીઓમાં ૪૦ દર્દીઓએ કદી વિદેશ યાત્રા નહોતી કરી અને ન તો તેઓનો સંબંધ કોઈ વિદેશી યાત્રીઓ સાથે રહ્યો હતો. ૧૫ રાજ્યોના ૩૬ જિલ્લાઓમાં આવા દર્દીઓમાં કોરોનાનુ સંક્રમણ જોવા મળ્યુ. જેમની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નહોતી.

ગુજરાતમાં ૭૯૨ ગંભીર રીતે બિમાર લોકોની તપાસ કરવામાં આવી. આમાથી ૧૩ કેસ પોઝીટીવ જણાયા. તામીલનાડુમાં ૫૭૭ દર્દીઓની તપાસ થઈ જેમાથી ૫ દર્દીઓમાં કોરોના સક્રીય હતો. મહારાષ્ટ્રમાં ૫૫૩ દર્દીઓમાંથી ૨૧ અને કેરળમાં ૫૦૨માંથી એક દર્દીમાં કોરોના પોઝીટીવ મળ્યો હતો.

આ રીપોર્ટમાં જણાવાયુ છે કે, જે જિલ્લાઓમા આ પ્રકારના દર્દીઓ વધુ જોવા મળ્યા છે ત્યાં વધુ સતર્ક રહેવાની જરૂર છે. કોરોનાના ખતરાને લઈને સંસ્થાએ જ્યારે ૧૪ માર્ચના રોજ પોતાનો રીપોર્ટ આપ્યો હતો ત્યારે કોમ્યુનીટી ટ્રાન્સમિશનના ખતરાને નકારી કાઢયો હતો પરંતુ હવે જે રીપોર્ટ સોંપાયો છે તેનાથી સારા સંકેત નથી મળતા.

કોમ્યુનીટી ટ્રાન્સમિશન શું છે ? તે સમજીએ તો આ ત્યારે છે જ્યારે વાયરસ સોસાયટીમાં ઘુસીને મોટી સંખ્યામાં લોકોને બિમાર કરવા લાગે. નબળી ઈમ્યુનીટીવાળા દર્દીઓના મોત થવા લાગે.

(10:02 am IST)