Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ચોકીદારે ચોરી કરાવી તે વાત સુપ્રીમ કોર્ટે સ્વીકારી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ અમેઠીમાંથી ઉમેદવારીપત્ર દાખલ કર્યું : પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાઢેરાની હાજરીમાં ઉમેદવારી કર્યા બાદ મોદી સરકાર પર પ્રહાર : ભવ્ય રોડ શો કરાયો

નવી દિલ્હી, તા. ૧૦ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંસદીય બેઠક અમેઠીમાંથી ઉમેદવારીપત્ર દાખલ કર્યા બાદ રાફેલના મામલામાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ વળતા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, હવે સુપ્રીમ કોર્ટે પણ કબૂલાત કરી લીધી છે કે, ડિલમાં ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ થઇ છે. વડાપ્રધાન મોદીને ફરીવાર ચર્ચાનો પડકાર ફેંક્યો હતો. રાહુલે કહ્યું હતું કે, ફરી એકવાર મોદી તેમની સાથે ૧૫ મિનિટ ચર્ચા કરે તો દેશ સમક્ષ આખ મિલાવી શકશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ હવે ચોકીદાર ચોર હોવાની વાત સ્વીકારી લીધી છે. રાફેલમાં બે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે જે પૈકી એક નરેન્દ્ર મોદી અને બીજા અનિલ અંબાણી છે. ચોકીદારે દેશના પૈસા અનિલ અંબાણીને આપી દીધા છે. ૧૫ મિનિટ માટે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલામાં ફેરચકાસણીનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ કહ્યું હતું કે, ૧૦૦થી વધુ ખોટી વાત કરવામાં આવ્યા બાદ પણ આખરે વાસ્તવિકતા સપાટી ઉપર આવી ગી છે. નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટથી આ વાત છુપાવી હતી કે, કઇરીતે રાફેલના દરેક ઘટક ઉપર વધારે પૈસા ચુકવવાનો નિર્ણય કર્યો હતો. વચેટિયા ન હોવા અને ખોટી બાબત હોવાને લઇને દસોને સજા આપવામાં આવશે જેવી જોગવાઇને દૂર કરવામાં આવી હતી. બીજી બાજુ રાહુલ ગાંધીએ આજે અમેઠીમાં પોતની ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી વાઢેરા, તેમના પતિ રોબર્ટ વાઢેરા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રહ્યા હતા. રાહુલ ગાંધીએ કેરળના વાયનાડ બાદ યુપીની અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. જુલુસમાં સોનિયા ગાંધીને બાદ કરતા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ કિલોમીટર સુધી રોડ શો યોજવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની સાથે ચૂંટણી રથ ઉપર પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાઢેરા અને તેમના બાળકો રહ્યા હતા. સોનિયા ગાંધી પણ ઉમેદવારીપત્ર ભરાયુ ત્યારે ઉપસ્થિત રહ્યા હતા. રોડ શોમાં લોકો ઉમટી પડ્યા હતા. રાહુલ ગાંધી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અમેઠીમાં ઉજવણી જેવું વાતાવરણ રહ્યું હતું. રોડ શો બાદ રાહુલ ગાંધીએ કલેક્ટર કચેરીમાં જઇને ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. અમેઠીમાં છઠ્ઠી મેના દિવસે મતદાન થશે. લોકસભા ચૂંટણીને લઇને જોરદાર તૈયારીઓ જારી છે. આવતીકાલે મતદાન થશે.

 

 

(7:26 pm IST)