Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ઉન્નાવ ગેંગરેપ કેસ : દબાણ વચ્ચે સીટની કરાયેલ રચના

ભાજપ ધારાસભ્યના ભાઈ અતુલની ધરપકડ : પીડિતાના પિતાની સાથે મારામારીનો અતુલ ઉપર આક્ષેપ પીડિતાના પિતાના પોસ્ટમોર્ટમમાં મારામારીને સમર્થન

લખનૌ, તા. ૧૦ : ઉન્નાવ ગેંગરેપ મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે ભારે દબાણ બાદ કેસની તપાસ માટે સીટની રચના કરી દીધી છે. પીડિતાએ આ મામલામાં સ્થાનિક ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત કેટલાક લોકો ઉપર ગેંગરેપનો આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ પીડિતાના પિતા સાથે મારામારીના આરોપમાં આજે ધારાસભ્યના ભાઈ અતુલ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું છે કે, આ મામલામાં જે કોઇપણ દોષિત હશે તેને છોડવામાં આવશે નહીં. દરમિયાનમાં ગેંગરેપ પીડિતાના પિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમની સાથે મારામારી થઇ હોવાના અહેવાલને સમર્થન મળ્યું છે. તેમના શરીર પર ઇજાના ૧૪ નિશાન મળી આવ્યા છે. એડીજી કાયદો અને વ્યવસ્થા આનંદકુમારે આજે કહ્યું હતું કે, પીડિતાએ પોતાની ફરિયાદમાં ધારાસભ્ય ઉપરાંત અન્ય કેટલાક લોકોના નામ લીધા છે. આ મામલામાં સીટની રચના કરવામાં આવી ચુકી છે. તેમણે ઉમેર્યું હતું કે, ૧૧મી જૂન ૨૦૧૭ના દિવસે નોંધવામાં આવેલી એફઆઈઆરમાં ધારાસભ્યનું નામ ન હતું પરંતુ ૨૨મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે ધારાસભ્યનું નામ સપાટી ઉપર આવ્યું હતું. આ મામલાની પણ તપાસ કરવામાં આવશે કે એફઆઈઆરના મામલામાં ઉન્નાવ પોલીસનો અહેવાલ યોગ્ય છે કે કેમ. આનંદ કુમારે એમ પણ કહ્યું છે કે, સીટની તપાસ લખનૌ ઝોનના એડીજીની દેખરેખ હેઠળ કરવામાં આવશે. આ મામલામાં જે પણ સામેલ છે અથવા તો જે લોકોના નામ એફઆઈઆરમાં છે તે તમામ લોકોની પુછપરછ કરવામાં આવશે. આ મામલામાં ધારાસભ્ય કુલદીપસિંહની પણ પુછપરછ કરવામાં આવશે. પીડિતાના પિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર કહેવામાં આવ્યું છે કે, શોક સેપ્ટીસીમિયાના કારણે તેમનું મોત થયું છે. પોલીસે પીડિતાના ઘાયલ પિતાને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા બાદ સારવાર હાથ ધરવામાં આવી હતી. મારામારીની ઘટના ગામમાં થઇ હતી. તેમનું મોતનું કારણ શોક સેપ્ટીસીમિયા દર્શાવવામાં આવ્યું છે. આનંદકુમારે એમ પણ કહ્યું છે કે, ધારાસભ્યના ભાઇ ઉપર મુકવામાં આવેલા આક્ષેપોમાં સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. આ મામલામાં કોઇને પણ ક્લીનચીટ આપવામાં આવી નથી. જે પણ દોષિત હશે તમામ સામે પગલા લેવામાં આવશે. ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહના ભાઈ અતુલ સિંહની આજે સવારે ઉન્નાવમાં ધરપકડ કરવામાં આવી હતી. અતુલ પર પીડિત યુવતીના પિતા સાતે મારામારી કરવાનો આક્ષેપ છે.

(7:34 pm IST)