Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

મોદીજી સામે નીતિશ કુમારનો અસંતોષ છલકયો

દરેક ધર્મની ઈજ્જત કરો તો જ દેશ આગળ ધપે, તનાવમાં વિકાસ શકય નથી : નરેન્‍દ્રભાઈ બિહારમાં: અનેક સોગાદો આપી, પણ નીતિશ ખુશ નથીઃ રાજકીય નવાજૂનીના ચિહ્‌નો

પટના, તા. ૧૦ :  વડાપ્રધાન મોદીજી આજે બિહાર પ્રવાસે છે. અનેક સોગાદો કેન્‍દ્ર તરફથી જાહેર થઈ છે, પરંતુ મુખ્‍યમંત્રી નીતિશ કુમાર સોગાદોથી ખુશ થયા હોય તેમ લાગતુ નથી. મોદીજીની ઉપસ્‍થિતિમાં નીતિશનું દર્દ છલકયુ હતું.

નીતિશે ભાષણમાં સ્‍પષ્‍ટ જણાવ્‍યુ હતુ કે, દરેક ધર્મોની ઈજ્જત કરવી જરૂરી છે. તનાવ-ધમાલની સ્‍થિતિમાં વિકાસ શકય નથી. દેશને શાંતિ-સદભાવની જરૂરત છે. સળગતા દેશમાં વિકાસ થઈ શકતો નથી. દરેક ધર્મના લોકોનું સન્‍માન કરવું જરૂરી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપરાંત ભાજપના અનેક મોટા નેતાઓ ઉપસ્‍થિત હતા. આ પ્રસંગે નીતિશના ભાષણના અનેક અર્થ નીકળી શકે છે. નીતિશે બિહારના ભાજપી નેતાઓને શાનમાં સમજાવવા પ્રયાસ કર્યો છે.બિહારમાં સતત કોમી તનાવ ફેલાયેલો છે. ભાજપ-જેડીયુ વચ્‍ચે સ્‍થિતિ પ્રસંશનીય નથી. કોંગ્રેસે નીતિશને ભાજપનો સાથ છોડવા અપીલ કરી છે. આ સંજોગોમાં નીતિશે વડાપ્રધાનની હાજરીમાં અસંતોષ વ્‍યકત કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

(3:34 pm IST)