Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

તો દેશભરમાં એક સાથે ચૂંટણી યોજીશું: ચૂંટણી પંચ

નવી દિલ્‍હી, તા.૧૦: દેશભરમાં લોકસભા, ધારાસભા અને અન્‍ય સ્‍થાનીક ચુંટણીઓ એક સાથે કરાવવાની તરફેણ કરતાં ચૂંટણી પંચે કોઈ મુશ્‍કેલી ન હોવાનું જણાવેલ. ફકત નવી વ્‍યવસ્‍થા લાગુ થતા પહેલા બંધારણ અને કાયદામાં જરૂરી સંશોધન થઈ જાય અને ઇલેકટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ) અને અન્‍ય સંસાધનોની પુરતી વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ થાય તેમ જણાવેલ.

મુખ્‍ય ચૂંટણી કમીશ્નર રાવતે ઈન્‍દોર પ્રેસ કલબના સ્‍થાપના દિવસ સમારોહમાં જણાવેલ કે સરકાર લોકસભા, વિધાનસભા અને અન્‍ય સ્‍થાનીક સ્‍વરાજની ચૂંટણી એક સાથે કરાવવા માટે ૨૦૧૫માં ચૂંટણી પંચનું મંતવ્‍ય માંગ્‍યું હતુ. ચૂંટણી પંચે ત્‍યારે જ વિસ્‍તૃત જવાબ આપી દીધો હતો કે એક સાથે ચૂંટણી કરાવવા બંધારણ સંબંધીત અનુચ્‍છેદો સાથે લોક પ્રતિનિધીત્‍વ અધીનિયમ ૧૯૫૦ અને ૧૯૫૧ સંબંધીત કલમમાં સંશોધન કરવું પડશે.

રાવતે વધુમાં જણાવેલ કે આ સંશોધનો બાદ જયારે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે કાયદાકીય સ્‍તર તૈયાર થઈ જાય, તો અમારે પુરતી સંખ્‍યામાં ઈવીએમ અને અન્‍ય સંસાધનોની જરૂરત પણ પડશે. જો આ બધી જરૂરીયાતો પુરી થઈ જાય તો એક સાથે ચૂંટણી કરાવવામાં ચૂંટણી પંચને કોઈને મુશ્‍કેલી નથી.

હાલ દેશમાં ૧૦ લાખ મતદાન કેન્‍દ્રોમાં ઈવીએમની જરૂર પડે છે. જો લોકસભા, ધારાસભા અને અન્‍ય ચૂંટણી એક સાથે કરાવાશે તો દેખીતી રીતે ઈવીએમની સંખ્‍યા વધી જાય. જયાં સુધી અલગ- અલગ ચૂંટણી એક સાથે કરાવવાની નવી વ્‍યવસ્‍થા લાગુ કરવાના ગુણ- દોષનો સવાલ છે, તો આ વિષયમાં રાજકીય પક્ષોધારાસભ્‍યો, સાંસદો, નાગરીકો અને સમાજે મળીને મંથન કરવું પડશે.

દુનિયાના ઘણા દેશોમાં અલગ- અલગ ચૂંટણીઓ એક સાથે કરાવાય છે અને રાજકીય પક્ષો ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ તમામ કડવાશ ભુલીને પોતાના દેશના વિકાસમાં લાગી જાય છે. રાવતે ઈવીએમ સાથે જોડાયેલ શંકાઓ ઉપર પૂર્ણવિરામ મુકતા જણાવેલ કે ઈવીએમ સાથે વીવીપૈટ મીશન લગાવવાનો સીલસીલો શરૂ કરવાથી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા અને વિશ્વસનિયતા વધી છે.

(1:08 pm IST)