Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ખેડૂતોની કેંદ્રમાં સત્તા પલટો નહીં માત્ર કૃષિ કાયદા પરત લેવાની જ માગ છે: રાકેશ ટિકૈત

ભાજપે ક્યારેય કોઈ પણ આંદોલન કર્યું નથી, માત્ર લોકોની ભાવનાઓ ભડકાવીને વોટ મેળવીને દેશની ગાદીએ બેસી ગયા છે

નવી દિલ્હી : એક તરફ વડાપ્રધાન ખેડૂતોને આંદોલન બંધ કરવા અપીલ કરે છે ત્યારે ખેડૂત નેતાઓ વધુ આક્રમક બનતા જણાય છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આજે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પક્ષ પર સીધો અને આકરો પ્રહાર કર્યો હતો. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ભાજપે ક્યારેય કોઈ પણ આંદોલન કર્યું નથી અને માત્ર લોકોની ભાવનાઓ ભડકાવીને વોટ મેળવીને દેશની ગાદીએ બેસી ગયા છે. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકાર ખેડૂતોને ચક્રવ્યૂહમાં ફસાવવાની કોશિશ કરી રહી છે. આ પ્રકારની રાજનીતિ સરકારે ખેડૂતો સાથે ન કરવી જોઈએ. સરકાર આ મુદ્દાનો નિકાલ કરવા નથી માંગતી અને તેથી તે તેને ભટકાવવા માંગે છે. સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચે અને એમએસપી પર કાયદો બનાવે અમારા માટે એટલું જ પુરતુ છે. અમે કેંદ્રમા રહેલી સરકારને બદલવા ઇચ્છતા નથી.

ભાજપ પર નિશાન સાધતાં ટિકૈતે કહ્યું કે જ્યારે અડવાણી અને જોશી અયોધ્યામાં હતા ત્યારે ભીડને કેમ નિયંત્રિત ન કરી શક્યા? કોઈ પણ બેરીકેડ ભીડને નથી રોકી શકતા, પીએમ મોદીએ અમને આંદોલનજીવી કહીને સારું કર્યું છે, ગાંધીજી અને ભગતસિંહ પણ આંદોલનજીવી હતા, પબ્લિકમાં તો મેસેજ ગયો કે જે આંદોલન કરશે તે આંદોલનજીવી છે. ટિકૈતે વધુમાં કહ્યું હતું કે જે લોકોએ ઉત્પાત મચાવ્યો હતો તે આજે જેલના સળિયા પાછળ છે, અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે એમએસપી પર કાયદો બની જાય, કૃષિ કાયદા પરત ખેંચવામાં આવે, અને ખેડૂતો પર નોંધવામાં આવેલા કેસ રદ્દ કરવામાં આવે.

(11:14 pm IST)