Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

નવમા ધોરણમાં પુત્રી નાપાસ થતાં પિતાએ ફી રિફંડ માગી

ક્લાસે પાસ કરાવવાની ગેરંટી આપી હતી : બેંગલુરુના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન સમક્ષ ફરિયાદ કરીને ફીના પૈસા પરત માગ્યા

બેંગલુરુ, તા. ૧૦ : દીકરી નવમા ધોરણમાં નાપાસ થતાં તેના પિતાએ પાસ થવાની ગેરંટી આપી તગડી ફી લેનારા કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ સામે કેસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પિતાએ ગ્રાહક સુરક્ષામાં ટ્યૂશન ક્લાસીસ સામે ફરિયાદ કરીને તેમણે ભરેલી ફીનું રિફંડ માગ્યું હતું.

બેંગલુરુના મગાદી રોડ પર રહેતા ત્રિલોકચંદ ગુપ્તાએ આઈસીએસઈ બોર્ડમાં ભણતી તેમની દીકરીનું રાજાજીનગરમાં આવેલી આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં ૨૦૧૯માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી જેવા વિષયોનું ટ્યૂશન રખાવ્યું હતું. પાંચ મહિના ક્લાસીસમાં ભણ્યા બાદ પણ દીકરી નાપાસ થતાં તેના પિતાએ ત્યાંના શિક્ષકો બરાબર ધ્યાન આપી ભણાવતા ના હોવાનો તેમજ ક્લાસીસ રેગ્યુલર ના લેવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આખરે ૩ માર્ચ ૨૦૨૦માં તેમણે બેંગલુરુના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન સમક્ષ ફરિયાદ કરીને તેમણે ક્લાસીસને ફી પેટે ચૂકવેલા ૬૯,૪૦૮ રુપિયા પરત આપવામાં આવે તેવી માગ કરી હતી.

ફરિયાદી કોર્ટમાં કોઈ વકીલ રોક્યા વિના જાતે જ પોતાનો કેસ લડ્યા હતા. જ્યારે ક્લાસીસ તરફે હાજર રહેલા વકીલે દાવો કર્યો હતો કે આ કેસ ગ્રાહકને લગતો છે જ નહીં. તેમની સંસ્થા તો માત્ર ભણાવવાનું જ કામ કરે છે.

આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દસ મહીને કોર્ટે જણાવ્યું હતું કે, છોકરીના પિતા તેને ઓગષ્ટ ૨૦૧૯માં જ ત્યાંથી ઉઠાવી લેવા માગતા હતા, પરંતુ ક્લાસીસના પ્રતિનિધિએ તેમને તેમ ના કરવા માટે મનાવી લીધા હતા, અને તેમની પાસેથી બીજી ફી પણ લઈ લીધી હતી. વળી, છોકરી પણ આ ક્લાસીસમાં ભણવા નહોતી માગતી, પરંતુ તેને પણ ખોટા વચનો આપી જવા નહોતી દેવાઈ.

આખરે ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કોર્ટે ક્લાસીસના એમડી અને તેની રાજાજીનગર બ્રાંચના હેડને છોકરીને જેટલો સમય જબરજસ્તી ક્લાસીસમાં ચાલુ રખાઈ તેની ૨૬,૨૫૦ની ફી પરત આપવા માટે આદેશ કર્યો હતો, અને તે સિવાય કાયદાકીય ખર્ચ પેટે પણ ફરિયાદીને ૫ હજાર રુપિયા ચૂકવવા જણાવ્યું હતું.

(9:03 pm IST)