Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કાસગંજ કાંડનો એક આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

ઉત્તર પ્રદેશના કાસગંજમાં પોલીસની હત્યા કેસ : મુખ્ય આરોપી ફરાર : પોલીસ-ગુંડાઓની વચ્ચે સિઢપુરા પોલીસ સ્ટેશનની હદમાં કાળી નદીના કાંઠે અથડામણ થઈ

લખનઉ, તા. ૧૦ : ઉત્તર પ્રદેશના કાસગંજમાં મંગળવારે મોડી રાતે પોલીસે હત્યાકંડના એક આરોપીને પોલીસે બુધવારે એક્નાઉન્ટરમાં ઠાર કરી દીધો છે. મુખ્ય આરોપી મોતી ધીમર હજુ પણ ફરાર છે. મૃતકની ઓળખ મોતી ધીમરના ભાઈ એલકાર તરીકે થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ અને ગુંડાઓ વચ્ચે સિઢપુરા પોલીસ સ્ટેશનની હદમાં કાળી નદીના કાંઠે અથડામણ થઈ હતી. પોલીસ અને દારૂની તસ્કરી કરતા તત્વો વચ્ચે ફાયરિંગ થયું હતું.

મંગળવારે મોડી રાત્રે કાસગંજના નગલા ધીમર ગામે સીપાહી દેવેન્દ્ર અને કોન્સ્ટેબલ અશોક આરોપી મોતી ધીમરના નામે વોરન્ટની બજવણી કરવા ગયા હતા, પરંતુ બદમાશોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. ગુંડાઓએ સીપાહીની હત્યા કરી દીધી અને કોન્સ્ટેબલને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને ખેતરમાં ફેંકી દીધા હતા.

બુધવારે સવારે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે કાસગંજમાં ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને પગલે ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સરકારે મૃતક સીપાહીના પરિવારજનોને રૂ. ૫૦ લાખનું વળતર આપવા તેમજ એક વ્યક્તિને નોકરી આપવાની જાહેરાત કરી છે.

(7:27 pm IST)