Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

જળ જીવન મિશન હેઠળ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી મળતું ફંડ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં બમણું થયું : પરિમલ નથવાણી

નવીદિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા જળ જીવન મિશન (જે.જે.એમ.) હેઠળ ગુજરાતને આપવામાં આવેલું ફંડ અગાઉના વર્ષની સરખામણીએ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં બમણું થયું છે. જળ જીવન મિશન હેઠળ, કેન્દ્ર સરકારે ગુજરાતને ના.વ.૨૦૧૯-૨૦માં રૂ. ૩૯૦.૩૧ કરોડ ફાળવ્યા હતા, જેની સામે ના.વ.૨૦૨૦-૨૧માં રૂ. ૮૮૩.૦૮ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ માહિતી કેન્દ્રિય જળ શકિત રાજ્ય મંત્રી શ્રી રતનલાલ કટારીયાએ રાજ્ય સભામાં ફેબ્રુઆરી ૮, ૨૦૨૧ના રોજ સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પુછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી. શ્રી કટારીયાના નિવેદન અનુસાર, જળ જીવન મિશનની જાહેરાત ઓગષ્ટ ૧૫, ૨૦૧૯ના રોજ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં ૩.૩૬ કરોડ ગ્રામીણ ઘરોને નળ દ્વારા પાણીના જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, ગુજરાતમાં ૧૧.૧૨ લાખ ઘરોને નળ દ્વારા પાણીના જોડાણ પૂરા પાડવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ના.વ. ૨૦૧૯-૨૦માં ફાળવવામાં આવેલા રૂ. ૩૯૦.૩૧ કરોડ રાજ્યને ચૂકવી દેવામાં આવ્યા હતા, જ્યારે ના.વ. ૨૦૨૦-૨૧માં ફાળવવામાં આવેલા રૂ. ૮૮૩.૦૮ કરોડમાંથી રૂ. ૬૬૨.૭૬ કરોડની ચૂકવણી ફેબ્રુઆરી ૪, ૨૦૨૧ની સ્થિતિએ કરવામાં આવી છે.

શ્રી નથવાણી જળ જીવન મિશન અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં કેટલાં ઘરોને નળ દ્વારા પાણીનું જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કેટલા ઘરોને પાણીનું જોડાણ આ યોજના અંતર્ગત આપવામાં આવ્યું છે તે અંગે જાણવા ઇચ્છતા હતા.

જળ જીવન મિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમમાંથી ગુજરાત દ્વારા ના.વ. ૨૦૧૯-૨૦માં રૂ. ૩૮૪.૬૧ કરોડ અને ના.વ. ૨૦૨૦-૨૧માં ફેબ્રુઆરી ૪, ૨૦૨૧ની સ્થિતિએ રૂ. ૩૮૭.૬૬ કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(11:36 am IST)