Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

૧૯૦૦ મીટર લાંબી ટનલ : ૧૩૦ મીટર સુધી જ પહોંચાયુ

ફસાયેલ ૩૫ જિંદગી બચી હોવાની શકયતા ઓછી : બચાવ ટુકડીની ભારે જહેમત : ટનલમાં ભારે માત્રામાં કાદવ - પથ્થરોનો ભરાવો : ૧૪ કિ.મી. વિસ્તારમાં ૬ઠ્ઠી તારીખે બરફ છવાયેલો હતો અને ૭મીની સેટેલાઇટ તસ્વીરમાં આ વિસ્તાર આખો ખુલ્લો દેખાય છે : અહીંથી બરફ પોતાની સાથે પથ્થરો લઇ ઋષિગંગા નદીમાં ખાબકેલ

(ઉત્તરાખંડ) તપોવન તા. ૧૦ : આ દેવભૂમિમાં જળપ્રલયે ભયાનક ખાનાખરાબી સર્જી છે ત્યારે ગઇ રાત સુધીમાં તપોવનની ૧૯૦૦ મીટર (૨ કિ.મી.) લાંબી સુરંગમાં આઇટીબીપીના - અર્ધલશ્કરી દળોના જવાનો ૧૩૦ મીટર સુધી જ જઇ શકયા છે. સુરંગમાં પાણી, કાદવ, પથ્થરો ચારેકોર પથરાયેલા પડયા છે. અહીં ૩૫ મજૂરો ફસાયેલા છે તેમને બચાવવા મહાઅભિયાન ચાલુ છે.

પાણી અને કાદવથી ભરચક્ક આ ટનલમાં ૧-૧ મીટર આગળ વધવું એ ખૂબ જ કપરૃં - કઠીન કામ છે પરંતુ અંદર ફસાયેલ ૩૫ લોકોના જીવ બચાવવા માટે બચાવ દળ ભારે જોમ સાથે કામ કરી રહેલ છે.

લશ્કરની એન્જીનીયરીંગ કોર ૨ જેસીબી મશીન સાથે સતત આ કાદવ - પથ્થરો ઉલેચી રહી છે. ગઇરાત સુધીમાં ૩૧ મૃતદેહ મળી આવેલ હતા.

૧૭૦થી વધુ લોકો લાપત્તા છે તેની શોધખોળ માટે લશ્કરી, આઇટીબીપી, એનડીઆરએફ સહિતની એજન્સીઓ કામે લાગી છે.

ઉત્તરાખંડમાં લાપત્તા બનેલામાંથી ૭૦ લોકો યુ.પી.ના છે. જેમાંથી ૩૪ તો લખીમપુર ખીરી ગામના છે.

સમુદ્રથી ૫૬૦૦ મીટર ઉપર હિમનદના મુખ ઉપર હિમસ્ખલન થયું. આ હિમસ્ખલન ૧૪ ચો.કી.મી. જેટલો મોટો હતો. તેને કારણે ઋષિગંગા નદીના નિચાણ ક્ષેત્રોમાં અચાનકપૂર સર્જાયેલ.

સૌથી અસરગ્રસ્ત રેણી ગામમાં ૨૦૦ લશ્કરી જવાનો કાર્યરત છે અને ૪૦૦ સ્ટેન્ડ બાય છે. જોશીમઠમાં કંટ્રોલરૂમ ઉભો કરાયો છે. આઇટીબીપી (ઇન્ડો - તીબેટ બોર્ડર ફોર્સ)ના ૪૫૦ જવાનો કામે લાગ્યા છે, તેમણે પણ કંટ્રોલરૂમ ઉભો કર્યો છે.

રીમોટ સેન્સીંગ તસ્વીરો ઉપરથી દર્શાય છે કે, ૬ ફેબ્રુઆરી સુધી આ વિસ્તારમાં તાજી નર્મ રૂ જેવી બરફવર્ષા થયેલ. જે પહાડો ઉપર પથરાયેલ દર્શાતી હતી. પરંતુ છઠ્ઠી ફેબ્રુઆરીએ સેટેલાઇટ તસ્વીરોમાં લગભગ ૧૪ કિ.મી.નો વિસ્તાર સંપૂર્ણ બરફ વિનાનો નજરે પડે છે. અહીંથી બરફ તેની સાથે માટી, પથ્થર લઇ ઋષિગંગા નદીના ડાઉન સ્ટ્રીમમાં આવેલ. કેલગરી યુનિ.ના ડો. ડૈન સુગરે તસ્વીરો દ્વારા બતાવ્યું છે કે, અલકનંદા અને ધૌલીગંગા (ઋષિગંગા) નદીમાં આવેલ પૂરનું કારણ ભૂસ્ખલ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પૂર ગ્લેસીયર સરોવર ફાટવાથી આવ્યું કે, ભૂસ્ખલન અને હિમસ્ખલનને કારણે આ ઘટના સર્જાયેલ.

(10:22 am IST)
  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST