Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કોરોનાથી ખતરનાક રોડ એકસીડન્ટ : રોજના ૪૧૫ મોત

વર્ષે સવા લાખના જીવનદીપ ઓલવાય છે : ૩ાા લાખને ઇજા : ૭૮% સાયકલ - સ્કૂટર અને પગે ચાલીને જનારાના મૃત્યુ : ગડકરી : તામિલનાડુના ભરપેટ વખાણ કર્યા : તમામ રાજ્યોને તેનું મોડલ અપનાવવા કહ્યું

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સડક દુર્ઘટનાઓની તુલના કોવિડ મહામારી સાથે કરતા કહ્યું હતું કે, દેશમાં રોડ એકસીડન્ટ એ કોરોનાથી પણ મોટી સમસ્યા છે. રોજ માર્ગ અકસ્માતોમાં દેશમાં સરેરાશ ૪૧૫ના મોત થયા છે, જે દુનિયામાં સૌથી વધુ છે. આ અકસ્માતોથી જીડીપીમાં ૩.૧૪% નુકસાન ઉઠાવવું પડે છે.

અકસ્માતો ઘટાડવા માટે ૪૦ હજાર કિ.મી.થી વધુ હાઇવેને 'રાજમાર્ગ સુરક્ષા ઓડિટ' નીચે લાવવામાં આવેલ છે.

ભારતમાં સૌથી વધુ મૃત્યુ સડક દુર્ઘટનામાં થાય છે. વર્ષે દહાડે લગભગ દોઢ લાખ લોકો જીવ ગુમાવે છે. ૩.૫ લાખ લોકો ઘાયલ થાય છે. ૭૦ ટકા મૃત્યુ ૧૮ થી ૪૫ વર્ષ વચ્ચેના નોકરીયાત 'આયુષ્ય વર્ગ'માં જોવા મળ્યા છે.

તેમણે કહ્યું કે, કોવિડ મહામારીની તુલનામાં માર્ગ અકસ્માતો ખૂબ ગંભીર બાબત છે. વર્ષોવર્ષ સ્થિતિ ખરાબ થતી જાય છે. કમભાગ્યે માર્ગ અકસ્માતોમાં દુનિયામાં આપણે અમેરિકા અને ચીનથી પણ આગળ છીએ. વાહન વ્યવહાર પ્રધાન હોવાના નાતે હું આ સમજું છે અને ખૂબ ગંભીર છું.

તેઓ આર.આર.એફ. સંસ્થાના ઇન્ડિયા ચેપ્ટર દ્વારા આયોજીત છે. વેબીનાર સમારોહમાં બોલી રહ્યા હતા.

તેમણે તામિલનાડુ સરકારના (અહીં ભાજપ અને સત્તાધારી એઆઇએડીએમકે પક્ષ સાથે મળી આગામી ચૂંટણી લડવાના છે) ભરપેટ વખાણ કર્યા હતા અને કહેલ કે, બીજા રાજ્યો માર્ગ અકસ્માતોમાં ખૂબ ખરાબ સ્થિતિમાં છે ત્યારે તામિલનાડુ સરકાર અકસ્માતોમાં ૩૮ ટકા અને મૃત્યુમાં ૫૪ ટકા ઘટાડો લાવી શકી છે.

શ્રી નિતીન ગડકરીએ તમામ રાજ્યોને તામિલનાડુ મોડેલ અપનાવવા આગ્રહ કરેલ છે.

તેમણે કહેલ કે, ભારતમાં ૭૮% સડક દુર્ઘટનામાં બે પૈડાના વાહન સવાર, સાયકલ સવાર અને પગે ચાલીને જનારાના મોત થાય છે. તેમણે ૨૦૨૫ સુધીમાં આવા અકસ્માતોમાં થતાં મૃત્યુનો દર ૫૦% સુધી ઘટાડવાનો ભરોસો આપેલ.

(10:21 am IST)