Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

મહાપંચાયતમાં રાકેશ ટિકૈતની હુંકાર : કહ્યું- 4 લાખ નહીં,હવે 40 લાખ ટ્રેક્ટરની રેલી નિકળશે : આંદોલન દેશભરમાં ફેલાશે

આંદોલન તો શહીદ ભગતસિંહે, લાલકૃષ્ણ અડવાણીએ પણ આંદોલન કર્યું છે, પરંતુ વડાપ્રધાન મોદીએ ક્યારેય કોઈ આંદોલન નથી કર્યું

કુરુક્ષેત્રના પીહોવા ખાતે મંગળવારે બોલાવેલ ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતોને સંબોધન કરતા ભારતીય ખેડૂત સંઘ (બીકેયુ)ના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે હવે આંદોલન આગળ વધશે અને તે દેશભરમાં ફેલાશે. તેમાં એમ પણ કહ્યું હતું કે 4 લાખને બદલે હવે 40 લાખ ટ્રેકટરોની રેલી નીકળશે.

એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં રાકેશ ટિકૈતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવેદન પર નિશાન સાધ્યું હતું કે તેમણે જીવનમાં ક્યારેય આંદોલન કર્યું નથી, પરંતુ તેમણે દેશને તોડવાનું કામ કર્યું છે. તેમને આંદોલન કરનારાઓ આંદોલનજીવી વિશે ખબર નથી. તેમણે જણાવ્યું કે આંદોલન તો શહીદ ભગતસિંહે કર્યું હતું. લાલકૃષ્ણ અડવાણીએ પણ આંદોલન કર્યું છે, પરંતુ વડાપ્રધાન મોદીએ ક્યારેય કોઈ આંદોલન નથી કર્યું

ખેડૂત આંદોલન અંગે ખેડૂત આગેવાન રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે 2 ઓક્ટોબર સુધી ખેડૂત આંદોલન ચાલુ રહેશે, પરંતુ તે પછી પણ આંદોલન અટકશે નહીં. આંદોલનનું સ્તર હવે દેશવ્યાપી રહેશે.

જ્યારે રાકેશ ટિકૈટને પૂછવામાં આવ્યું કે તે હરિયાણામાં સતત ખેડૂત પંચાયત શા માટે કરે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, શું હરિયાણામાં પંચાયત કરવા પર પ્રતિબંધ છે?

અગાઉ વડાપ્રધાન મોદીએ ખેડૂતોને પોતાનું આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી હતી. તેના પર રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે ભૂખ પર કોઈ વેપાર ન થવો જોઈએ. આવું કરનારાઓને બહાર ફેંકી દેવામાં આવશે. જો તેઓ વાત કરવા માંગતા હોય, તો અમે તૈયાર છીએ. પણ અમારો પંચ પણ એ જ છે અને મંચ પણ એ જ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ કાયદાઓને પરત લઇને એમએસપી પર કાયદો બનાવવો જોઇએ.

આ દરમિયાન કૃષિ કાયદાના વિરોધમાં કાલે ઉત્તરપ્રદેશના બુલંદશેરમાં પણ મહાપંચાયત બોલાવવામાં આવી છે. રાષ્ટ્રીય લોક દળના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી આ ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરશે

(12:00 am IST)