Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

અર્થવ્યવ્સથાનું નેતૃત્વ અનાડી તબીબના હાથમાં : પી ચિદમ્બરમ

રાજ્યસભામાં બજેટ પર જોરદાર ચર્ચા શરૂ થઇ : દેશમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ હોવાનું ફરીવખત ચિદમ્બરમ દ્વારા નિવેદન : બેરોજગારી આસમાને પહોંચી

નવીદિલ્હી, તા. ૧૦ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે આજે મોદી સરકાર ઉપર અર્થવ્યવસ્થાને ખરાબ કરી દેવાનો આક્ષેપ કર્યો હતો. ચિદમ્બરમે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થાનું નેતૃત્વ એક અનાડી ડોક્ટરના હાથમાં છે જેથી ડુબી જવાનો ખતરો રહેલો છે. તેમણે કહ્યું હતું કે, વધતી જતી બેરોજગારી અને વધતા જતા ઉપયોગના પરિણામ સ્વરુપે દેશ ગરીબીના સકંજામાં આવી રહ્યો છે. અર્થવ્યવસ્થાની હાલત ખરાબ થઇ રહી છે. રાજ્યસભામાં ૨૦૨૦-૨૧ના સામાન્ય બજેટ ઉપર ચર્ચાની રૂઆત કરતા ચિદમ્બરમે કહ્યું હતું કે, વધતી બેરોજગારી અને ઘટતા જતાં ઉપયોગને લઇને સ્થિતિ સર્જાઈ છે. અર્થવ્યવસ્થાની સમક્ષ માંગની કમી થયેલી છે. રોકાણ આના માટે રાહ જુએ છે.

         અર્થવ્યવસ્થાની ગબડી રહેલી માંગ અને બેરોજગારીની સમસ્યા મુખ્યરીતે રહેલી છે. હાલના સમયમાં દેશમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે. ચાર વર્ષ સુધી ભાજપ સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર રહી ચુકેલા અરવિંદ સુબ્રમણ્યમ કહી ચુક્યા છે કે, અર્થવ્યવસ્થા આઈસીયુમાં પહોંચી ચુકી છે પરંતુ તેઓ કહેવા માંગે છે કે, આઇસીયુમાંથી દર્દીને બહાર રાખવામાં આવી રહ્યા છે. કારણ કે અનાડી તબીબો સારવાર કરી રહ્યા છે. આસપાસના લોકો સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસના નારા લગાવી રહ્યા છેતે ખુબ ખતરનાક બાબત છે. તેમણે ઉમેર્યું હતું કે, મોદી સરકારે જે પણ અનુભવી સમક્ષ તબીબોની ઓળખ કરી હતી તે દેશ છોડીને જતા રહ્યા છે.

        આવા લોકોની યાદીમાં રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર  અરવિંદ સુબ્રમણ્યમ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયાનો સમાવેશ થાય છે. ચિદમ્બરમે પ્રશ્ન કર્યો હતો કે, તબીબો અને સારવાર આપનાર કોણ છે. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારે સાવચેતીપૂર્વક પગલા લીધા નથી. સરકાર કોંગ્રેસને અસ્પૃશ્ય માને છે. બીજા વિપક્ષી દળોને પણ મહત્વ આપતી નથી. ચિદમ્બરમે આક્ષેપ કરતા કહ્યું હતું કે, સરકારે લોકોના હાથમાં પૈસા આપવાના બદલે કંપની કરવેરામાં ઘટાડા મારફતે ૨૦૦ કોર્પોરેટના હાથમાં પૈસા આપી દીધા છે.

        નાણામંત્રી નિર્મલા સીતારામને પોતાના ૧૬૦ મિનિટના બજેટ ભાષણમાં કોઇ અર્થવ્યવસ્થાની વાત કરી હતી. સાથે સાથે મેનેજમેન્ટની પણ વાત કરી હતી. પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે, કોઇને પણ અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધારવાના સંકેત દેખાઈ રહ્યા નથી. મોદી સરકારની સમક્ષ રહેલી સમસ્યાઓનો ઉલ્લેખ કરતા ચિદમ્બરમે કહ્યું હતું કે, સરકાર પોતાની ભુલોને સ્વિકારતી નથી. હંમેશા ઇન્કારના મૂડમાં રહે છે. પોતાની ઇચ્છા મુજબ કામ કરે છે. નોટબંધી અને જીએસટીને અમલી કરવાની મોટી ભુલ તરીકે ગણાવીને કહ્યું હતું કે, બે પગલાના કારણે અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

(7:50 pm IST)