Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સરકારના લેવા દેવા નથી જ : પ્રહલાદ જોશી

પ્રમોશનમાં રિઝર્વેશનને લઇ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંસદમાં હોબાળો : સંસદમાં મોદી સરકાર ઉપર કોંગીના તીવ્ર પ્રહારો : કાનૂન બનાવીને સમસ્યાનો ઉકેલ લાવવા જેડીયુ, એલજેપી, અપના દલની માંગણી : નવો વિવાદ છેડાયો

નવી દિલ્હી, તા. ૧૦ : સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમોશનમાં અનામતને લઇને આપવામાં આવેલા ચુકાદા બાદ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. પ્રમોશનમાં અનામત મુદ્દે સંસદમાં આજે સંગ્રામની સ્થિતિ જોવા મળી હતી. કોંગ્રેસે સરકારને અનામત વિરોધી ગણાવીને પ્રહારો કર્યા હતા જ્યારે સરકારના સાથી પક્ષો એલજેપી, જેડીયુ અને અપના દળે સરકારને આના ઉપર કાનૂન બનાવીને વિવાદનો અંત લાવવાની માંગ કરી છે. બીજી બાજુ સરકારે કહ્યું છે કે, તેને લઇને હજુ સુધી કોઇપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રમોશનમાં અનામતના મામલા પર સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગહેલોતે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે, કેસમાં કેન્દ્ર સરકારની કોઇપણ ભૂમિકા રહેલી નથી. વિષય ઉપર સરકાર હાલમાં ચર્ચા કરી રહી છે. પ્રમોશનમાં રિઝર્વેશન મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને ભારે ધાંધલ ધમાલ આજે થઇ હતી.

         કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું હતું કે, સરકાર અનામત આંચકી લેવા માટે ઇચ્છુક છે. લોકસભામાં કોંગ્રેસી નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે, ઉત્તરાખંડ સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં એવી દલીલો કરવામાં આવી હતી કે, એસસી અને એસટી પર જે સંરક્ષણ છે તેને દૂર કરી દેવામાં આવે તે રૂરી છે. સુપ્રીમ  કોર્ટના ચુકાદામાં બે બાબતો સ્પષ્ટપણે સપાટી ઉપર આવી છે. એસસી અને એસટીના વ્યક્તિઓની સરકારી હોદ્દા પર ભરતી મૂળભૂત અધિકાર નથી. બીજી બાબત છે કે, સરકારનું કોઇ બંધારણીય કર્તવ્ય નથી કે તે એસસી અને એસટીના વ્યક્તિઓની સરકારી હોદ્દા પર ભરતીમાં અનામતની કોઇ વ્યવસ્થા કરે. સ્વતંત્રતા બાદથી એસસી અને એસટીની સાથે ભેદભાવ થતા રહ્યા છે. સરકાર આજે તેમના અધિકારો આંચકી રહી છે.

          બીજી બાજુ સરકાર તરફથી હોબાળો થયો હતો ત્યારે ખુલાસો કરાયો હતો કે, નિર્ણય સરકારનો નથી પરંતુ સુપ્રીમ કોર્ટનો છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, ચુકાદાથી સરકારને કોઇ લેવા દેવા નથી. પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં ૨૦૧૨માં સરકાર કોની હતી તેનો પણ જવાબ આપવો જોઇએ. ૨૦૧૨માં કોંગ્રેસની સરકાર હતી જેથી તેઓ કહે છે કે, આમા ભારત સરકારની કોઇ ભૂમિકા નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અમે સહમત નથી તેવી વાત ચિરાગ પાસવાને કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકરની વચ્ચે પુનાપેક્ટનું પરિણામ છે કે, અનામત એક બંધારણીય અધિકાર છે. અનામત કોઇ ભેંટ નથી તે બંધારણીય અધિકાર છે.

(7:38 pm IST)