Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

એટીએસ દ્વારા ઝડપાયાયેલ મુનાફ અમરેલીનો વતની :ટાઇગર મેમણનો સાથીદાર મુનાફ પાકિસ્તાનના હાજી હસનના ઈશારે વિસ્ફોટકો ઘુસાડવાનો હતો

ગત મહિને ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ પાકિસ્તાનીઓની પૂછપરછમાં અમરેલી, માંડવી, ગાંધીધામની કડી, દેશના ગદ્દારો ડ્રગ્સ સાથે વિસ્ફોટકો ઘુસાડી દુશ્મનોને સાથ આપતા હતા

ભુજ : અમરેલીમાં જન્મેલો મુંબઇ બ્લાસ્ટનો આરોપી મુનાફ કચ્છમાં વિસ્ફોટકો ઘુસાડવાની ફિરાકમાં હતો. આ વાતનો ખુલાસો થયો છે કચ્છનાં દરિયામાંથી બીજી જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ઝડપાયેલા પાંચ પાકિસ્તાનીઓ પાસેથી. હેરોઇન સાથે ઝડપાયેલા પાંચ નાપાક તત્વોની પૂછપરછ દરમિયાન મુંબઇ બ્લાસ્ટના આરોપી મુનાફ હાલારી અંગે ગુજરાત એટીએસને કેટલીક ચોંકાવનારી માહિતી મળી હતી. જેને પગલે એટીએસના એસીપી કે.કે.પટેલની ટીમે રવિવારે મુંબઈથી દુબઇ જઈ રહેલા મુનાફને ફલાઇટ પકડે તે પહેલા જ દબોચી લીધો હતો. જાન્યુઆરી મહિનામાં કચ્છનાં જખૌ દરિયાઈ વિસ્તારમાં એટીએસ દ્વારા જે હેરોઇનનો જથ્થો પકડવામાં આવ્યો હતો તેનો સૂત્રધાર પણ મુનાફ હાલારી નામનો આ શખ્સ જ હતો.
   ગુજરાતનાં અમરેલીમાં જન્મેલા મુનાફે પાકિસ્તાનમાં રહેલા કરાંચીના હાજી હસન સાથે ટેલિફોન ઉપર વાતચીત કરીને કચ્છનાં દરિયાકાંઠાનો ઉપયોગ કરીને મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો મોકલવાનું પ્લાનિંગ કર્યું હતું. જેને ગુજરાત એટીએસ દ્વારા બીજી જાન્યુઆરીએ કોસ્ટગાર્ડ, એસઓજીનાં જોઈન્ટ ઓપરેશન થકી નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન બોટમાં ડ્રગ્સનાં જથ્થા સાથે પાંચ પાકિસ્તાની શખ્સ પણ ઝડપાઇ ગયા હતા. આ પાંચ નાપાક તત્વોની પૂછપરછ દરમિયાન મુનાફ દ્વારા માત્ર માદક પદાર્થ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં વિસ્ફોટકો-હથિયારોનું કંસાઈનમેન્ટ પણ કચ્છનાં દરિયા કાંઠેથી મોકલવાનું હોવાની વાતનો સ્ફોટક ખુલાસો થયો હતો. જેને પગલે ગુજરાત એટીએસ દ્વારા ગુજરાતમાં કચ્છ ઉપરાંતનાં વિવિધ સ્થળોએ સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું હતું. જેને પગલે મુનાફ મુંબઈથી દુબઇ ટ્રાન્ઝિટ ફ્લાઈટથી જઈ રહ્યો હોવાના સચોટ ઇનપુટને પગલે તેને મુંબઈના આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાએથી દબોચી લેવામાં આવ્યો હતો. મુનાફ ઉપરાંત અન્ય ચાર શખ્સને ગુજરાત એટીએસ દ્વારા કચ્છનાં માંડવીનાં મછીપીઠમાંથી એક તથા ગાંધીધામ વિસ્તારમાંથી ત્રણને ઉપાડી લેવામાં આવેલા છે. જોકે ગુજરાત એટીએસ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. જેને પગલે આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.
હવે કરાંચીના હાજીના કચ્છનાં સંપર્કો ઉપર નજર
   કચ્છમાં રહીને સામેપાર પાકિસ્તાનમાં સંપર્ક રાખનાર તત્વો ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે. તેવામાં કરાંચીના હાજી હસન નામનાં નાપાક તત્વ દ્વારા કચ્છનાં દરિયાઈ વિસ્તારનો ઉપયોગ કરવાનો મલિન ઈરાદો બહાર આવ્યો છે. જેને પગલે કચ્છ સ્થિત ઇન્ટેલીજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. આ એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો થોડા સમય પહેલા એક લખપત એરિયાનો એક વ્યક્તિ પણ હાજીનાં સંપર્કમાં હતો. ભૂતકાળમાં જયારે રઘુ સ્વીટ એન્ડ ગારલીક નામના રેપરમાં લપેટાયેલું કરોડો રૂપિયાનું ચરસ પાકિસ્તાનથી કચ્છમાં આવતા દરિયામાં ગરકાવ થઈ ગયેલું તેમાં પણ આ શખ્સનો રોલ મહત્વપૂર્ણ રહ્યો હતો. જોકે આ સમગ્ર મામલામાં ભુજમાં આવેલી કચ્છ બીએસએફની ઇન્ટેલિજન્સ એજન્સી 'G' બ્રાન્ચનાં કેટલાક બેદરકાર ઓફિસર્સની આંતરિક ખટપટને લીધે સમગ્ર પ્રકરણ તેના અંજામ સુધી પહોંચે તે પહેલા જ નિષ્ફળ નીવડ્યું હતું.
મુંબઇ બ્લાસ્ટ પછી મુનાફ બે વખત ભારત આવેલો
   મુંબઇ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ એવા ટાઇગર મેમણ સાથે મળીને મુંબઈના ઝવેરી બઝારમાં 257 ભારતીયોને મોતને ઘાટ ઉતારનાર મુનાફ બ્લાસ્ટ બરેલી થઈને બેંગકોક ભાગી ગયો હતો. મુંબઇ બ્લાસ્ટ વખતે તેને ટાઇગર મેમણને
ત્રણ નવા  સ્કૂટર લાવી આપ્યા હતા. ભારતથી ભાગ્યા પછી પણ તે સતત ટાઇગર મેમણના સંપર્કમાં હતો.અને એવું માનવામાં આવી રહ્યું છે કે તે થોડા સમય માટે કેન્યાના નૈરોબી ખાતે પણ રોકાયો હતો. ત્યારબાદ તેને ટાઇગર મેમણ દ્વારા પાકિસ્તાની પાસપોર્ટ બનાવી આપવામાં આવ્યો હતો. જેને લઈને મુનાફ બે વખત ભારત આવ્યો હતો. જેમાં એકવાર તો એ વાઘા અટારી બોર્ડરથી ભારત આવ્યો હતો. અમરેલીમાંથી પરિવાર સાથે ઔરંગાબાદ શિફ્ટ થયા બાદ તેને બારમાં ધોરણ સુધીનો અભ્યાસ ઔરંગાબાદમાં જ પૂરો કર્યો હતો. ત્યારબાદ તે મુંબઇ આવ્યો હતો. જયાં તેનો સંપર્ક ટાઇગર મેમણ સાથે થતા તેણે અંડરવર્લ્ડની દુનિયામાં પગ મૂક્યો હતો.

(7:15 pm IST)
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૦નુ ૫રિણામઃ કૂલ ૭૦ સીટોમાંથી આપ-૫૫, બીજેપી-૧૩, કોંગ્રેસ ૧, સીટ ઉપર આગળ access_time 8:41 am IST

  • તમામ એકઝીટ પોલ આપનો જય જયકાર કરે છે ત્યારે દિલ્હીમાં ૪૨ બેઠક સાથે ભાજપનો વિજય થશે: એકલવીર એસ્ટ્રો લોજર સંત બેત્રા અશોકાની ભવિષ્યવાણી, તેની મોટા ભાગની આગાહી સાચી પડી છે. access_time 11:11 pm IST

  • દિલ્હી એક્ઝિટ પોલ મુજબ ભાજપની હારથી પાકિસ્તાનના મિનિસ્ટર ફવાદ ચૌધરી ખુશ : કટ્ટરવાદી મોદી સરકારને સબક મળે તેવી આશા વ્યક્ત કરી : હિન્દૂ મુસ્લિમ કોમ વચ્ચે ઝેર ફેલાવતા હોવાનો આક્ષેપ access_time 8:12 pm IST