Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

નવી કંપની શરૂ કરવી વધુ સરળ બનશેઃ સરકાર નવું ઇ-ફોર્મ લાવશે

નવા SPICe+ ફોર્મ દ્વારા નવી કંપની ખોલનારને તાત્કાલિક ૧૦ સેવા ઉપલબ્ધ બનશે

નવી દિલ્હી તા.૧૦ : ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સાથે સંકળાયેલ પ્રયાસોને સતત આગળ વધારતાં કેન્દ્ર સરકાર હવે નવી કંપની ખોલવા એક ઇન્ટિગ્રેટેડ ઇલેકટ્રોનીક ફોર્મ ઓફર કરવા જઇ રહી છે. આ ફોર્મ ૧પ ફેબ્રુઆરીએ ઇશ્યુ થઇ જશે.આ ફોર્મ ઇશ્યુ થયા બાદ નવી કંપનીઓને ઇપીએફઓ અને ઇએસઆઇસી રજિસ્ટ્રેશન નંબર તાત્કાલીક ફાળવવામાં આવશે. કોર્પોરેટર બાબતોનું મંત્રાલય SPICe+ નામે આ ફોર્મ લોંચ  કરશે. આ ફોર્મ દ્વારા નવી કંપનીઓને ૧૦ પ્રકારની સેવા મળશે.

આ ૧૦ સેવામાં કંપનીના નામનું રિઝર્વેશન, ઇન્કોર્પોરેશન નંબર, ઇએસઆઇસી રજિસ્ટ્રેશન નંબર, મહારાષ્ટ્ર માટે પ્રોફેશન ટેકસ રજિસ્ટ્રેશન, પાન નંબર, ટેકસ ડિડકશન એન્ડ કલેકશન એકાઉન્ટ નબંર (ટેન નંબર), સંબંધિત કંપની માટે બેન્ક ખાતું ડાયરેકટર આઇટેન્ટિફીકેશન નંબર (ડીન) અને જીએસટી આઇએનનો સમાવેશ થાય છે.

વર્તમાન સમયમાં મંત્રાલય SPICe (સિમ્પ્લિફાઇડ પ્રફોમાં ફોર ઇન્કોર્પોરેટીંગ કંપની ઇલેકટ્રોનીકલી) ઉપલબ્ધ કરાવે છે હવે આ ફોર્મનું સ્થાન SPICe+લેશે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એક સુચનામાં જણાવાયું છે કે નવા ફોર્મમાં સામેલ ૧૦ સેવાનો લાભ મળવાથી ભારતમાંં બિઝનેસ શરૂ કરતી વખતે કેટલાય પ્રકારની પ્રક્રિયા, સમય અને નાણાંની બચત થશે. આ ફોર્મ દ્વારા શ્રમ મંત્રાલય, નાણાં મંત્રાલય અને મહેસુલ વિભાગ તેમજ મહારાષ્ટ્ર સરકારની અનેક સેવાઓ ઉપલબ્ધ બનશે. મંત્રાલયે જણાવ્યું છે કે ૧પ ફેબ્રુઆરીથી નવી કંપની ખોલવા ઇપીએફઓ અને ઇએસઆઇસી રજિસ્ટ્રેશન નંબર મેળવવા ફરજિયાત બનશે. નવા ફોર્મમાં આ બંને રજિસ્ટ્રેશન નંબર ઓટોમેટિક મળી જશે.

(4:33 pm IST)