Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

RMCનું ૨૧૩૨.૧૫ કરોડનું કરબોજ વગરનું બજેટઃ વાવડી - કોઠારીયામાં ઓડિટોરીયમ - કોર્પોરેટરની ગ્રાન્ટમાં ૫ લાખ વધ્યા : મહિલાઓ માટે રવિવારી બજાર

૬૯ કરોડની નવી યોજનાઓનો ઉમેરો : ૧૨.૧૭ કરોડનું કદ વધારાયુ : વળતર યોજનામાં ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને વધુ ૧ ટકો અને રૂ. ૫૦નું વળતરઃ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ દ્વારા વિગતો જાહેરઃ ચુંટણીના વર્ષમાં સ્ટેન્ડીંગ કમિટિએ મંજુર કર્યું આકર્ષક અંદાજપત્ર : રૈયા ચોકડી પાસે હાઇજેનિક ફુડ સ્ટ્રીટઃ પીપીપી ધોરણે એમ્યુઝમેન્ટ પાર્કની જોગવાઇ

બજેટને બહાલીઃ મ્યુ. કોર્પોશનનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ સ્ટેન્ડીંગ કમીટીમાં આજે મંજૂર થયું તે વખતની તસ્વીરમાં ચેરમેન ઉદય કાનગડ તથા સ્ટેન્ડીંગ કમીટીનાં સભ્યો મીનાબેન પારેખ, જાગૃતિબેન ઘાડીયા, ડો. દર્શિતાબેન શાહ, વિપક્ષ કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા, અનિલભાઇ રાઠોડ, પુષ્કરભાઇ પટેલ, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સેક્રેટરી શ્રી રૂપારેલીયા, ડી. કમિશ્નર શ્રી પ્રજાપતિ, ડે. કમિશ્નર ચેતન નંદાણી તથા, ડે. કમિશ્નર શ્રી સિંઘ અને ચીફ એકાઉન્ટન્ટ અમિતભાઇ સવજીયાણી તથા અન્ય અધિકારીઓ દર્શાય છે. (તસવીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૦ :. આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવુ રૂ. ૨૧૩૨.૧૫ કરોડનું ચૂંટણી લક્ષી કરબોજ વિનાનુ બજેટ સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયુ છે. આ બજેટમાં કોર્પોરેટરની ગ્રાંટમાં ૫ લાખનો વધારો કરાયો છે તથા નિયમિત કરદાતાઓને વળતર યોજના ઉપરાંત ઓનલાઈનથી વેરો ભરનારને ૧ ટકા તથા રૂ. ૫૦નું વધુ વળતર આપવામાં આવશે. આ ઉપરાંત શહેરના કોઠારીયા વિસ્તારમાં ઓડીટોરીયમ, વોર્ડ નં. ૧ અને ૬માં કોમ્યુનિટી હોલ, વિવિધ માર્ગો પર કલાત્મક લાઈટીંગ તથા બહેનો માટે ખાસ રવિવારી બજાર સહિતની ૨૫ નવી યોજનાઓમાં રૂ. ૬૯ કરોડનો ઉમેરો કરવામાં આવ્યો છે.

સ્ટેન્ડીંગ કમિટિ ઉદય કાનગડની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા બજેટને મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી અર્થે રવાના કરાયુ હતુ ત્યારબાદ પત્રકાર પરિષદમાં બજેટની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી. રાજકોટ શહેર ખરા અર્થમાં સ્માર્ટ સીટી બની રહે તેમજ દેશ વિશ્વના શ્રેષ્ઠ શહેરોની હરોળમાં સ્થાન પામે તેની કૂચમાં શહેરના છેવાડાના વિસ્તારો પણ સાથે જ રહે એ બાબતની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે. સાથોસાથ આ વિસ્તારોમાં રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓનું માળખુ પણ વધુ મજબુત બને તે બાબતે પુરતુ લક્ષ્ય આપવામાં આવ્યુ છે.

વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ રૂ. ૨૧૧૯.૯૮ કરોડનું બજેટ સૂચવ્યુ હતું. જેમાં સ્ટેન્ડીંગ કમિટિએ બજેટના કદમાં રૂ. ૧૨.૧૭ કરોડના વધારા સાથે ૨૫ નવી યોજનાઓ ઉમેરીને રૂ. ૨૧૩૨.૧૫ કરોડનું કદ ધરાવતુ પ્રજાલક્ષી અને વાસ્તવિક બજેટ મંજુર કરેલ છે.

શાસક પક્ષે બજેટની જોગવાઈઓના અભ્યાસ દરમિયાન ગરીબ તથા મધ્યમ વર્ગના શહેરીજનોને કેન્દ્રમાં રાખેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્વારા અપનાવાયેલ નાગરીક લક્ષી પ્રશાસનિક વ્યવસ્થાને મહાનગરપાલિકા પણ વળગી રહી છે. સરકારશ્રી પાસેથી મળેલી ગ્રાંટ અને મહાનગરપાલિકાની પોતાની આવકમાંથી શહેરની સર્વાંગી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવા સ્ટેન્ડીંગ કમિટિએ ઘનિષ્ઠ વિચારણા બાદ રૂ. ૨૧૩૨.૧૫ કરોડના બજેટને આખરી ઓપ આપ્યો છે.

સ્ટેન્ડીંગ કમિટિએ બજેટની અંતિમ રૂપરેખા તૈયાર કરતી વખતે જો કેટલીક નવી યોજનાઓ તેમાં સામેલ કરી છે તેની ઉપર એક દ્રષ્ટિપાત કરી એ તો.

જમીન વેચાણની આવકના કે ટેકસ વસુલાતના લક્ષ્યાંકમાં કોઇ જ વધારો નહિ

મ્યુનિસિપલ કમિશનરશ્રીએ રજુ કરેલા બજેટના કદમાં રૂ.૧૨.૧૭ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ, એ બાબત ખાસ મહત્વપુર્ણ છે કે, જમીન વેચાણની આવકના લક્ષ્યાંક રૂ.૧૩૫ કરોડ અને ટેકસ વસુલાતના રૂ.૨૬૦ કરોડના લક્ષ્યાંકમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ભાજપના શાસકો એવું દ્રઢપણે માને છે કે, જમીન વેચાણ એ આવકનો  સ્ત્રોત ન હોઈ શકે, પરંતુ, જમીનના રક્ષણ, સુરક્ષાના ખર્ચ વિગેરેને ધ્યાને લઇ, વેચાણપાત્ર જમીનો ચોક્કસપણે વેચીને તેની આવકનો શહેરના વિકાસકાર્યમાં ચોક્કસ પણે ઉપયોગ કરવો જોઈએ. એકંદરે કહી શકાય કે, પ્રામાણિક કરદાતાઓને કોઇ જ નુકશાન પહોચાડ્યા વિના મહાપાલિકાની તિજોરી ભરવાનો વિનમ્ર અભિગમ છે.

પર્યાવરણીય સુરક્ષા

સમગ્ર વિશ્વ પર્યાવરણની સુરક્ષા પરત્વે ચિંતિત છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ શહેરમાં પર્યાવરણની જાળવણી માટે સોડિયમ લાઈટને બદલે એલ.ઈ.ડી. લાઈટ, સોલાર રૂફટોપ, ઈ-બસ, વૃક્ષારોપણ સહિતના પર્યાવારણલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. શહેરમાં આવેલ તમામ લાઈટોને એલ.ઈ.ડી.માં પરિવર્તિત કરેલ છે. હાલમાં કુલ ૬૫,૦૦૦ એલ.ઈ.ડી. લાઈટ છે. જેના ઉપયોગથી રાજકોટ મહાનગર પાલિકાના વિજબીલમાં ૫૫% થી ૬૦% જેટલો ઘટાડો થવા પામેલ છે.

અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ

આજી ડેમ વિસ્તારમાં આવેલ અર્બન ફોરેસ્ટમાં ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યા બાદ, આ અર્બન ફોરેસ્ટમાં રિક્રીએશનલ સુવિધાઓ, લેન્ડસ્કેપીંગ, માસ પ્લાન્ટેશન, વોટર હાવર્િેસ્ટંગ, પાણી વિતરણ, રોડ ડેવલપમેન્ટ સહિતની સુવિધાઓ ઉભી પુરી પાડવાના કામે, કુલ રૂ.૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવે છે.

વૃક્ષારોપણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બોરસલ્લી, ઉમરો, પીપળો, પીલુડી, શેતુરડી, વડ જેવા ૧૦,૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેથી, આ વ્રુક્ષોના ફળમાંથી ચકલી, પોપટ, કાબર, હોલા જેવા પક્ષીઓને નૈસર્ગિક ખોરાક મળી રહે અને શહેરમાં તેવા પક્ષીઓની સંખ્યા જળવાઈ રહે તેવો આશય છે. આ માટે ૦.૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

એનિમલ હોસ્ટેલના પશુઓ માટે ચિકિત્સા, સારવારની સુવિધા ઉપલબ્ધ

શહેરના રખડતા ભટકતા ઢોર માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એનિમલ હોસ્ટેલ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વીજળી, શેડ, સફાઈ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. આ સુવિધામાં ઉમેરો કરી, રોગગ્રસ્ત ઢોરની ચિકિત્સા તેમજ સારવાર માટે વેટરનરી ડોકટર તેમજ જરૂરી દવા, સાધનો સહિતની આરોગ્ય વાનની સુવિધા પુરી પાડવામાં આવશે. આ માટે રૂ.૦.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સિટી - બીઆરટીએસ  બસ પાસની સુવિધા

રાજકોટવાસીઓ તેમજ રાજકોટની મુલાકાતે આવતા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વધુને વધુ ઉપયોગ કરે તે માટે બીઆરટીએસ તેમજ સિટી બસમાં વિદ્યાર્થી, નોકરિયાત, ધંધાર્થી સહિતના તમામ વર્ગના મુસાફરો માટે માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, છમાસિક સહિતના પાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સુર્ય ઉર્જાના મહત્તમ ઉપયોગ

સુર્ય એ ઉર્જાનો મુખ્ય  સ્ત્રોત છે. એટલા માટે જ પૂરાણકાળથી મનુષ્ય સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના કરતો આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ઝોન કચેરીઓ, પમ્પિંગ સ્ટેશન, સ્કુલ બિલ્ડીંગ સહિતના બિલ્ડીંગોમાં સોલાર રૂફટોપ લગાવવામાં આવેલ છે. જેને લીધે પણ રાજકોટ મહાનગરપાલિકાના વિજબીલમાં નોંધપાત્ર ઘટાડો થવા પામેલ છે. આગામી દિવસોમાં વોર્ડઓફિસ, સ્મશાન, કોમ્યુનિટી હોલ સહિતના બિલ્ડીંગોમાં સોલાર રૂફટોપ લગાવવામાં આવનાર છે.

૩ હજાર આવાસોનું નિર્માણ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એ સ્વપ્ન છે કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘરનું ઘર હોય. વડાપ્રધાનશ્રીના આ સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સહકારથી રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં કુલ ૨૫,૦૦૦થી વધુ આવાસોનું નિર્માણ કરી, લોકાર્પણ કરેલ છે. હાલમાં, રૂ.૬૨૫ કરોડના ખર્ચે કુલ ૭,૦૦૦ આવાસોનું નિર્માણકાર્ય ગતિમાં છે. તેમજ આગામી વર્ષોમાં રૂ.૪૦૦ કરોડના ખર્ચે કુલ ૩,૦૦૦ આવાસોનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવનાર છે. સાથોસાથ, 'જયા ઘર, ત્યાં નળ અને જયાં નળ, ત્યાં જળ' એ સુત્રને પણ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો ચરિતાર્થ કરી રહ્યા છે.

રીડિંગ રૂમ વિથ  રેફરન્સ બુક કોર્નર

નિર્મલા કોન્વેન્ટ રોડ પર ફાયર સ્ટેશનની જગ્યામાં છાત્રો માટે રીડિંગ રૂમ બનાવવામાં આવશે, જે છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા વિવિધ સંદર્ભગ્રંથો સાથેના 'રેફરન્સ બૂક કોર્નર'થી સુસજ્જ હશે. આ યોજના માટે રૂ.૦.૬૦ કરોડની ફાળવણી કરી છે.

પી.પી.પી. ધોરણે  એમ્યુઝમેન્ટ પાર્ક

શહેરીજનોને હરવા ફરવાનું એક નવું સ્થળ મળી રહે તે માટે પી.પી.પી. ધોરણે, અનેકવિધ રાઈડ્ઝ ધરાવતા એમ્યુઝમેન્ટ પાર્કની સુવિધા આપવાનું આયોજન કરવામાં આવેલ છે. આ એમ્યુઝમેન્ટ પાર્ક વડોદરા નજીક આવેલ આજવા એમ્યુઝમેન્ટ પાર્કની થીમ પર આધારિત હશે. આ માટે રૂ.૦.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પૂર્વ તથા પશ્ચિમ  ઝોનમાં ફન સ્ટ્રીટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં ઉપલબ્ધ કરાયેલ ફન સ્ટ્રીટમાં દર રવિવારે વહેલી સવારથી શહેરીજનો પોતાની બાળવય દરમ્યાનની ગિલ્લી દંડા, ભમરડો, લખોટી સહિતની જુદી જુદી રમતો તેમજ કરાઓકેની પણ મોજ માણે છે. શહેરીજનોના આનંદમાં વધારો કરવા શહેરના પૂર્વ તથા પશ્ચિમ ઝોનમાં પણ એક એક ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે રૂ.૦.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પક્ષીના માળા માટે  ૧ લાખનો વધારો

શહેરમાં પક્ષીઓના ઘટતા જતા આશ્રય સ્થાનોની ચિંતા કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ચકલીઓ માટેના માટી તથા પુઠ્ઠાના માળાઓનું તેમજ પક્ષીઓને પીવાના પાણીની માટીની ઠીબનું હજારોની સંખ્યામાં વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં 'કરૂણા એનિમલ હેલ્પલાઈન' સેવા શરૂ કરાઈ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા પણ મુખ્યમંત્રીના આ સંવેદનશીલ અભિગમને અનુસરીને તેમજ બિરદાવીને પક્ષીઓના માળા માટે દર વર્ષે રૂ.૧ લાખની જોગવાઈ છે તેમાં વિશેષ રૂ.૧ લાખનો વધારો કરી કુલ રૂ.૨ લાખની જોગવાઈ કરાઈ છે.

અદ્યતન જીમ

માધવરાવ સિંધિયા ક્રિક્રેટ સ્ટેડિયમ સંલગ્ન જીમમાં તથા પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલમાં કસરતના સાધનોની સુવિધા આપવામાં આવેલ છે. જેમાં ઉમેરો કરવા તેમજ નવા સાધનોની સુવિધા આપી, આ જીમને અદ્યતન બનાવવા માટે રૂ.૨.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અદ્યતન માછલીઘર

શહેરીજનો દરિયાઈ જીવસૃષ્ટિથી માહિતગાર થઇ શકે સાથોસાથ શહેરીજનોને હરવા-ફરવા માટેનું એક નવું સ્થળ મળી રહે તે માટે પી.પી.પી. ધોરણે અદ્યતન માછલીઘરની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. આ માછલીઘરમાં મીઠા પાણીની તેમજ દરિયાઈ માછલીઓ, ઓકટોપસ, ઝીંગા, કરચલા, સ્ટાર ફીશ સહિતના દરિયાઈ જળચર જીવો નિદર્શન માટે રાખવામાં આવનાર છે. આ માટે રૂ.૦.૦૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રૈયા ચોકડી પાસે હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ

શહેરમાં રૈયા ચોકડી નજીક હાઈજેનિક ફૂડ સ્ટ્રીટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જે અમદાવાદ શહેરમાં કાંકરિયા પાસે નિર્માણ પામેલ હાઈજેનિક ફૂડ સ્ટ્રીટની થીમ પર આધારિત હશે. આ ફૂડ સ્ટ્રીટમાં લોકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહેશે. આ માટે રૂ.૧.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મેરેથોન

મેરેથોન એ રાજકોટ શહેરની આગવી ઓળખ બની રહ્યું છે. શહેરીજનો પોતાની તંદુરસ્તી પ્રત્યે જાગૃતતા કેળવે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષમાં મેરેથોનના આયોજન માટે તેમજ પ્રિઇવેન્ટ તરીકે સાયકલોફન યોજવા માટે રૂ.૧.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ફલાવર શો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષે પણ રાજકોટમાં શાનદાર ફલાવર શો યોજાય તે માટે રૂ.૧.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દિવાળી કાર્નિવલ

રાજકોટ રંગીલુ શહેર છે. શહેરની જનતા ઉત્સવપ્રેમી છે તેમજ તમામ તહેવારો ખુબ જ ઉલ્લાસથી ઉજવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષમાં પણ દિવાળીના તહેવાર પર એક શાનદાર કાર્નિવલનું આયોજન કરવામાં આવશે. આ માટે રૂ.૧.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અંતમાં શ્રી કાનગડે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની તેમજ રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષે એક પણ રૂપિયાના વધારાના કરબોજ વગરનું, પ્રજાલક્ષી અને વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. શહેરીજનોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ ગહન વિચાર વિમર્શ કરી, જરૂરી અને લોકભોગ્ય નિર્ણયો કર્યા છે. શહેરીજનોને આપવામાં આવતી રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓને સુદ્રઢ અને સઘન બનાવવાને પ્રાથમિકતા આપવાની સાથોસાથ આગામી વર્ષ માટેની શહેરની વિકાસની રૂપરેખા રજુ કરતા આ બજેટને સૌ કોઈ આવકારશે એવી આશા દર્શાવી હતી.

આ પ્રસંગે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટીના તમામ સદસ્યશ્રીઓ, તમામ કોર્પોરેટરો, ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો, શહેરની સામાજિક સેવા સંસ્થાઓ, વ્યાપારી એસોસિએશન્સ તમામ અધિકારીઓ/કર્મચારીઓ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાના તમામ પ્રતિનિધિશ્રીઓ, ફોટોગ્રાફર્સ ઉપરાંત શહેરના વિકાસમાં ખભેખભો મિલાવી સાથે રહેલ શહેરીજનોના સાથ સહકાર બદલ તેઓ પ્રત્યે આભાર કર્યો હતો.

મ્યુ.કોર્પોરેશના બજેટમાં રૂ.૧૮૫  કરોડોના ડ્રેનેજ કામોની જોગવાઇ

પદાધિકારીઓનો આભાર વ્યકત કરતા ડ્રેનેજ કમિટી ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા

રાજકોટ,તા.૧૦: મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રૂ.૨૦.૭૪ કરોડના ખર્ચે કોઠારીયા NH બાયપાસ રોડ FP નં.૨૦૦ TPS નં.૬ ટર્મિનલ સેવેઝ સ્ટેશન એન્ડ ૧૫ MLD આઉટપુટ કેપેસિટી સેવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ.૧.૫૦ ગૌરીદડ STPના ખુલ્લા વિસ્તારમાં માસ પ્લાન્ટેશનનું કામ, રૂ.૧.૩૫ કરોડના ખર્ચે માધાપર ખાતે STP કેમ્પસની કમ્પાઉન્ડ વોલ, રૂ.૦.૮૦ કરોડના ખર્ચે રૈયાધાર STPના ખુલ્લા વિસ્તારમાં ઘનિષ્ઠ પ્લાન્ટેશનનુ કામ, સ્વર્ણિમ ગુજરાત ગ્રાંટ અંતર્ગત રૂ.૧૫.૧૪ કરોડના ખર્ચે ડ્રેનેજ, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત રૂ.૦.૪૨ કરોડના ખર્ચે ડ્રેનેજ કામ, 'અમૃત' યોજના હેઠળ રૂ.૧૪૧.૯૭ કરોડના ખર્ચે ડ્રેનેજના કામો, ૧૪માં નાણાપંચની ગ્રાંટ પૈકી રૂ.૨.૮૩ કરોડના ખર્ચે ડ્રેનેજ વિગેરે ડ્રેનેજ કામોની જોગવાઈ કરવા બદલ મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સહિતના પદાધિકારીઓનો ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ આભાર વ્યકત કર્યો છે.

વોર્ડના કામો નહિ અટકે : કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો

રાજકોટ : મહાનગરપાલિકાના કોર્પોરેટરો પોતાના વોર્ડ વિસ્તારમાં જરૂરિયાત મુજબના પ્રાથમિક કામો ઝડપથી કરાવી શકે તે માટે પ્રતિ કોર્પોરેટર રૂ.૧૦ લાખની વાર્ષિક ગ્રાન્ટ વર્ષ ૨૦૧૩-૧૪થી ફાળવવામાં આવે છે. તેમજ હોદ્દાની રૂએ મેયર, ડે. મેયર તેમજ સ્ટે. કમિટી ચેરમેન પદાધિકારીઓને પ્રત્યેકને રૂ.૩ લાખ વાર્ષિક ગ્રાન્ટ તરીકે ફાળવવામાં આવે છે.

હાલની વાર્ષિક ગ્રાન્ટની રકમ છેલ્લા ૭ વર્ષોથી ફાળવવામાં આવતી હોઈ, જેમાં ૫૦્રુ વધારો કરી, પ્રતિ કોર્પોરેટર રૂ.૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવાનું તથા હોદ્દાની રૂએ સંબંધિત પદાધિકારીઓને રૂ.૪.૫ લાખ વાર્ષિક ગ્રાન્ટ તરીકે ફાળવવાનું સ્થાયી સમિતિએ મંજુર કરેલ છે, જેને લીધે શહેરમાં જુદા જુદા પાયાની સુવિધાના કામોને વેગ મળશે. આ ગ્રાન્ટ વધારા માટે રૂ.૩.૬૬૫ કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રતિ વોર્ડ દિઠ કુલ ૪ કોર્પોરેટરની સંખ્યા જોતા, વોર્ડ વાઈઝ ગ્રાન્ટમાં રૂ.૨૦ લાખનો વધારો થશે.

મનપાનું બજેટ પ્રજાલક્ષી- આરોગ્યલક્ષી : જયમીન ઠાકર

રાજકોટ : મ્યુ. કોર્પો.ના વર્ષ ર૦ર૦ના અંદાજે પત્રને આવકારતા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, શહેર માટે પ્રજાલક્ષી તથા આરોગ્યલક્ષી બજેટ આપવા બદલ મેયર બિનાબેન આચાર્ય, સ્ટે. કમીટી ચેરમેન ઉદય કાનગડ તથા કમલેશ મીરાણીનો આભાર વ્યકત કર્યો હતો.

રાવળદેવ - નાથબાવા સમાજ માટે સમાધિ સ્થાન મોરબી રોડ પર ૨૫ લાખના ખર્ચે નવુ સ્મશાન બનશે

રાજકોટ : સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના રાવળદેવ, નાથબાવા સમાજ માટે સમાધિ સ્થાન તથા મોરબી રોડ પર નવુ સ્મશાન બનાવવા મંજુર કરવામાં આવ્યું છે.

નવુ સ્મશાન

રાજકોટ શહેરમાં હાલ કુલ ૧૭ સ્મશાનો કાર્યરત છે. આગામી વર્ષમાં શહેરના મોરબી રોડ વિસ્તારમાં યોગ્ય સ્થળે નવું સ્મશાન બનાવવા માટે રૂ.૦.૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સમાધિ સ્થાન

શહેરમાં રાવળદેવ, નાથબાવા સમાજના લોકો માટે સમાધિ સ્થાનની કોઈ વ્યવસ્થા નથી. શહેરમાં આ સમાજની વસ્તી નોંધપાત્ર છે. જે બાબત ધ્યાને લઇ, શહેરમાં આવેલા ટી.પી. પ્લોટ પૈકી, યોગ્ય સ્થળે સમાધિ સ્થાનની સુવિધા પુરી પાડવામાં આવશે. આ માટે રૂ.૦.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટમાં સ્ટેન્ડીંગ કમીટીએ કરેલા ધ્યાનાકર્ષક સુધારા-વધારા

* મેરેથોન ફરી આવતા વર્ષ  મ્યુ. કોર્પોરેશન દ્વારા થશેઃ ૧ કરોડની જોગવાઇ

* મ્યુ. કમિશનરે સુચવેલ ફુટ બ્રીજ સ્ટેન્ડીંગ કમીટીએ નામંજૂર કર્યો

* સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ યોજનામાં રપ કરોડનો ઘટાડો

* ટી. પી. સ્કીમ જમીન વેચાણમાં ૧ર કરોડનો વધારો કર્યો

વોર્ડના કામો નહિ અટકે : કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો

રાજકોટ : મહાનગરપાલિકાના કોર્પોરેટરો પોતાના વોર્ડ વિસ્તારમાં જરૂરિયાત મુજબના પ્રાથમિક કામો ઝડપથી કરાવી શકે તે માટે પ્રતિ કોર્પોરેટર રૂ.૧૦ લાખની વાર્ષિક ગ્રાન્ટ વર્ષ ૨૦૧૩-૧૪થી ફાળવવામાં આવે છે. તેમજ હોદ્દાની રૂએ મેયર, ડે. મેયર તેમજ સ્ટે. કમિટી ચેરમેન પદાધિકારીઓને પ્રત્યેકને રૂ.૩ લાખ વાર્ષિક ગ્રાન્ટ તરીકે ફાળવવામાં આવે છે.

હાલની વાર્ષિક ગ્રાન્ટની રકમ છેલ્લા ૭ વર્ષોથી ફાળવવામાં આવતી હોઈ, જેમાં ૫૦્રુ વધારો કરી, પ્રતિ કોર્પોરેટર રૂ.૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવાનું તથા હોદ્દાની રૂએ સંબંધિત પદાધિકારીઓને રૂ.૪.૫ લાખ વાર્ષિક ગ્રાન્ટ તરીકે ફાળવવાનું સ્થાયી સમિતિએ મંજુર કરેલ છે, જેને લીધે શહેરમાં જુદા જુદા પાયાની સુવિધાના કામોને વેગ મળશે. આ ગ્રાન્ટ વધારા માટે રૂ.૩.૬૬૫ કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રતિ વોર્ડ દિઠ કુલ ૪ કોર્પોરેટરની સંખ્યા જોતા, વોર્ડ વાઈઝ ગ્રાન્ટમાં રૂ.૨૦ લાખનો વધારો થશે.

 

 

બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ ઉમરેલી નવી યોજનાઓ

નવી યોજનાનું નામ

રૂ. (કરોડમાં)

કોર્પોરેટરની ગ્રાન્ટમાં ૫૦ %નો વધારો

૩.૬૬૫

અરવિંદભાઇ મણીઆર હોલ, જયુબેલી

૨.૩૭

ગાર્ડન નવીનીકરણ

જીમ નવીનીકરણ (ક્રિકેટ સ્ટેડિયમ તથા શેઠ હાઇસ્કુલ)

૨.૦૦

દિવાળી કાર્નિવલ

૧.૫૦

મેરેથોન

૧.૦૦

ફલાવર શો

૧.૦૦

શહેરના ૩ ઝોનના મુખ્ય માર્ગ પર સપ્ તરંગી

૧.૦૦

LED લાઇટીંગ

નવા ભળેલ કોઠારીયા -વાવડી વિસ્તારમાં ઓડીટોરીયમ

૧.૦૦

વોર્ડ નં.૧ અને ૬માં નવ કોમ્યુનિટી હોલ

૧.૦૦

પૂ. રણછોડદાસબાપૂ કોમ્યુનિટી હોલ  A/C નવીનીકરણ

૧.૦૦

હાઈજેનિક ફૂડ સ્ટ્રીટ

૧.૦૦

વિદ્યાર્થીઓ માટે રીડિંગ રૂમ વિથ રેફરન્સ બૂક કોર્નર

૦.૬૦

રાવળદેવ, નાથબાવા સમાજના લોકો માટે સમાધિ સ્થાન

૦.૬૦

ગો ગ્રીન મોબાઈલવાન

૦.૬૦

પક્ષીઓને આશ્રય, ખોરાક મળી રહે તેવા વ્રુક્ષોનું 

૦.૫૦

વ્રુક્ષારોપણ

એનિમલ હોસ્ટેલના પશુઓ માટે ચિકિત્સા,

૦.૫૦

સારવારની સુવિધા ઉપલબ્ધ

મોરબી રોડ પાસે નવું સ્મશાન

૦.૨૫

ત્રણેય ઝોનમાં ફકત મહિલાઓ માટેના ગાર્ડન

૦.૩૦

શહેરમાં પૂર્વ તથા પશ્યિમ ઝોનમાં ફનસ્ટ્રીટ

૦.૨૦

ત્રણેય ઝોનમાં એક એક હાઈમાસ્ટ લાઈટ

૦.૧૫

બહેનો દ્વારા સંચાલિત રવિવારી માર્કેટ

૦.૧૫

PPP ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક

૦.૧૦

શિક્ષણ સમિતિ સંચાલિત સ્કુલના બાળકોને ઝૂ

૦.૧૦

નિઃશુલ્ક પ્રવેશ

મહિલાઓના કેન્સરના નિદાન માટે આધુનિક મશીન

૦.૧૦

કુલ

૨૦.૬૯

 

૧૪માં નાણાપંચની રૂ.૨૮.૯૫ કરોડની ગ્રાન્ટમાંથી હાથ ધરાશે વિકાસકામો

કામનું નામ

રૂ. (કરોડમાં)

વોટર વર્કસ

૧૧.૨૮

રોડ

૮.૦૩

રીટેઈનીંગ વોલ

૪.૮૮

ડ્રેનેજ

૨.૮૩

ગાર્ડન

૦.૮૫

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ

૦.૩૦

બિલ્ડીંગ રીપેરીંગ

૦.૧૨

સ્માર્ટ સીટી માટે રસ્તા - પાણી ડ્રેનેજની ખાસ જોગવાઇ

કુલ રૂ. ૮૨.૫૦ કરોડના કામો પૈકી મુખ્ય કામો

કામનું નામ

રૂ. (કરોડમાં)

રસ્તા કામ

૪૯.૨૩

પેવિંગ બ્લોક

૨૫.૫૬

સી.સી. રસ્તા

૧.૬૭

ટી.પી. રોડ

૦.૮૭

થર્મોપ્લાસ્ટ

૦.૬૩

ડી.આઈ. પાઈપલાઈન

૦.૫૫

ડ્રેનેજ કામ

૦.૪૨

૧૫માં નાણાપંચની રૂ. ૪૪ કરોડની ગ્રાન્ટમાંથી થનાર વિકાસકામો

કામનું નામ

રૂ. (કરોડમાં)

વોટર વર્કસ

૧૫.૮૯

રસ્તા કામ

૧૦.૧૧

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ

૭.૯૬

વોંકળા કામો

૫.૮૧

GSR

૧.૮૦

બગીચાના કામો

૧.૧૮

બિલ્ડીંગ કામ

૦.૨૪

'અમૃત' યોજના હેઠળ કુલ  રૂ. ૨૫૦ કરોડના કામો

કામનું નામ

રૂ. (કરોડમાં)

ડ્રેનેજના કામો

૧૪૧.૯૭

વોટર વર્કસ

૯૯.૮૪

અર્બન ટ્રાન્સપોર્ટ

૫.૨૬

આજી ડેમ ડાઉન સ્ટ્રીમમાં ગાર્ડન

૨.૨૫

પાર્કસ એન્ડ ગાર્ડન્સ

૦.૭૦

(3:32 pm IST)
  • કોટામાં રંગ-બેરંગી ફુલોથી બનેલ ડ્રેસના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી મોડલ્સ. રાજસ્થાન પત્રિકા દ્વારા કોર્ટમાં હમરાહ કાર્યક્રમ યોજાયેલ access_time 12:56 pm IST

  • જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલાની પીએસએ હેઠળ ધરપકડનો મામલોઃ બહેનની સુપ્રિમમાં અરજીઃ ૫ ફેબ્રુઆરી ૨૦૨૦માં પૂર્ણ થઇ ચુકી છે સમયસીમાઃ ઓમર અબ્દુલાના બહેનની સુપ્રિમકોર્ટમાં અરજીઃ પીએસએ હેઠળ ધરપકડને સુપ્રિમકોર્ટમાં પડકારીઃ ઓમર અબ્દુલા ૫ ઓગષ્ટ ૨૦૧૯થી જેલમાં છેઃ સીઆરપીસી કલમ ૧૭૦ હેઠળ ધરપકડ કરાઇ છે : કલમ મુજબ ૬ મહિના સુધી જ રાખી શકાય છે જેલમાં access_time 1:28 pm IST

  • દેશમાં બેરોજગારી હોવાની ભાજપ સાંસદ વૃજભૂષણ શરણ સિંહની કબૂલાત : સાથોસાથ આ વારસો અગાઉની કોંગ્રેસ સરકારનો હોવાનું મંતવ્ય : લોકસભામાં બજેટ સત્ર ઉપર ચર્ચા દરમિયાન ઉદબોધન access_time 8:07 pm IST