Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

આર્મી કેમ્પ પર હુમલામાં રોહિંગ્યાનો હાથ ? J&K વિધાનસભામાં લાગ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા

સ્પીકરે કર્યો ચોંકાવનારો દાવો

શ્રીનગર તા. ૧૦ : જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલા પર જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સ્પીકર કવિન્દ્ર ગુપ્તાએ એક મોટું નિવેદન આપ્યું છે. ગુપ્તાએ આ હુમલાને રોહિંગ્યા મુસલમાનો સાથે જોડયો છે. તેમણે કહ્યું કે બની શકે છે કે આતંકીઓના હુમલા માટે રોહિંગ્યાને હથિયાર બનાવ્યા હોય. આપને જણાવી દઇએ કે સુંજવાન આર્મી કેમ્પની પાસે ઘણા રોહિંગ્યા મુસલમાન રહે છે. આ બધાની વચ્ચે જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહ એ કહ્યું કે હુમલાખોર પાકિસ્તાની છે પરંતુ જો રોહિંગ્યાનો હાથ હોય તો તે તપાસ કરાવશે.

ગુપ્તાએ વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન આ નિવેદન આપ્યું. સ્પીકરના આ નિવેદન બાદ ગૃહમાં ભાજપના ધારાસભ્યો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને તેના લીધે વિધાનસભાની કાર્યવાહી થોડાંક સમય માટે સ્થગિત કરવી પડી. સુંજવાન આર્મી કેમ્પર પર હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો હાથ માનવામાં આવી રહ્યો છે. ગુપ્તાએ કહ્યું કે બની શકે છે કે જૈશના આતંકીઓએ રોહિંગ્યા મુસલમાનોનો ઉપયોગ કર્યો હોય. ઉલ્લેખનીય છે કે સુંજવાન આર્મી કેમ્પ પર શનિવારના રોજ સવારે ૩-૪ આતંકીઓએ હુમલો કર્યો છે.

આતંકી હુમલો કરીને કેમ્પની અંદર જતા રહ્યા અને અલગ-અલગ જગ્યાએ છુપાઇ ગયા છે. સેના આતંકીઓના સફાયા માટે અભિયાન ચલાવી રહ્યું છે. આ હુમલામાં બે જવાન શહીદ થયાના સમાચાર છે જયારે ૩ બીજા ઘાયલ છે. બીજીબાજુ આ હુમલાને લઇ આર્મી ચીફ બિપિન રાવત એ રક્ષા મંત્રીને માહિતી આપી છે. કેન્દ્રની આ હુમલા પર સંપૂર્ણ નજર છે. રાજયના ડીજીપી એ કેન્દ્રીય ગૃહમંત્રીને પરિસ્થિતિની માહિતી આપી દીધી છે.

નિર્મલ સિંહ એ કહ્યું કે આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આપણી સેના આતંકીઓને ઠાર કરી દેશે. શરૂઆતના રિપોર્ટ મુજબ ૩-૪ આતંકીઓ હોવાના સમાચાર છે. આપણા જવાન બહાદુરીથી આતંકીઓને જવાબ આપી રહ્યાં છે.

માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદી જવાનોની સાથે તેમના પરિવારને પણ નિશાન બનાવાના બદ ઇરાદાથી કેમ્પમાં ઘૂસ્યા હતા. સેનાની ત્વરિત કાર્યવાહી આતંકીઓને ચારેબાજુથી ઘેરી ચૂકયું છે અને બંને તરફથી ગોળીબાર થઇ રહ્યો છે.

આતંકી હુમલા બાદ જમ્મુ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગૃહમંત્રાલય પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ વિસ્તારની ડ્રોનથી પણ નજર રખાઇ રહી છે.(૨૧.૨૪)

(3:46 pm IST)