Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

યુપીઃ ચોરી કરવા ન મળતા ૧૦ લાખ સ્ટુડન્ટ્સે બોર્ડની પરીક્ષા જ ન આપી

૬૬ લાખમાંથી ૧૦ લાખે ગુલ્લી મારી

લખનઉ તા. ૧૦  બોર્ડની પરીક્ષામાં આ વખતે એકઝામ રૂમમાં કોઈ ચોરી ન કરી શકે તે માટે કડક વ્યવસ્થા ગોઠવાતા ઉત્ત્।ર પ્રદેશમાં ૧૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનું જ માંડી વાળ્યું છે. મહત્વનું છે કે, ગયા વર્ષે પણ આ જ કારણે પાંચ લાખ સ્ટૂડન્ટ્સ પરીક્ષામાં ચોરી કરવાની કોઈ તક ન અપાતા પરીક્ષામાં બેઠા જ નહોતા.

યુપીમાં આ વખતે ૬ ફેબ્રુઆરીથી ૧૦માં અને ૧૨માની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ છે, અને તેમાં બેસવા ૬૬ લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. પરીક્ષા શરુ થયે ૪ દિવસ થઈ ગયા છે, અને આ સમયગાળામાં ૧૦ લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. યુપીમાં એક મહિના સુધી પરીક્ષાઓ ચાલવાની હોવાથી આ આંકડો હજુય વધે તેવી પૂરી શકયતા છે.શુક્રવારે દસમા ધોરણના વિદ્યાર્થીઓને ઈંગ્લિશનું જયારે ૧૨માં ધોરણના સ્ટૂડન્ટ્સને ઈંગ્લિશનું પેપર હતું, અને આ બે પેપરમાં જ સૌથી વધુ સંખ્યામાં સ્ટૂડન્ટ્સ ગેરહાજર રહ્યા હતા. આ પહેલા ૨૦૧૬માં રેકોર્ડ સંખ્યામાં ૬.૪૦ લાખ વિદ્યાર્થીઓેએ પરીક્ષા નહોતી આપી, પણ આ રેકોર્ડ આ વખતે તૂટી ચૂકયો છે.

૧૯૯૧ અને ૧૯૯૨માં રાજનાથ સિંહ યુપીના શિક્ષણ મંત્રી હતા, ત્યારે તેમણે પરીક્ષાની પદ્ઘતિ કડક બનાવતા બંને વર્ષે અનુક્રમે ૧.૩ લાખ અને ૧.૬ લાખ વિદ્યાર્થીઓએ ડ્રોપ લઈ લીધો હતો. જોકે, તે વખતે હાલની સંખ્યા જેટલા સ્ટૂડન્ટ્સ પરીક્ષા આપવા પણ નહોતા આવતા.

યુપી શિક્ષણ બોર્ડના સેક્રેટરી નીના શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, સરકારે સામૂહિક ચોરી કરાવતા એજયુકેશન માફિયાઓ પર લગામ કસતા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નથી આવી રહ્યા. ચોરી અટકાવવા માટે દરેક રુમમાં સીસીટીવી ગોઠવાયા છે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ગોઠવવામાં આવી છે, અને યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા ખુદ પર્સનલ ઈન્સ્પેકશન કરી રહ્યા છે.(૨૧.૨૭)

(3:44 pm IST)