Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

નવા મિત્રો ન બનાવ્યા તો મોદી માટે મુશ્કેલ બની જશે ૨૦૧૯નો ચૂંટણી જંગ

દેશભરમાં બે મુદ્દાઓ પર જોરદાર ચર્ચા... એક તો એ કે આ વખતે શું લોકસભાની ચૂંટણી વહેલી થઇ જશે? અને બીજી એ કે ભાજપને પોતાના સાથી પક્ષો સાથે પહેલા જેવું નથી રહ્યું કે શું?: ૨૦૧૪નું પુનરાવર્તન સરળ નહીં હોયઃ ૨૧૨ બેઠકો પર ગઠબંધન જરૂરીઃ ગુજરાતના પરિણામ પણ એલર્ટ સમાનઃ કોંગ્રેસ આકરી ટક્કર આપવાની તૈયારીમાં

નવી દિલ્હી તા. ૧૦ : દેશભરમાં બે મુદ્દાઓ પર જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. એક તો એ કે આ વખતે શું લોકસભાની ચૂંટણીઓ વહેલી થઈ જશે? અને બીજી એ કે ભાજપને પોતાના સાથી પક્ષો સાથે પહેલા જેવું નથી રહ્યું કે શું? એવી પણ અટકળો છે કે, આ વખતે એમપી, રાજસ્થાન, છત્તિસગઢ, મિઝોરમ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા અને સિક્કિમ જેવા રાજયોમાં વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીઓ સાથે જ થશે.

 

ચૂંટણી જયારે થાય ત્યારે, પરંતુ દેશમાં હાલ જે સ્થિતિ છે તેને જોતા એટલું તો નક્કી છે કે, નરેન્દ્ર મોદી માટે ૨૦૧૪ના કરિશ્માનું ૨૦૧૯માં પુનરાવર્તન લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. તેમાંય જો યોગ્ય સાથી પક્ષો ન મળ્યા તો ૨૦૧૯નો જંગ ભાજપ અને મોદી માટે ઓર મુશ્કેલ થઈ જશે. કારણકે, શિવસેના અને ટીડીપી જેવા સાથી પક્ષો ભાજપ સાથે રહે તે વાત હાલ તો અશકય લાગી રહી છે.

૨૦૧૪માં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો હતો, છતાંય તેણે કેટલાક પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, ૨૦૧૯માં તેના કેટલા સાથીઓ ટકશે તે કહેવું મુશ્કેલ છે. લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૩૩૧ પર ભાજપને કોઈ ગઠબંધનની જરૂર નથી, અને ૨૦૧૪માં તેણે આ ૩૩૧માંથી ૨૩૧ બેઠકો જીતી હતી. જયારે ૨૧૨ બેઠકો પર તેને સાથી પક્ષોની જરુર છે. જેમાં બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજયોનો સમાવેશ થાય છે. ૨૦૧૪માં પક્ષને આ ૨૧૨માંથી ૫૪ બેઠક જ જીત્યો હતો.

જયારે, તમિળનાડુ જેવા રાજયમાં તો જો ભાજપ ગઠબંધન ન કરે તો એકેય બેઠક ન જીતી શકે તેવી સ્થિતિ છે. તેમાં કોઈ શંકા નથી કે મોદી નવા મિત્રો શોધી રહ્યા છે, અને તે પણ એવા કે જે શિવસેના અને તેલુગુ દેશમ પાર્ટી જેવા પક્ષોની જગ્યા લઈ શકે. જોકે, ભાજપ માટે નવા દોસ્તો બનાવવા આસાન નથી. કારણકે, તેમને પોતાની નહીં, પણ મોદીની શરતો પર ગઠબંધન કરવું પડે છે.

સરકાર ભલે દાવા કરતી હોય કે, ચૂંટણીઓ વહેલી થવાનો કોઈ સવાલ જ નથી, પણ રાજકીય પંડિતો સરકારના દાવાને સાચો માનવા તૈયાર નથી. ૨૦૦૪માં વાજપેયીએ વહેલી ચૂંટણી યોજીને જે ભૂલ કરી હતી તે મોદી તો નહીં જ કરે તેવી પણ એક વર્ગ દલીલ કરી રહ્યો છે, પણ સરપ્રાઈઝ આપવામાં માસ્ટર નરેન્દ્ર મોદી કયારે કયો આંચકો આપે તેની છેલ્લી ઘડી સુધી ખાતરી કરવી લગભગ અશકય છે.

ચૂંટણી વહેલી થશે કે સમયસર તે ચર્ચા બાજુ પર રાખીએ તો પણ, એક વાત તો ચોક્કસ છે કે હવે સરકાર પર તેણે ૨૦૧૪માં આપેલા વચનો પૂરા કરવાનું જોરદાર પ્રેશર છે. શિવસેના સહિતના કેટલાક સાથી પક્ષો ભાજપની નારાજ પણ છે, ત્યારે જો આ બંને મોરચે દોઢ વર્ષમાં મોદીએ નક્કર આયોજન ન કર્યું તો એ વાત નક્કી છે કે, મોદી માટે આગામી લોકસભા ચૂંટણી સરળ નહીં હોય.

ગુજરાતની ચૂંટણીના જે પરિણામ આવ્યા તેમાં ભાજપ સામેની નારાજગી છત્તી થઈ જ ગઈ. પણ, મોદીના ચહેરા અને કરિશ્માના કારણે ભાજપ ગમે તેમ કરી પોતાનો ગઢ જાળવવામાં સફળ રહ્યો. પણ સવાલ એ છે કે, શું ગુજરાતે કર્યું તેમ આખો દેશ મોદીના નામે 'દયા મતદાન' કરશે? ગુજરાતમાં તો મોદી પોતાને આ માટીનો દીકરો કહેતા હતા, પણ શું આખા દેશમાં શું તેઓ આ અપીલ કરી શકશે? અને જો કરશે તો પણ લોકો તેને સ્વીકારશે ખરા?

ગુજરાતની વિધાનસભા ચૂંટણી પછી રાજસ્થાનમાં થયેલી પેટા-ચૂંટણી પણ ભાજપ માટે આંખ ઉઘાડનારી છે. કોંગ્રેસે ભાજપને ન માત્ર ગુજરાતમાં પણ રાજસ્થાનની પેટા ચૂંટણીમાં પણ જોરદાર ટક્કર આપી છે, અને પક્ષમાં હવે રાહુલ ગાંધી જ સર્વેસર્વા હોવાથી નેતાગીરીને લઈને હાલ તો કોઈ પ્રશ્ન પણ નથી. તેવામાં ૨૦૧૪ કરતાં કોંગ્રેસ ૨૦૧૯માં મોટો પડકાર ઉભો કરી શકે છે.(૨૧.૨૬

(2:49 pm IST)
  • રાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST