Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

શેરથાના ગુજરાતીએ જર્મનીમાં કરી ગુજરાતી સમાજની સ્થાપના

જર્મનીના ગુજરાતીઓ એક તાંતણે બંધાયા

નવી દિલ્હી તા. ૧૦ : જર્મનીમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, લોજિસ્ટિકસ, આઈટી, ITeS એકસપર્ટ જેવા અનેક વ્યવસાયોમાં અવ્વલ ૩૬ વર્ષના ગુજરાતી હિમાંશુ પટેલે હવે જર્મનીમાં ગુજરાતી સમાજની સ્થાપના કરીને તેમની પ્રતિષ્ઠાની પાઘડીમાં એક વધુ છોગુ ઉમેરી દીધું છે. તેમણે ૨૦૧૩માં જર્મનીમાં ગુજરાતી સમાજની સ્થાપના કરી હતી. સમાજ પહેલા જર્મનીમાં ગુજરાતી સંસ્થાઓ હતી પરંતુ ગુજરાતી સમાજની સ્થાપનાને કારણે જર્મનીના ગુજરાતીઓ એક તાંતણે બંધાયા છે.

શેરથાના રહેવાસી હિમાંશુ પટેલે અમદાવાદમાં ગ્રેજયુએશન પૂર્ણ કર્યા બાદ પુણેમાં જર્મન ભાષા શીખી અને ત્યાંથી જર્મનીના ડોઈચલેન્ડમાં સ્થાયી થયા. આમ છતાંય તેમનું ભારત પ્રત્યેનું આકર્ષણ કયારેય ઓછુ નહતુ થયુ. ૨૦૦૨માં જર્મની જઈ તેમણે ત્યાંથી બેચલર્સ અને માસ્ટર્સ કર્યા ત્યાંથી ભારત આવી થોડા સમય માટે તેમણે બેંગલોરમાં કામ કર્યું પરંતુ તક ઊભી થતા ફરી જર્મની ગયા.

ગુજરાતી સમાજ સ્થાપવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે વાત કરતા પટેલ જણાવે છે, '૨૦૧૨માં ગુજરાતના બે પરિવારોને જર્મનીમાં સેટલ થવામાં મુશ્કેલી પડતા તે ઈન્ડિયા પાછા ફર્યા હતા. એ સમયે અમે સાત લોકોએ સ્થાનિક ઓથોરિટી અને ઈન્ડિયન કોન્સ્યુલેટની મદદથી ગુજરાતી સમાજ સ્થાપવાનું નક્કી કર્યું. આજે સભ્યોની સંખ્યા ૩૦૦થી વધારે છે. અમે મ્યુનિચ જેવા બીજા શહેરોમાં પણ ગુજરાતી સમાજ સ્થાપવામાં મદદ કરી રહ્યા છે.' પટેલ અત્યારે ફ્રેન્કફર્ટમાં રહે છે.

જર્મનીનો ગુજરાતી સમાજ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો ધામધૂમથી ઉજવવા માટે વખણાય છે. પટેલ કહે છે કે ૨૦૧૭માં તેમણે બધા સભ્યોને એક જર્મન પરિવારને આ ઉજવણીમાં શામેલ કરવા હાકલ કરી. અત્યારે જર્મનીના ૧૫ જેટલા શહેરોમાં આ તહેવારો ઉજવાય છે. ફ્રેન્ડસ ઓફ ઈન્ડિયા જેવી સંસ્થા દ્વારા ક્રિકેટ મેચનું પણ આયોજન થાય છે. પટેલ આ ગૃપના પણ કન્વીનર છે.

પટેલ જણાવે છે, 'તમને જાણીને નવાઈ લાગશે કે ફ્રેન્કફર્ટ યુનિવર્સિટીના એક પ્રોફેસર યુનિવર્સિટીમાં ગુજરાત વિષે ગુજરાતીમાં ભણાવે છે. ગયા વર્ષે મેં પણ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે તેમના પર એક લેકચર આપ્યું હતું. અહીં મોટા ભાગના ગુજરાતીઓ પોતાનો બિઝનેસ કરે છે અથવા તો આઈટી સેકટરમાં નોકરી કરે છે. તેમને શરુઆતમાં ભાષા અને સાંસ્કૃતિક નવીનતાને કારણે સેટલ થવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ હવે ધીમે ધીમે તેમણે અહીં પોતાની જગ્યા બનાવી લીધી છે' પટેલે શુક્રવારે અમદાવાદની મુલાકાત લીધી હતી અને આ સાથે જ જર્મનીમાં ગુજરાતી કંપનીઓ માટે જર્મનીમાં બિઝનેસની તકો અંગે વાત કરી હતી.(૨૧.૮)

(12:07 pm IST)