Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

PM મોદી પેલેસ્ટાઇન પહોંચ્યાઃ રાષ્ટ્રપતિ રામીએ કહ્યું, 'મોદી વર્લ્ડ લીડર છે'

ભારતીય વડાપ્રધાન પ્રથમ વખત પેલેસ્ટાઇન પહોંચ્યા છે

નવી દિલ્હી તા. ૧૦ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેલેસ્ટાઈન પહોંચ્યા છે. કોઈ ભારતીય વડાપ્રધાન પ્રથમ વખત પેલેસ્ટાઈન પહોંચ્યા છે, જેના કારણે પેલેસ્ટાઈનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસ સાથે મુલાકાત કરશે અને દિવંગત યાસર અરાફત સંગ્રહાલયની પણ મુલાકાત લેશે. તો પ્રધાનમંત્રીની મુલાકાતને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણાવી છે.

પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી રામી હમદલ્લાહે જણાવ્યું હતું કે, મોદી વર્લ્ડ લીડર છે. પશ્ચિમ એશિયાના દેશો સાથે તેમના સારા સંબંધો હોવાને કારણે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચેના ઝઘડાને ખતમ કરવા પર તેઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મોદીને કારણે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોમાં મીઠાશ આવશે.

વધુમાં હમદલ્લાહે ઉમેર્યું હતું કે, અમારા જેવા વિકાસશીલ દેશ માટે ભારત આર્થિક અને રાજનીતિક તાકાત છે. જે અમારા માટે સારી વાત છે. ઉલ્લેખનીય છે કે આજે ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે ૬ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ૧૯૮૮માં પેલેસ્ટાઈનને આઝાદી મળી ત્યારે પેલેસ્ટાઈનને દેશ તરીકે સમર્થન કરનારા દેશમાં ભારત પ્રમુખ દેશ હતો.(૨૧.૭)

(9:51 am IST)